Ahmedabad News : અમદાવાદ મહાનગરપાલિકાના (AMC)પૂર્વ ઝોનમાં ટેન્ડર અને બિલિંગ પ્રક્રિયામાં ગેરરીતિઓ સામે આવતા મોટું વહીવટી પગલું લેવામાં આવ્યું છે. ખોટા માપ, બિલોમાં છેડછાડ અને પેટા કોન્ટ્રાક્ટરો સાથે થયેલા કૌભાંડના આક્ષેપોને પગલે મ્યુનિસિપલ કમિશનરે ચાર અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે.
માહિતી મુજબ, કૌભાંડ બહાર આવતા સંબંધિત ટેન્ડર કોન્ટ્રાક્ટરો દ્વારા કોર્પોરેશનમાં રિકવરી પેટે લાખો રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે. ધ્રુવી બિલ્ડકોન દ્વારા અંદાજે રૂ.81 લાખની રકમ ભરવામાં આવી હોવાનું સામે આવ્યું છે, જ્યારે મીરલ કન્સ્ટ્રક્શન દ્વારા રૂ.10 લાખ ચૂકવવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પેટા કોન્ટ્રાક્ટરોએ કરેલા કામોમાં ખોટા માપ દર્શાવી બિલોમાં ગેરરીતિ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે આંતરિક તપાસ બાદ કોર્પોરેશને કડક કાર્યવાહી હાથ ધરી છે.
મ્યુનિસિપલ કમિશનરના આ નિર્ણય બાદ કોર્પોરેશનના અન્ય વિભાગોમાં પણ ચકચાર મચી ગઈ છે. હવે આ કેસમાં વધુ અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી થાય છે કે નહીં તેના પર સૌની નજર છે.
