World News/ સેઉટામાં હજારો સ્થળાંતરકારોની ઘૂસણખોરી બાદ સ્પેને ઉતાર્યા ટેંક, યુરોપમાં વધ્યો સુરક્ષાનો ખતરો

મોરોક્કોથી વધતી ગેરકાયદે ઘૂસણખોરી બાદ સ્પેને સેઉટા સરહદ પર સેનાની તૈનાતી કરી છે. જ્યોર્જિયા મેલોનીએ યુરોપની સુરક્ષા માટે કડક પગલાંની ચેતવણી આપી છે.

World Breaking News
Spain

World News: ઉત્તર આફ્રિકામાં આવેલા સ્પેન (Spain)ના સ્વાયત્ત વિસ્તાર સેઉટા (Ceuta)માં ગેરકાયદે સ્થળાંતરકારોની (Migrants) વધતી ઘૂસણખોરીને પગલે સમગ્ર યુરોપમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. મોરોક્કો (Morocco)થી જમીન અને દરિયાઈ માર્ગે હજારો લોકો સેઉટામાં પ્રવેશી રહ્યા હોવાથી સ્પેન સરકારે સરહદ પર સેનાની તૈનાતી કરી છે. ટેંક અને સૈનિકોને સરહદી વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે, જ્યારે ઇટાલીની વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પણ અનિયંત્રિત સ્થળાંતરને યુરોપ માટે મોટો ખતરો ગણાવી કડક ચેતવણી આપી છે.

સ્પેન (Spain)માં ઘુસણખોરોની સંખ્યામાં વધારો થતા સુરક્ષામાં વધારો

સ્પેનના સ્વાયત્ત વિસ્તાર સેઉટામાં છેલ્લા કેટલાક દિવસોથી ગેરકાયદે સ્થળાંતરકારોની સંખ્યામાં ભારે વધારો નોંધાયો છે. હજારો લોકો સરહદી વાડ અને ગેટ તોડીને શહેરમાં પ્રવેશી રહ્યા છે, જેના કારણે સ્થાનિક સુરક્ષા દળો માટે પરિસ્થિતિને નિયંત્રિત કરવી મુશ્કેલ બની ગઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્પેન સરકારે સેનાની ટુકડીઓ તૈનાત કરી છે. સરહદી માર્ગો પર ટાંકો અને સૈનિકોની પેટ્રોલિંગ શરૂ કરવામાં આવી છે. સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે પણ સેઉટાની મુલાકાત લેવાની જાહેરાત કરી છે જેથી સ્થળ પરની સ્થિતિની સમીક્ષા કરી શકાય.

સેઉટા સરહદ પર માનવીય કટોકટી, સ્થાનિકોમાં ભય

સેઉટાના સ્વાયત્ત વિસ્તારના પ્રમુખે સમગ્ર વિસ્તારમાં માનવીય અને સામાજિક કટોકટી જાહેર કરી છે. શહેરના કેન્દ્રમાં હજારો લોકોની ભીડ એકત્ર થતાં વેપારીઓએ પોતાની દુકાનો બંધ કરી દીધી છે. સ્થાનિક નાગરિકોમાં લૂંટફાટ અને હિંસાની આશંકાને કારણે ભયનો માહોલ છે. સ્પેનની સરકારી મીડિયા મુજબ માત્ર એક જ દિવસે અંદાજે 2,000થી 3,000 લોકો સરહદી ગેટ તોડીને શહેરમાં પ્રવેશ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં મોટી સંખ્યામાં લોકો સરહદ પાર કરતા જોવા મળે છે.

ગેરકાયદે ઘુસણખોરીમાં વધારો, 10 દિવસમાં હજારો લોકો પહોંચ્યા

સ્થાનિક પ્રશાસનના જણાવ્યા અનુસાર છેલ્લા 10 દિવસમાં અંદાજે 1,500થી 2,000 ગેરકાયદે સ્થળાંતરકારો (Illegal Migration) સેઉટામાં પહોંચી ચૂક્યા છે. દરિયાઈ માર્ગે સેઉટામાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા હોવાનું પણ સામે આવ્યું છે. આ દરમિયાન સ્પેનની સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય આપતાં જણાવ્યું કે દરિયાઈ માર્ગે આવતા સ્થળાંતરકારોને તરત જ દેશમાંથી બહાર કાઢી શકાય નહીં, કારણ કે તેઓ જમીન માર્ગે સરહદ પાર કરીને આવ્યા નથી. આ નિર્ણય યુરોપમાં સ્થળાંતર નીતિ અંગે નવી ચર્ચાનું કારણ બન્યો છે.

 ઇટાલીની કડક ચેતવણી

સેઉટામાં સર્જાયેલી સ્થિતિ અંગે ઇટાલીની વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ સ્પેનને કડક સંદેશ આપ્યો છે. તેમણે જણાવ્યું કે અનિયંત્રિત સ્થળાંતર યુરોપની સરહદો માટે ગંભીર જોખમ છે અને ઇટાલી હવે માત્ર દર્શક બનીને નહીં રહે.

મેલોનીએ જણાવ્યું કે તેમણે ગૃહમંત્રી સાથે ચર્ચા કરી છે અને જરૂર પડશે તો સ્પેન સાથેના શેન્ગેન ફ્રી ટ્રાવેલ (Schengen Free Travel) કરારને પણ સ્થગિત કરવા જેવા અસાધારણ પગલાં લેવામાં આવશે. બીજી તરફ, સ્પેનની સરકાર હાલમાં દસ્તાવેજ વિના રહેતા અંદાજે પાંચ લાખ સ્થળાંતરકારોને કાનૂની દરજ્જો આપવા માટેની યોજના પર પણ કામ કરી રહી છે, જેના કારણે સમગ્ર યુરોપમાં સ્થળાંતર નીતિ અંગે ચર્ચા વધુ તેજ બની છે.


આ પણ વાંચો:અમેરિકાનો ઈરાન પર મોટો હવાઈ હુમલો, ટ્રમ્પની ચેતવણી બાદ અનેક સૈન્ય ઠેકાણાઓને બનાવ્યા નિશાન

આ પણ વાંચો:રશિયાએ ટેલિગ્રામના સ્થાપક પાવેલ દુરોવને ઇન્ટરનેશનલ વોન્ટેડ જાહેર કર્યા, આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ

આ પણ વાંચો:જાપાનમાં 7.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, 13નાં મોત; અનેક ઇમારતો ધરાશાયી