uttarpradesh news/ લખનઉમાં અયોધ્યાથી પાર્ટી કરવા આવેલા ભાજપ નેતાની કરપીણ હત્યા

Lucknow BJP Leader Murder: યુપીના લખનઉમાં વિભૂતિખંડ વિસ્તારની ક્લબ બહાર સિગારેટ પીવા બાબતે થયેલા ઝઘડામાં ભાજપ નેતા શિવમ સિંહની ઈંટ-પથ્થરો મારી હત્યા કરાઈ છે. પોલીસ દ્વારા સીસીટીવી આધારે તપાસ શરૂ.

NATIONAL Top Stories India
Lucknow BJP Leader Murder

Lucknow BJP Leader Murder: ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉમાંથી કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક અત્યંત ચોંકાવનારી અને લોહીયાળ ઘટના સામે આવી છે. લખનઉના પોશ ગણાતા વિભૂતિખંડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક જાણીતી ક્લબ બહાર સાવ સામાન્ય બાબતે થયેલો વિવાદ ભયંકર હત્યાકાંડમાં ફેરવાઈ ગયો છે. અહીં સિગારેટ પીવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં ભાજપ યુવા મોરચાના સક્રિય સભ્ય શિવમ સિંહ પર જીવલેણ હુમલો કરીને તેમની કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. આ મર્ડર કેસને પગલે રાજકીય વર્તુળો સહિત સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

Lucknow પાર્ટી કરવા આવ્યો હતો ભાજપ નેતા

મળતી સત્તાવાર વિગતો મુજબ, મૂળ અયોધ્યાના રહેવાસી અને ભાજપ યુવા મોરચાના કાર્યકર શિવમ સિંહ પોતાના મિત્રો નીલેશ અને જીશાન સાથે લખનઉ ખાતે પાર્ટી કરવા માટે આવ્યા હતા. મોડી રાત્રે આ ત્રણેય મિત્રો વિભૂતિખંડ વિસ્તારમાં આવેલી જલવા ક્લબ (Jalwa Club) પાસે પહોંચ્યા હતા. આ દરમિયાન ક્લબની બહાર સિગારેટ પીવા બાબતે શિવમ અને તેના મિત્રોની કેટલાક અજાણ્યા સ્થાનીય યુવકો સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ સામાન્ય લાગતી માથાકૂટે હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

ઈંટ અને પથ્થરો વડે બેરહેમીથી હુમલો

આક્ષેપ છે કે ઝઘડો વધુ વણસતા ઉશ્કેરાયેલા હુમલાખોરોએ એકસંપ થઈને ભાજપ નેતા શિવમ સિંહ પર ઈંટો અને મસમોટા પથ્થરો વડે તૂટી પડ્યા હતા. હુમલાખોરોએ શિવમના માથા અને શરીરના ભાગે બેરહેમીપૂર્વક ઘા ઝીંકતા તેઓ લોહીલુહાણ થઈને ઘટનાસ્થળે જ બેભાન થઈ ઢળી પડ્યા હતા. ઘટનાને પગલે આસપાસમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

ગંભીર રીતે ઘાયલ શિવમને તાત્કાલિક સારવાર માટે ડૉ. રામ મનોહર લોહિયા હોસ્પિટલ લઈ જવાયા હતા, પરંતુ ત્યાં બેડ ઉપલબ્ધ ન હોવાના કારણે તેમને ગોમતીનગરની એક ખાનગી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન શિવમ સિંહનું મૃત્યુ થયું હતું.

 મિત્રોની ભૂમિકા પણ શંકાના દાયરામાં

શિવમના મોતના સમાચાર મળતાં જ અયોધ્યામાં તેમના પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું અને ઘરમાં માતમ છવાઈ ગયો હતો. મૃતકના ભાઈ સૌરભ સિંહે વિભૂતિખંડ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા હુમલાખોરો વિરૂદ્ધ હત્યાની કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પરિવારનો ગંભીર આક્ષેપ છે કે ઘટના સમયે સાથે હાજર રહેલા શિવમના કેટલાક મિત્રોની ભૂમિકા પણ શંકાસ્પદ છે. પરિવારે પોલીસની ધીમી તપાસ સામે પણ નારાજગી વ્યક્ત કરી છે.

બીજી તરફ, લખનઉ પોલીસે જણાવ્યું છે કે ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ અને અન્ય ટેકનિકલ પુરાવાઓના આધારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. શંકાસ્પદોની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરાઈ છે અને ટૂંક જ સમયમાં તમામ મુખ્ય ફરાર આરોપીઓને ઝડપી પાડી કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


આ પણ વાંચો: લખનઉમાં બ્લાસ્ટનું પાકિસ્તાની ષડયંત્ર નિષ્ફળ, UP ATS એ 4 આતંકીઓને ઝડપ્યા

આ પણ વાંચો: લખનઉ એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, બોમ્બની ધમકીથી ગભરાટ ફેલાયો

આ પણ વાંચો: લખનઉ CMના નિવાસસ્થાને જતાં ધરપકડ કરાઇ, પરિવારના 11 સભ્યોએ પેટ્રોલથી આત્મહત્યાના કર્યા પ્રયાસો