California News/ લગ્નની ના પાડતા 22 વર્ષીય યુવકે ભારતીય મૂળની મહિલાને ગોળી મારી, પછી આત્મહત્યા

કેલિફોર્નિયામાં 38 વર્ષીય ભારતીય મૂળની શાલિની ઠાકુરની ગોળી મારી હત્યા (California Murder). 22 વર્ષીય રોહિત લગ્ન માટે દબાણ કરતો અને પીછો કરતો હોવાનો પરિવારનો આરોપ.

Top Stories World Breaking News
California Murder:લગ્નનો ઇનકાર, પીછો અને પછી હત્યા! કેલિફોર્નિયામાં ચોંકાવનારી ઘટના

California News: અમેરિકાના કેલિફોર્નિયામાં ભારતીય મૂળની 38 વર્ષીય મહિલાની હત્યા (California Murder)ની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. સેક્રામેન્ટોમાં ભારતીય મૂળની શાલિની ઠાકુરને રેસ્ટોરન્ટની બહાર ગોળી મારીને હત્યા (California Murder) કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનામાં 22 વર્ષીય રોહિત નામના યુવકનું નામ સામે આવ્યું છે. પોલીસ તેને ઘેરવા પહોંચી ત્યારે તેણે પોતાના માથામાં ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી.

પ્રાથમિક માહિતી અનુસાર, રોહિત છેલ્લા ઘણા સમયથી શાલિનીનો પીછો કરતો હતો અને તેને હેરાન કરતો હોવાનો પરિવારનો આરોપ છે. શાલિનીની માતા સુદેશ કુમારીએ જણાવ્યું કે રોહિત તેમની દીકરી સાથે લગ્ન કરવા માંગતો હતો. જોકે, બંને વચ્ચે 14 વર્ષનું ઉંમરનું અંતર હોવાથી શાલિનીએ લગ્ન માટે ના પાડી હતી. પરિવારના જણાવ્યા મુજબ, આ વાતથી રોહિત નારાજ હતો.

California Murder: કામ પર જતી શાલિનીનો પીછો કર્યો

સેક્રામેન્ટો કાઉન્ટી શેરિફ ઓફિસની માહિતી મુજબ, શાલિની સેક્રામેન્ટોના આર્ડન આર્કેડ વિસ્તારમાં આવેલા એક શોપિંગ પ્લાઝામાં કામ કરતી હતી. ઘટના સમયે તે કામ પર જઈ રહી હતી. આરોપ છે કે રોહિતે તેનો પીછો કર્યો અને એક રેસ્ટોરન્ટની બહાર તેને રોકી હતી. જ્યારે શાલિનીએ પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો, ત્યારે રોહિતે તેનો પીછો કર્યો અને તેના પર અનેક ગોળીઓ ચલાવી દીધી. ગોળીબારમાં શાલિની ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને તેનું મૃત્યુ થયું હતું.

ઘટના બાદ સ્થાનિક લોકોએ પોલીસને શંકાસ્પદ વાહન અંગે માહિતી આપી હતી. પોલીસને થોડા સમય બાદ વાહનનું લોકેશન મળી ગયું હતું. વાહન ઈસ્ટબાઉન્ડ હાઈવે 50 પર જોવા મળ્યું હતું. અધિકારીઓએ તેને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે વાહન અચાનક અટકી ગયું. પોલીસ અધિકારીઓ વાહન સુધી પહોંચ્યા ત્યારે રોહિત ડ્રાઇવર સીટ પર લોહીથી લથપથ હાલતમાં મળી આવ્યો હતો. તેણે પોતાને ગોળી મારી આત્મહત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.

California Murder: જાન્યુઆરી 2026થી પીછો કરતો હોવાનો આરોપ

સ્થાનિક અહેવાલો અનુસાર, રોહિત જાન્યુઆરી 2026થી શાલિનીનો પીછો કરી રહ્યો હતો. પરિવારના જણાવ્યા પ્રમાણે, તે ઘણી વખત શાલિનીની મદદ કરવાના બહાને તેની કારના ટાયરની હવા કાઢી નાખતો હતો અને ત્યારબાદ તેની આસપાસ રહેવાનો પ્રયાસ કરતો હતો. રોહિત શાલિની જ્યારે કામ પર જતી ત્યારે પણ તેનો પીછો કરતો હોવાનો આરોપ છે. એટલું જ નહીં, એક પ્રસંગે તેણે શાલિનીના એપાર્ટમેન્ટની ચાવીની નકલ મેળવી લીધી હતી અને ત્યારબાદ તેની જાણ બહાર ઘરમાં પ્રવેશ કરતો હોવાનો પણ પરિવારનો દાવો છે. આ મામલે શાલિનીએ મે 2026માં રોહિત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ કોર્ટ દ્વારા પણ રોહિતને ચેતવણી આપવામાં આવી હતી. જોકે, પરિવારના જણાવ્યા મુજબ ચેતવણી બાદ પણ તેનો પીછો અને હેરાનગતિ બંધ થઈ નહોતી.

California Murder: ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેતો હોવાનો દાવો

અમેરિકી ગૃહ સુરક્ષા વિભાગના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, રોહિત પાસે અમેરિકામાં રહેવા માટે જરૂરી માન્ય દસ્તાવેજો નહોતા. પ્રવક્તા મુજબ, વર્ષ 2023માં તે એરિઝોના તરફથી અમેરિકામાં પ્રવેશ્યો હતો અને અમેરિકી બોર્ડર પેટ્રોલ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં બાઈડેન પ્રશાસન દરમિયાન તેને મુક્ત કરવામાં આવ્યો હતો. જોકે, રોહિતની ઇમિગ્રેશન સ્થિતિ અને અમેરિકામાં તેના રોકાણ સાથે જોડાયેલી સંપૂર્ણ વિગતો હજુ સ્પષ્ટ થઈ શકી નથી.

હાલ આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ તપાસ ચાલી રહી છે. શાલિનીની હત્યા (California Murder) પાછળનો ચોક્કસ હેતુ, બંને વચ્ચેના સંબંધો અને અગાઉ કરવામાં આવેલી ફરિયાદ અંગે તપાસ એજન્સીઓ વધુ વિગતો એકત્ર કરી રહી છે. આ ઘટનાએ ખાસ કરીને પીછો કરવો, હેરાનગતિ અને વારંવારની ફરિયાદોને ગંભીરતાથી લેવાની જરૂરિયાત અંગે ફરી સવાલો ઊભા કર્યા છે.


આ પણ વાંચો:અમેરિકામાં સુરેશ પટેલ હત્યા કેસ: શંકાસ્પદ આરોપી ઝડપાયો, પોલીસનો VIDEO વાયરલ

આ પણ વાંચો:અમેરિકામાં પિઝા ડિલિવરી કરતા પંજાબી યુવકની ગોળી મારી હત્યા, પરિવાર પર તૂટી પડ્યો દુઃખનો પહાડ

આ પણ વાંચો:અમેરિકામાં ભારતીય વિદ્યાર્થી પર ગર્લફ્રેન્ડની હત્યાનો આરોપ, જર્મનીમાં ધરપકડ