Gujarat News: ગુજરાતમાં પ્રી-મેટ્રિક અને પોસ્ટ-મેટ્રિક સ્કોલરશીપના લાખો વિદ્યાર્થીઓને છેલ્લા છ મહિનાથી સહાય ન મળી હોવાનો (Gujarat Scholarship Delay) કોંગ્રેસે દાવો કર્યો છે. કોંગ્રેસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને બક્ષી પંચ, આર્થિક રીતે નબળા અને વિચરતી-વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને મળવાપાત્ર સ્કોલરશીપની રકમ તાત્કાલિક ચૂકવવાની માંગ કરી છે. પક્ષના જણાવ્યા મુજબ સ્કોલરશીપમાં થયેલા વિલંબના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર સીધી અસર પડી રહી છે.
Gujarat Scholarship Delay: લાખો વિદ્યાર્થીઓ સ્કોલરશીપની રાહમાં
કોંગ્રેસના જણાવ્યા મુજબ પ્રી-મેટ્રિક સ્કોલરશીપના (Pre Matric Scholarship) અંદાજે 6.25 લાખ અને પોસ્ટ-મેટ્રિક સ્કોલરશીપના (Post Matric Scholarship) અંદાજે 5 લાખ વિદ્યાર્થીઓ હજુ સુધી સહાયથી વંચિત છે. વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને શાળા-કોલેજ તેમજ સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યા હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે આર્થિક રીતે નબળા પરિવારો માટે આ સહાય અત્યંત મહત્વપૂર્ણ હોવાથી અભ્યાસ ચાલુ રાખવામાં મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે.
ફી, પુસ્તકો અને અન્ય શૈક્ષણિક ખર્ચમાં મુશ્કેલી
મુખ્યમંત્રીને લખાયેલા પત્રમાં કોંગ્રેસે જણાવ્યું છે કે સ્કોલરશીપ ન મળવાને કારણે વિદ્યાર્થીઓને ફી ભરવા, પુસ્તકો ખરીદવા, શૈક્ષણિક સાધનો મેળવવા તેમજ અન્ય જરૂરી ખર્ચ ઉઠાવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સરકાર તાત્કાલિક વિલંબ દૂર કરીને તમામ પાત્ર વિદ્યાર્થીઓને નિયમ મુજબ સ્કોલરશીપ ચૂકવે તેવી માંગ કરવામાં આવી છે.
કેન્દ્રની ગ્રાન્ટ ન મળવાને કારણે વિલંબ થયો હોવાનો દાવો
ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ (Manish Doshi) જણાવ્યું હતું કે વર્ષ 2025-26 માટે કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય હેઠળ મળતી પ્રી-મેટ્રિક અને પોસ્ટ-મેટ્રિક સ્કોલરશીપની ગ્રાન્ટ ગુજરાતને હજુ સુધી મળી નથી. તેમના જણાવ્યા મુજબ ગ્રાન્ટના અભાવને કારણે વિદ્યાર્થીઓને આજદિન સુધી સ્કોલરશીપની રકમ ચૂકવાઈ નથી.
હોસ્ટેલ, ફૂડ બિલ અને અન્ય સહાય પણ અટવાઈ હોવાનો આક્ષેપ
ડૉ. મનીષ દોશીએ વધુમાં જણાવ્યું કે સ્કોલરશીપ યોજનાઓ હેઠળ વિદ્યાર્થીઓને હોસ્ટેલ ફૂડ બિલ, સાયકલ, ગણવેશ સહિતના લાભ પણ આપવામાં આવે છે. પરંતુ લાંબા સમયથી સ્કોલરશીપ ન મળતાં વિદ્યાર્થીઓને સંબંધિત શાળા-કોલેજો અને અધિકારીઓ પાસેથી સંતોષકારક જવાબ મળતો નથી. ક્યાંક ટેક્નિકલ કારણો તો ક્યાંક ગ્રાન્ટના અભાવનું કારણ આપવામાં આવતું હોવાનું તેમણે જણાવ્યું.
મુખ્યમંત્રી સમક્ષ તાત્કાલિક નિર્ણય લેવાની માંગ
કોંગ્રેસે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં રાજ્ય સરકારને વિનંતી કરી છે કે બક્ષી પંચ, આર્થિક રીતે નબળા અને વિચરતી-વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓના હક્કની સ્કોલરશીપ વહેલી તકે ચૂકવવામાં આવે. પક્ષનું કહેવું છે કે સમયસર સહાય મળવાથી વિદ્યાર્થીઓનો અભ્યાસ ખોરવાતો અટકશે અને તેઓ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં સતત આગળ વધી શકશે.
આ પણ વાંચો: વાવ-થરાદમાં વરસાદ બાદ પણ ખેડૂતોની મુશ્કેલી યથાવત, પાણીમાં ગરકાવ થયો મગફળી-બાજરીનો પાક
આ પણ વાંચો: ગુજરાતમાં ગ્લુ ટ્રેપ પર સંપૂર્ણ પ્રતિબંધ: ઉંદર પકડવાના સ્ટીકી બોર્ડનું ઉત્પાદન-વેચાણ-ઉપયોગ ગેરકાયદેસર
આ પણ વાંચો: માણસાના વેડા ગામમાં રસ્તા મુદ્દે સ્થાનિકોનો આક્રોશ, ભાજપનો ખેસ પહેરી ધારાસભ્ય સામે કર્યો વિરોધ
