Surat News/ સુરતમાં બિલ્ડર પાસેથી ₹4 લાખની ખંડણી માંગવાનો આરોપ, પૂર્વ શિક્ષણ સમિતિના સભ્ય સામે FIR

આરોપીએ દાવો કર્યો હતો કે તે અગાઉ પણ તેમનું બાંધકામ તોડાવી ચૂક્યો છે અને જો હાલનું બાંધકામ બચાવવું હોય તો SMCમાં “વ્યવહાર” કરવો પડશે. આ માટે તેણે ₹4 લાખની ખંડણી (Extortion)ની માંગણી કરી હતી.

Gujarat Surat
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય રઈશ અહમદ મોહંમદશફી શેખ (Raish Sheikh) સામે બિલ્ડર પાસેથી ₹4 લાખની ખંડણી (Extortion)માંગવાના આરોપસર પોલીસ ફરિયાદ નોંધાઈ છે

Surat News : સુરત (Surat)ના લિંબાયત (Limbayat)વિસ્તારમાં સામાજિક કાર્યકર્તા તરીકે ઓળખ ધરાવતા અને સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય રઈશ અહમદ મોહંમદશફી શેખ (Raish Sheikh) સામે બિલ્ડર પાસેથી ₹4 લાખની ખંડણી (Extortion)માંગવાના આરોપસર પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ આરોપીએ બાંધકામ તોડી પાડવાની ધમકી આપી રૂપિયા માંગ્યા હતા. બિલ્ડરે વીડિયો અને ઓડિયો રેકોર્ડિંગના પુરાવા સાથે પોલીસનો સંપર્ક કરતાં સમગ્ર મામલો સામે આવ્યો છે.

ફરિયાદી જુબેર ખલીઉલ્લા અંસારીએ જણાવ્યું કે તેમણે બે મહિના પહેલાં લિંબાયતના ગોવિંદનગર વિસ્તારમાં પ્લોટ ખરીદી તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને બાંધકામ શરૂ કર્યું હતું. ત્યારબાદ 17 જુલાઈના રોજ આરોપી તેમની ઓફિસે પહોંચી બાંધકામ ગેરકાયદેસર હોવાનું કહી SMC દ્વારા તોડી પાડવાની ધમકી આપી હતી.

ફરિયાદ અનુસાર આરોપીએ દાવો કર્યો હતો કે તે અગાઉ પણ તેમનું બાંધકામ તોડાવી ચૂક્યો છે અને જો હાલનું બાંધકામ બચાવવું હોય તો SMCમાં “વ્યવહાર” કરવો પડશે. આ માટે તેણે ₹4 લાખની ખંડણી (Extortion)ની માંગણી કરી હતી.

આરોપ છે કે ત્યારબાદ પણ આરોપી વારંવાર ઓફિસે આવી તેમજ વોટ્સએપ કોલ દ્વારા રૂપિયા આપવા દબાણ કરતો રહ્યો. ધમકીઓથી કંટાળેલા ફરિયાદીએ આરોપી સાથેની વાતચીતના વીડિયો અને ઓડિયો રેકોર્ડિંગ કરી પુરાવા એકત્ર કર્યા હતા. આ પુરાવામાં આરોપી પૈસાની માંગણી અને બાંધકામ તોડાવી દેવાની ધમકી આપતો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

પરિવારની સલાહ બાદ ફરિયાદીએ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને તમામ ડિજિટલ પુરાવા પોલીસને સોંપ્યા હતા. પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે આરોપી રઈશ શેખ (Raish Sheikh)વર્ષ 2010થી 2015 દરમિયાન સુરત (Surat)નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય રહી ચૂક્યા છે અને હાલમાં લિંબાયત પોલીસ સ્ટેશનની શાંતિ સમિતિના સભ્ય હોવાનું પણ સામે આવ્યું છે. ઉપરાંત તેઓ અગાઉ કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા, પરંતુ પક્ષવિરોધી પ્રવૃત્તિઓ અને અન્ય ફરિયાદોને ધ્યાનમાં રાખીને આશરે છ મહિના પહેલાં તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસ PSI કે.પી. જાડેજાને સોંપી છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.


આ પણ વાંચો : ખંડણી કેસ બાદ જય ડાંગરની મુશ્કેલી વધી, પત્નીએ નોંધાવી દહેજ અને ઘરેલુ હિંસાની ફરિયાદ

આ પણ વાંચો : થાઈલેન્ડમાં 3 ભારતીય પ્રવાસીઓનું અપહરણ, 5 ભારતીયોની ધરપકડ; ₹1.20 કરોડની ખંડણી માટે પાકિસ્તાની માસ્ટરમાઇન્ડનો ખુલાસો

આ પણ વાંચો : માલીમાં અપહરણ બાદ સુરતના ડાયમંડ ઉદ્યોગપતિ ધીરૂ રામાણી મુક્ત, ₹44 કરોડની ખંડણી ચૂકવાઈ હોવાનો દાવો