New Delhi News/ ભારતની ચોખાની નિકાસમાં 5%નો વધારો, બિન-બાસમતી ચોખાએ સંભાળી બજાર

બિન-બાસમતી (Non Basmati Rice)ચોખાની વધતી વૈશ્વિક માંગે કુલ નિકાસમાં વધારો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે

India
બિન-બાસમતી (Non Basmati Rice)ચોખાની વધતી વૈશ્વિક માંગે કુલ નિકાસમાં વધારો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

New Delhi News : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૂ-રાજકીય તણાવ અને વેપાર વિક્ષેપો છતાં વર્ષ 2026ના પ્રથમ છ મહિનામાં ભારતની ચોખાની નિકાસમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. વિશ્વના સૌથી મોટા ચોખા નિકાસકાર તરીકે ભારતે ફરી એકવાર પોતાની મજબૂત સ્થિતિ સાબિત કરી છે. ખાસ કરીને બિન-બાસમતી (Non Basmati Rice)ચોખાની વધતી વૈશ્વિક માંગે કુલ નિકાસમાં વધારો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

સરકારી આંકડાઓ મુજબ જાન્યુઆરીથી જૂન 2026 દરમિયાન ભારતની કુલ ચોખાની નિકાસ લગભગ 5 ટકા વધીને 12.27 મિલિયન મેટ્રિક ટન પહોંચી છે, જ્યારે ગયા વર્ષના સમાન સમયગાળામાં તે 11.68 મિલિયન મેટ્રિક ટન હતી. ભારત હાલમાં વૈશ્વિક ચોખા વેપારમાં 40 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે, જે થાઈલેન્ડ, વિયેતનામ અને પાકિસ્તાન જેવા દેશોની સંયુક્ત નિકાસ કરતાં પણ વધુ છે.

બાસમતી નિકાસમાં ઘટાડો

જોકે કુલ નિકાસમાં વધારો થયો છે, પરંતુ બાસમતી ચોખાની નિકાસ (Basmati Rice Export)માં ઘટાડો નોંધાયો છે. સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, બાસમતી ચોખાની નિકાસ (Basmati Rice Export) 5.5 ટકા ઘટીને 3.36 મિલિયન મેટ્રિક ટન રહી છે. તેનું મુખ્ય કારણ ઈરાન સહિત કેટલાક ગલ્ફ દેશો સાથેના વેપાર વિક્ષેપો અને પશ્ચિમ એશિયામાં સર્જાયેલી અસ્થિર સ્થિતિ માનવામાં આવે છે.

બિન-બાસમતી ચોખાએ આપ્યો મોટો આધાર

બીજી તરફ બિન-બાસમતી ચોખાની નિકાસમાં જોરદાર વૃદ્ધિ જોવા મળી છે. આ સમયગાળા દરમિયાન તેની નિકાસ 9.6 ટકા વધીને 8.9 મિલિયન મેટ્રિક ટન સુધી પહોંચી છે. આફ્રિકાના અનેક દેશોમાં ભારતીય ચોખાની મજબૂત માંગ અને તેની સ્પર્ધાત્મક કિંમતના કારણે નિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે.

ભારત બાંગ્લાદેશ, બેનિન, આઇવરી કોસ્ટ, ગિની અને કેમરૂન જેવા દેશોમાં મોટા પ્રમાણમાં બિન-બાસમતી ચોખાની નિકાસ કરે છે. જ્યારે પ્રીમિયમ બાસમતી ચોખો મુખ્યત્વે સાઉદી અરેબિયા, ઈરાક, ઈરાન અને સંયુક્ત આરબ અમીરાત જેવા બજારોમાં મોકલવામાં આવે છે.

ભારતને કેવી રીતે થયો ફાયદો?

વેપારીઓના જણાવ્યા અનુસાર ભારતમાં ચોખાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી ભારતીય ચોખા થાઈલેન્ડ, વિયેતનામ અને મ્યાનમાર જેવા દેશોની સરખામણીએ વધુ સસ્તા ભાવે ઉપલબ્ધ છે. આ જ કારણસર વૈશ્વિક બજારમાં ભારતીય ચોખાની માંગ સતત વધી રહી છે.

ચોખાની નિકાસ ભારતના કૃષિ નિકાસ ક્ષેત્રનો સૌથી મજબૂત આધાર બની રહી છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની અસર છતાં બિન-બાસમતી ચોખા (Non Basmati Rice))ની વધતી માંગે કુલ નિકાસને મજબૂત રાખી છે. નિષ્ણાતોના મતે આ સ્થિતિ વૈશ્વિક બજારમાં ચોખાના ભાવને પણ નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ બનશે.

મકાઈ અને ઘઉંની નિકાસમાં પણ જંગી વધારો

ચોખાની સાથે અન્ય અનાજની નિકાસમાં પણ સારો વધારો નોંધાયો છે. વર્ષ 2026ના પ્રથમ છ મહિનામાં ભારતની મકાઈની નિકાસ (Corn Export)લગભગ 400 ટકા વધીને 14.2 મિલિયન મેટ્રિક ટન થઈ છે. રેકોર્ડ ઉત્પાદનને કારણે સ્થાનિક બજારમાં ભાવ ઘટતાં વિયેતનામ, બાંગ્લાદેશ અને મલેશિયા જેવા દેશોમાંથી માંગમાં વધારો થયો છે.

તે જ સમયે ઘઉંની નિકાસ (Wheat Export) પણ વધીને 1,61,187 ટન થઈ છે, જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળામાં માત્ર 1,463 ટન ઘઉંની નિકાસ થઈ હતી. નેપાળ તરફથી વધતી ખરીદી અને સરકાર દ્વારા નિકાસ પ્રતિબંધોમાં રાહત આપવાના નિર્ણયથી ઘઉંની નિકાસને પણ વેગ મળ્યો છે.


આ પણ વાંચો : ચોખાથી ઇથેનોલ પર નીતિ વિવાદ ગરમાયો

આ પણ વાંચો : ચોખા, ઘઉં વગેરેમાં ક્યારેય જીવાત નહિં પડે! બસ…અપનાવો આ ટિપ્સ…આખું વર્ષ વાપરી શકશો!

આ પણ વાંચો : શું મોંઘવારીનો માર પડશે? ઘઉં-ચોખાનો સ્ટોક ફૂલ, પણ ખાતર અને પેકેજિંગના ભાવ આસમાને