Gujarat News/ ગુજરાતમાં મેઘતાંડવ: 24 કલાકમાં અંબિકામાં 24 ઇંચ વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ, નવસારીમાં 160થી વધુ રસ્તા બંધ

ગુજરાતમાં ભારે વરસાદ (Heavy rain)થી અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સુરતના અંબિકા વિસ્તારમાં 24 ઇંચ વરસાદ. નવસારીમાં 160થી વધુ રસ્તા બંધ છે જ્યારે અમદાવાદ-રાજકોટ સહિત 6 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર.

Top Stories Ahmedabad Gujarat Surat Vadodara Breaking News
Heavy rain

Gujarat News: રાજ્યમાં મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર બેટિંગ કરતાં રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ (Heavy rain)વરસ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 255 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સુરત જિલ્લાના અંબિકા વિસ્તારમાં સૌથી વધુ 24 ઇંચ વરસાદ પડ્યો છે. અન્ય 12 તાલુકાઓમાં પણ 10 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે અનેક નદીઓમાં પાણીની આવક વધી છે, રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે અને અનેક સ્થળોએ જનજીવન પ્રભાવિત બન્યું છે.

હવામાન વિભાગે (IMD Alert)આજે અમદાવાદ, રાજકોટ સહિત 6 જિલ્લામાં રેડ એલર્ટ (Red Alert ), 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 13 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને 10 જિલ્લાઓમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.

બે કલાકમાં ચૂડામાં સાડા ત્રણ ઇંચ વરસાદ |  Heavy rain

આજે સવારે 6થી 8 વાગ્યા દરમિયાન માત્ર બે કલાકમાં જ રાજ્યના 135 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. તેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકામાં સૌથી વધુ 3.46 ઇંચ વરસાદ નોંધાયો હતો. અનેક વિસ્તારોમાં સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

સુરતમાં રેસ્ક્યૂ ઓપરેશન, 23થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા

સુરત જિલ્લામાં સતત ધોધમાર વરસાદ ((Heavy rain))ને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના પગલે કિમ નદી ભયજનક સપાટી વટાવી જતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. કઠોડરા વિસ્તારમાં આવેલી બે સોસાયટીમાં પાણી ભરાતા SDRFની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી 23થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.

ઘટનાસ્થળે મામલતદાર, પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રની ટીમ હાજર રહી પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. લોકોને નદીકાંઠા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવાની અપીલ કરવામાં આવી છે.

નવસારીમાં પૂરથી 1 લાખથી વધુ લોકો પ્રભાવિત

નવસારી જિલ્લામાં પૂર્ણા નદી ભયજનક સપાટી વટાવીને 28 ફૂટ સુધી પહોંચી છે. જેના કારણે ગધેવાન, કાલીયાવાડી અને શાંતાદેવી રોડ સહિત શહેરનો 30 ટકાથી વધુ વિસ્તાર પાણીમાં ગરકાવ (Navsari Flood)થયો છે.  ભારે વરસીદને પગલે જિલ્લામાં 160થી વધુ રસ્તા બંધ કરવાની ફરજ પડી છે જેના કારણે અનેક ગામોનો સંપર્ક તૂટ્યો હતો. અને તેથી વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો.  મોસમમાં ત્રીજી વખત આવેલા પૂરના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

વડોદરામાં હોસ્ટેલમાંથી 150 વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ

વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી એક હોસ્ટેલમાં મધરાત્રિ દરમિયાન વરસાદી પાણી ઘૂસી જતાં 150 જેટલા વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા. ફાયર બ્રિગેડ અને સ્થાનિક તંત્રે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. જ્યારે કરજણ તાલુકામાં ધોધમાર વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.

ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ બાદ કોલીયાદ ગામે વરસાદી પાણી ફરી વળ્યું છે. મેથી-સામરી-કોલીયાદ માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે અને સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં સતત વરસાદ બાદ ઢાઢર નદીના પાણી ફરી વળતાં બંબોજ ગામનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે. નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. ગામના ત્રણ ફળિયામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે બારિયા ફળિયા અને નવી નગરી વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ગ્રામ પંચાયત કચેરી તેમજ મંદિરોમાં પણ પાણી ભરાઈ ગયા છે.

 

છેલ્લા 24 કલાકથી ગામમાં વીજ પુરવઠો બંધ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ હજુ સુધી વહીવટી તંત્ર ગામે પહોંચ્યું નથી, જેના કારણે લોકોમાં ચિંતા વ્યાપી છે.

અમદાવાદમાં પરીક્ષાર્થીઓ મુશ્કેલીમાં

અમદાવાદમાં ભારે વરસાદને કારણે અનેક અંડરપાસ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જોકે ભારે વરસાદના કારણે શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી, તેમ છતાં બોપલ સ્થિત TCS સેન્ટરમાં SBI POની પરીક્ષા યોજાતા રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા ઉમેદવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

છોટાઉદેપુરના વદેશિયા ગામમાં વરસાદી પાણી ઘૂસતાં 9 પશુઓના મોત, 20થી વધુ ઘરો પ્રભાવિત

છોટાઉદેપુર જિલ્લાના વદેશિયા ગામમાં ભારે વરસાદ બાદ વરસાદી પાણી ગામમાં ફરી વળતાં ગંભીર સ્થિતિ સર્જાઈ છે. અચાનક આવેલા પાણીના પ્રવાહમાં ખીલે બાંધેલા પશુઓ ફસાઈ જતાં 9 મૂંગા પશુઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે.

