World News: પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકવાદી સંગઠન Lashkar-e-Taibaના એક વરિષ્ઠ કમાન્ડરે દાવો કર્યો છે કે છેલ્લા ત્રણથી ચાર વર્ષમાં સંગઠનના 30થી વધુ આતંકીઓની અજાણ્યા હુમલાખોરો દ્વારા હત્યા કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં કમાન્ડર રિઝવાન હનીફે આ દાવો કર્યો હતો. જોકે તેણે પોતાના આરોપોને સમર્થન આપતા કોઈ પુરાવા રજૂ કર્યા નથી. ભારત સરકારે અગાઉ પણ આવા આરોપોને નકારી કાઢ્યા છે.
Lashkar-e-Taiba કમાન્ડરનો VIDEO ચર્ચામાં
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં લશ્કર-એ-તૈયબાનો વરિષ્ઠ કમાન્ડર રિઝવાન હનીફ (Rizwan Hanif)દાવો કરતો જોવા મળે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં સંગઠનના 30થી વધુ સભ્યોની ટાર્ગેટ કિલિંગ થઈ છે. તેના જણાવ્યા મુજબ આ ઘટનાઓ કરાચી, પેશાવર, રાવલપિંડી તેમજ પાકિસ્તાન (Pakistan) અધિકૃત કાશ્મીર (PoK)ના મુઝફ્ફરાબાદ અને રાવલાકોટ જેવા વિસ્તારોમાં બની હતી. હનીફે આ ઘટનાઓ માટે ભારતીય ગુપ્તચર એજન્સીઓ પર આરોપ લગાવ્યો, પરંતુ તેના સમર્થનમાં કોઈ વિશ્વસનીય પુરાવા રજૂ કર્યા નહોતા.
પુરાવા વિના ભારત પર લગાવ્યો આરોપ
વીડિયોમાં રિઝવાન હનીફે ભારતીય એજન્સીઓએ અજાણ્યા હુમલાખોરોની મદદથી આતંકીઓને નિશાન બનાવ્યા હોવાનો દાવો કર્યો હતો. જોકે ભારત સરકાર અગાઉ પણ આવા આરોપોને આધારવિહોણા ગણાવી ચૂકી છે. આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર તેની ચર્ચા તેજ બની છે. જોકે હનીફના દાવાની સ્વતંત્ર રીતે કોઈ પુષ્ટિ થઈ નથી.
અનેક આતંકીઓની હત્યાના બનાવો સામે આવ્યા
પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં લશ્કર-એ-તૈયબાના કેટલાક જાણીતા આતંકી (Terrorist)ઓની અજાણ્યા હુમલાખોરો દ્વારા હત્યાના બનાવો સામે આવ્યા છે. તેમાં અબૂ સૈફુલ્લાહ ઉર્ફે રજાઉલ્લાહ નિઝામાનીનું નામ પણ સામેલ છે, જે વર્ષ 2006માં આરએસએસ મુખ્યાલય પર થયેલા હુમલાનો આરોપી હતો. આ ઉપરાંત વિવિધ શહેરોમાં પણ સંગઠન સાથે જોડાયેલા કેટલાક લોકો પર હુમલાના અહેવાલો સામે આવ્યા છે.
લશ્કર-એ-તૈયબા શું છે?
લશ્કર-એ-તૈયબાની સ્થાપના 1980ના દાયકાના અંતમાં હાફિઝ મોહમ્મદ સઈદ, ઝફર ઈકબાલ અને અબ્દુલ્લા અઝ્ઝામ દ્વારા પાકિસ્તાનમાં કરવામાં આવી હતી. બાદમાં આ સંગઠન જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે જોડાયું હતું. ભારત, અમેરિકા, સંયુક્ત રાષ્ટ્ર અને અનેક અન્ય દેશોએ લશ્કર-એ-તૈયબાને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. ભારત સહિત અનેક દેશો લાંબા સમયથી આ સંગઠનને પાકિસ્તાનની કેટલીક સંસ્થાઓના સમર્થનનો આરોપ લગાવતા રહ્યા છે.
આ પણ વાંચો: ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં લશ્કર-એ-તૈયબાના ટોચના આતંકી પર અંધાધૂંધ ફાયરિંગ
આ પણ વાંચો:આતંકીની નવી ચાલ! ઓપરેશન સિંદૂર’ નો બદલો લેવા લશ્કર-એ-તૈયબાની નવી સાજિશ
આ પણ વાંચો:દિલ્હીમાં આતંકવાદી એલર્ટ જાહેર, લશ્કર-એ-તૈયબા તરફથી હુમલાની યોજના!
