Surat News/ સુરતમાં કૌટુંબિક કંકાસનો ખતરનાક અંતઃ પતિએ ઘરવખરી શેરીમાં સળગાવી, ઘર પણ ફૂંકી મારવાનો પ્રયાસ

સુરતના કાપોદ્રામાં કૌટુંબિક કંકાસ (Surat Family Dispute) બાદ પતિએ ઘરવખરી શેરીમાં કાઢી આગ ચાંપી દીધી હતી. ગેસનો ચૂલો અને ફર્નિચર તોડીને ઘર સળગાવવાનો પ્રયાસ કર્યો. ફાયર વિભાગે આગ કાબૂમાં લીધી.

Top Stories Gujarat Surat Breaking News
Surat Family Dispute: પત્ની-પુત્રો સાથે ઝઘડા બાદ પતિએ ઘરવખરી સળગાવી

Surat News: શહેરના કાપોદ્રા વિસ્તારમાં કૌટુંબિક કંકાસ (Surat Family Dispute)ને લઈને ચોંકાવનારી ઘટના સામે આવી છે. પત્ની અને બે પુત્રો સાથે થયેલા ઝઘડા (Surat Family Dispute) બાદ એક આધેડ પતિએ પોતાનો ગુસ્સો એટલો હદે પહોંચાડ્યો કે ઘરની ઘરવખરી શેરીમાં કાઢીને તેમાં આગ લગાવી દીધી. ત્યારબાદ ઘરમાં રહેલા ગેસના ચૂલા અને ફર્નિચરને પણ નુકસાન પહોંચાડી આખું ઘર સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. ફાયર વિભાગની સમયસરની કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

મળતી માહિતી મુજબ, આ ઘટના કાપોદ્રા વિસ્તારમાં લક્ષ્મણનગર નજીક આવેલા ક્રિષ્નાનગરમાં બની હતી. અહીં રહેતા 50 વર્ષીય દક્ષાબેન ઘનશ્યામભાઈ પરમારે સમગ્ર બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Surat Family Dispute: એક મહિનાથી અલગ રહેતો પતિ અચાનક ઘરે આવ્યો

ફરિયાદ મુજબ, દક્ષાબેનના પરિવારમાં તેમના પતિ ઘનશ્યામ કાનજીભાઈ પરમાર અને બે પુત્રો છે. ઘનશ્યામભાઈ છેલ્લા એકાદ મહિનાથી પરિવારથી અલગ અલગ જગ્યાએ રહેતા હતા. દરમિયાન બુધવારે રાત્રે આશરે 10 વાગ્યાના અરસામાં તેઓ અચાનક ઘરે આવ્યા હતા. ઘરે આવ્યા બાદ પત્ની અને સાસરી પક્ષને લઈને તેમણે ઉગ્ર બોલાચાલી (Surat Family Dispute) કરી હતી અને ગાળાગાળી શરૂ કરી હતી. ત્યારબાદ બીજા દિવસે એટલે કે 10 સપ્ટેમ્બરના રોજ સવારે આશરે 10 વાગ્યે પણ પત્ની અને બંને પુત્રો સાથે ફરી ઝઘડો થયો હતો.

ઘરની તમામ વસ્તુઓ બહાર કાઢી સળગાવી

ઝઘડા (Surat Family Dispute) બાદ બપોરે આશરે 12 વાગ્યે ઘનશ્યામભાઈએ આવેશમાં આવી ઘરમાં રહેલો સામાન બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. તેમણે લાકડાની બે શેટી, ગાદલા-ગોદડાં, પ્લાસ્ટિકની ખુરશીઓ, સોફા, કપડાં, અનાજ, પાણીની પાઈપલાઈન, પૂજાનું મંદિર સહિતની ઘરવખરી શેરીમાં એકઠી કરી હતી. ત્યારબાદ આ સામાનના ઢગલામાં આગ ચાંપી દેવામાં આવી હતી. આગના કારણે અંદાજે રૂ. 1.50 લાખની ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

ગેસનો ચૂલો અને ફર્નિચર પણ તોડ્યું

માત્ર ઘરવખરી સળગાવ્યા બાદ મામલો અટક્યો નહોતો. આરોપીએ ઘરની અંદર રહેલા ગેસના ચૂલા અને ફર્નિચરમાં પણ તોડફોડ કરી હતી. ત્યારબાદ આખા ઘરને આગ લગાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરિસ્થિતિ ગંભીર બનતા મોટા પુત્ર જયેશે તાત્કાલિક સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી. માહિતી મળતા ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગની સમયસરની કામગીરીને કારણે આગ વધુ ફેલાતી અટકાવી શકાય હતી અને મોટી હોનારત ટળી હતી.

કાપોદ્રા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

આ સમગ્ર મામલે દક્ષાબેન પરમારની ફરિયાદના આધારે કાપોદ્રા પોલીસે તેમના પતિ ઘનશ્યામ કાનજીભાઈ પરમાર વિરુદ્ધ BNSની કલમ 324(5), 326(g) અને 352 હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે અને વધુ તપાસની જવાબદારી PSI એમ.બી. વાઘેલાને સોંપવામાં આવી છે.


 આ પણ વાંચો:સુરત શ્યામ સંગીની માર્કેટ આગ કેસમાં મોટો વળાંક: CCTVમાં આગ લગાવતો શખસ કેદ, 25-30 કરોડના નુકસાનનો અંદાજ

 આ પણ વાંચો:સુરતમાં વારંવાર ભડકે છે આગ… ક્યાં છે ખામી, કોણ છે જવાબદાર?

 આ પણ વાંચો:સુરતની શ્યામ સંગીની માર્કેટમાં વિકરાળ આગ, 5 કલાકથી વધુ ફાયર વિભાગનું રેસ્ક્યૂ ઓપરેશન