Gujarat News: ગુજરાતમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં વિકાસકામોની (Infrastructure Damage)ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે. મહેસાણાના વિસનગરમાં મુખ્ય માર્ગ પર ભુવો પડતાં એસટી બસ ફસાઈ ગઈ, જ્યારે બનાસકાંઠાના વાવમાં રોડ પર યોગ્ય ડ્રેનેજ ન હોવાના કારણે ખેડૂતો અને ગ્રામજનોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો. બીજી તરફ ડાંગ, નવસારી અને વલસાડના પૂરગ્રસ્ત વિસ્તારોમાં સાંસદ ધવલ પટેલે મુલાકાત લઈને નુકસાનની સમીક્ષા કરી અને રાહત કામગીરીની માહિતી મેળવી.
Infrastructure Damage: વિસનગરમાં રસ્તો ધસી પડતાં એસટી બસ ફસાઈ
મહેસાણા જિલ્લાના વિસનગર નજીક કાસા ચોકડી વિસ્તારમાં મુખ્ય માર્ગ પર અચાનક ભુવો પડતાં (Visnagar Road Collapse) સતલાસણા-મહેસાણા રૂટ પર દોડતી એસટી બસ તેમાં ફસાઈ ગઈ હતી. ઘટનાના કારણે થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો. રોડનું કામ ચાલુ હોવા છતાં આવી સ્થિતિ સર્જાતા સ્થાનિકોએ કામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

વાવમાં ડ્રેનેજ વ્યવસ્થાને લઈને ખેડૂતોમાં રોષ
બનાસકાંઠાના વાવ તાલુકાના બુકાણા રોડ પર વરસાદ દરમિયાન (Vav Road Damage) જરૂરી સ્થળોએ નાળા ન બનાવવામાં આવ્યા હોવાના આક્ષેપો સાથે ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, જ્યાં પાણીના નિકાલની સૌથી વધુ જરૂર છે ત્યાં યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા ન હોવાથી પાંચથી છ ગામોના લોકોની અવરજવર પ્રભાવિત થઈ રહી છે. સાથે જ ખેતરોના ધોવાણની ભીતિ પણ વધી છે. તંત્ર અને ઠેકેદારની કામગીરી સામે તપાસની માંગ ઉઠી છે.

પૂરગ્રસ્ત વિસ્તારોમાં સાંસદ ધવલ પટેલનો પ્રવાસ
ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદ અને પૂરથી અસરગ્રસ્ત (Dang Flood) વિસ્તારોની સાંસદ ધવલ પટેલે મુલાકાત લીધી હતી. તેમણે વાંસદા તાલુકાના ગામોમાં રાહત કીટનું વિતરણ કર્યું તેમજ ડાંગમાં પ્રોટેક્શન વોલ, ગિરા નદી અને પુલોને થયેલા નુકસાનનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું. ગ્રામજનો સાથે ચર્ચા કરીને નુકસાનની વિગતો મેળવી હતી.
કેન્દ્ર સરકાર સમક્ષ નુકસાનનો અહેવાલ રજૂ કરાશે
સાંસદ ધવલ પટેલે જણાવ્યું કે અસરગ્રસ્ત વિસ્તારોની માહિતી અને નુકસાનનો વિગતવાર અહેવાલ કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવામાં આવ્યો છે. તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સમક્ષ પણ સમગ્ર સ્થિતિ રજૂ કરી હોવાનું જણાવ્યું અને અસરગ્રસ્ત લોકોને ઝડપી રાહત અને પુનઃસ્થાપન માટે જરૂરી સહાય ઉપલબ્ધ કરાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો.
આ પણ વાંચો: થરામાં ટાવર પર આકાશી વીજળી ત્રાટકી, ટીવી-પંખા સહિત અનેક વીજ ઉપકરણો બળીને ખાખ
આ પણ વાંચો: ઘેટાં ચરાવતા બાળકનું તળાવમાં ડૂબી જવાથી કરુણ મોત, 3.5 કલાક બાદ મળ્યો મૃતદેહ
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદનો ડબલ એટેક! ક્યાંક કેમિકલયુક્ત પાણીથી હોબાળો, ક્યાંક પુલ-કેનાલ તૂટી… ગામો સંપર્કવિહોણા બન્યા
