Ahmedabad News: અમદાવાદમાં CNGના ભાવમાં થયેલા તાજેતરના વધારાના વિરોધમાં પ્રગતિ રિક્ષા ચાલક એકતા યુનિયને 5 અને 6 ઓગસ્ટે બે દિવસીય (Auto Rickshaw Strike) હડતાળની જાહેરાત કરી છે. યુનિયનનો દાવો છે કે હડતાળ દરમિયાન શહેરમાં 1 લાખથી વધુ રિક્ષાઓ બંધ રહેશે. રિક્ષાચાલકો CNGના ભાવમાં ઘટાડો અથવા ભાડામાં વધારો કરવાની માંગ સાથે આંદોલન (Ahmedabad Rickshaw Strike) પર ઉતર્યા છે.
Auto Rickshaw Strike: CNGનો ભાવ રૂ.94.02 પ્રતિ કિલો પહોંચતા રોષ
1 ઓગસ્ટથી CNGના ભાવમાં પ્રતિ કિલો રૂ.4નો વધારો થતાં હાલ ભાવ રૂ.94.02 પ્રતિ કિલો સુધી(CNG Price Hike) પહોંચી ગયો છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં CNGના ભાવમાં રૂ.12થી વધુનો વધારો નોંધાયો છે. બીજી તરફ રિક્ષાના ભાડામાં કોઈ વધારો ન થતાં રિક્ષાચાલકો પર આર્થિક બોજ વધી ગયો હોવાનું યુનિયનનું કહેવું છે.
મિનિમમ રૂ.30 અને પ્રતિ કિલોમીટર રૂ.20 ભાડાની માંગ

પ્રગતિ રિક્ષા ચાલક એકતા યુનિયને સરકાર સમક્ષ મિનિમમ રિક્ષા ભાડું રૂ.30 અને પ્રતિ કિલોમીટર ભાડું રૂ.20 નક્કી કરવાની માંગ કરી છે. યુનિયનનું કહેવું છે કે વધતી મોંઘવારી અને ઈંધણના ખર્ચને ધ્યાનમાં રાખીને હાલનું ભાડું પૂરતું નથી અને તેમાં તાત્કાલિક સુધારો કરવો જરૂરી છે.
પ્રગતિ યુનિયનની હડતાળ, અન્ય યુનિયનનો અલગ કાર્યક્રમ
આ બે દિવસીય હડતાળને પ્રગતિ રિક્ષા ચાલક એકતા યુનિયન (Rickshaw Union Ahmedabad) દ્વારા જાહેર કરવામાં આવી છે. જોકે અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયને આ હડતાળને સમર્થન આપ્યું નથી. આ યુનિયન 15 ઓગસ્ટે અલગ કાર્યક્રમ યોજવાની તૈયારીમાં હોવાનું જણાવાયું છે.
‘ખાતરી મળી, પરંતુ નિર્ણય થયો નહીં’
પ્રગતિ રિક્ષા ચાલક એકતા યુનિયનના પ્રમુખ ઇમરાન મન્સૂરીએ જણાવ્યું કે અગાઉ હડતાળની જાહેરાત બાદ ટ્રાન્સપોર્ટ કમિશનરે ભાડામાં વધારો કરવાની ખાતરી આપી હતી. જોકે આજદિન સુધી કોઈ સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો નથી. બીજી તરફ 1 ઓગસ્ટથી CNGના ભાવમાં ફરી વધારો થતાં રિક્ષાચાલકોની મુશ્કેલી વધી ગઈ છે.
મોંઘવારી વચ્ચે રિક્ષાચાલકો પર વધ્યો આર્થિક બોજ
યુનિયનના જણાવ્યા મુજબ સતત વધી રહેલી મોંઘવારી, CNGના ભાવમાં વધારો અને સ્થિર રિક્ષા ભાડાને કારણે હજારો રિક્ષાચાલકો માટે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. આથી સરકાર તાત્કાલિક ભાવ ઘટાડે અથવા ભાડામાં યોગ્ય વધારો કરે તેવી માંગ સાથે બે દિવસીય હડતાળનું એલાન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદમાં CNG ભાવવધારાની સીધી અસર, રિક્ષા અને ઓનલાઈન ટેક્સી ભાડામાં 15થી 20% વધારો
આ પણ વાંચો: CNG ભાવ વધારો: અમદાવાદમાં ₹83 પાર, રિક્ષાચાલકોનો ફાટી નીકળ્યો ગુસ્સો
આ પણ વાંચો: અમદાવાદમાં રિક્ષા ભાડામાં વધારો: મિનિમમ ભાડું ₹25 થયું, પ્રતિ કિલોમીટરે હવે ₹20 ચૂકવવા પડશે