ઉપરાંત, 20થી વધુ ઘરોમાં પાણી ઘૂસી જતાં ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદ બાદ નુકસાનના બનાવો સામે આવતા અસરગ્રસ્ત પરિવારો અને પશુપાલકોમાં ચિંતા વ્યાપી છે. પશુમાલિકે તંત્ર પાસે નુકસાનનો તાત્કાલિક સર્વે કરાવી યોગ્ય વળતર અને સહાય આપવામાં આવે તેવી માંગ કરી છે.

બે દુર્ઘટનામાં ચાર લોકોના મોત

ભારે વરસાદ વચ્ચે રાજ્યમાં બનેલી બે અલગ-અલગ દુર્ઘટનાઓમાં કુલ ચાર લોકોએ જીવ ગુમાવ્યો છે. નવસારી જિલ્લામાં કરંટ લાગવાથી 3 લોકોનાં મોત થયા છે જ્યારે આણંદ જિલ્લામાં ખુલ્લી કાંસમાં ત્રણ બાળકો તણાયા, જેમાં એક બાળકીનું મોત જ્યારે બે બાળકોનો બચાવ થયો હતો.

નદીમાં ફસાયેલા યુવકોનું રેસ્ક્યૂ

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં અશ્વિન નદીના પ્રવાહમાં ફસાયેલા એક યુવકનું સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત નર્મદા જિલ્લાના તિલકવાડા વિસ્તારમાં પૂર વચ્ચે ઝાડ પર ચડીને જીવ બચાવનારા બીજા યુવકને પણ સલામત બહાર કાઢવામાં આવ્યો.

ડેમમાંથી પાણી છોડાતા ગામોને એલર્ટ

સતત વરસાદને કારણે અનેક જળાશયોમાં પાણીની આવક વધી રહી છે. ભાદર-2 અને બોટાદના ખાંભડા ડેમમાંથી પાણી છોડવામાં આવતા રાજકોટ,ઉપલેટા, પોરબંદર અને બોટાદના વિસ્તારના 25થી વધુ નીચાણવાળા ગામોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

વલસાડમાં લોકોની મદદ માટે ગુહાર

વલસાડના કાશ્મીરનગર સહિત અનેક વિસ્તારોમાં પૂરનું પાણી ઘરોમાં ઘૂસી ગયું છે. અંદાજીત  70થી વધુ ઘરોમાં અનાજ, ઘરવખરી અને જરૂરી સામાન પાણીમાં તણાઈ જતાં સ્થાનિકોએ વહીવટી તંત્ર પાસે તાત્કાલિક સહાયની માગ કરી છે.

બોટાદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

બોટાદ જિલ્લામાં પણ ગત રાત્રિથી સતત વરસાદ ((Heavy rain))વરસી રહ્યો છે. જેમાં ગઢડામાં 4 ઇંચ, બોટાદ શહેરમાં 3.75 ઇંચ, બરવાળામાં  3 ઇંચ અને રાણપુરમાં  2 ઇંચ વરસાદ નોંધાયો છે.  ગઢડા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. જોકે અત્યાર સુધી કોઈ મોટી જાનહાનિ કે નુકસાનના અહેવાલ મળ્યા નથી. સતત વરસાદને પગલે ખાંભડા ડેમમાંથી આજે સવારે 6:55 વાગ્યાથી 1,730 ક્યુસેક પાણી છોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ડેમનો એક દરવાજો 45 સેમી સુધી ખોલવામાં આવ્યો છે.

તંત્રે નદીકાંઠાના નવ ગામોને એલર્ટ જાહેર કરીને નદીના પટમાં ન જવા તેમજ કોઝવે, પુલ અને નીચાણવાળા માર્ગોથી દૂર રહેવાની અપીલ કરી છે. બીજી તરફ, ઉપરવાસમાં સારા વરસાદને કારણે ગઢડા તાલુકાના નિગાળા ગામ નજીક આવેલી કેરી નદીમાં નવા નીર આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં નદી-નાળા છલકાતા જળસ્તરમાં વધારો થયો છે, જેને લઈને ખેડૂતો અને ગ્રામજનોએ રાહતની લાગણી વ્યક્ત કરી છે.

રાણપુર તાલુકામાં સતત વરસાદ (Heavy rain)ને કારણે અણીયાળી કસ્બાતી-કેરીયા માર્ગ પર ત્રણથી વધુ વીજપોલ ધરાશાયી થતાં રસ્તા પર અવરજવર સંપૂર્ણ બંધ થઈ ગઈ છે.

સ્થાનિકોએ તાત્કાલિક વીજપોલ હટાવી માર્ગ ખુલ્લો કરવાની માંગ કરી છે. ઘટનાને કારણે વાહનચાલકો અને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.


આ પણ વાંચો: દેશના 19 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, આગામી 24 કલાક રહેશે ભારે

આ પણ વાંચો:મહેસાણામાં ભારે વરસાદની આગાહીને પગલે 1 ઓગસ્ટે તમામ શાળાઓમાં રજા જાહેર

આ પણ વાંચો:વલસાડમાં આજે ભારે વરસાદનું રેડ એલર્ટ, તંત્ર એલર્ટ મોડમાં; NDRF-SDRFની ટીમો તૈનાત