World News/ 9/11 પહેલાં જ ભારત પર હુમલાનો વિચાર કરતો હતો ઓસામા બિન લાદેન? રિપોર્ટમાં થયો ખુલાસો

CIA ના 1998ના ડીક્લાસિફાઈડ દસ્તાવેજ મુજબ, ઓસામા બિન લાદેન 9/11 હુમલા પહેલા ભારત સહિત અનેક દેશોમાં આતંકવાદી હુમલા કરવાનો ઈરાદો રાખતો હતો.

international Top Stories World
CIA

CIA Osama Bin Laden Declassified Report: અમેરિકાની સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (CIA)ની 1998ની એક અવર્ગીકૃત રિપોર્ટમાં ઓસામા બિન લાદેનના આતંકી નેટવર્ક અંગે મહત્વની માહિતી સામે આવી છે. રિપોર્ટ અનુસાર, 11 સપ્ટેમ્બર 2001ના આતંકી હુમલાના ઘણા વર્ષો પહેલાં જ બિન લાદેન ભારત સહિત અનેક દેશોમાં હુમલા કરવાની શક્યતાઓ પર વિચાર કરી રહ્યો હતો. જોકે, રિપોર્ટમાં ભારતને લઈને કોઈ ચોક્કસ ટાર્ગેટ, હુમલાની તારીખ કે કોઈ ઓપરેશનલ પ્લાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

1998ની રિપોર્ટમાં ભારતનો ઉલ્લેખ

28 ઓગસ્ટ 1998ની પ્રેસિડેન્શિયલ ડેઇલી બ્રીફમાં બિન લાદેનના આતંકી નેટવર્કને હજુ પણ ખતરો ગણાવવામાં આવ્યો હતો. તેમાં ભારત ઉપરાંત ઇજિપ્ત, અરબ પ્રાયદ્વીપના કેટલાક દેશો, પાકિસ્તાન, યુગાન્ડા અને સંભવિત રીતે નાઇજીરિયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ મુજબ, બિન લાદેન આ દેશોમાં હુમલા કરવાની શક્યતાઓ પર વિચાર કરી રહ્યો હતો. જોકે, દસ્તાવેજમાં ભારતને લગતી કોઈ ચોક્કસ આતંકી સાજિશ અથવા નિશાન અંગેની માહિતી આપવામાં આવી નહોતી. રિપોર્ટમાં ગુપ્તચર માહિતીના મૂળ સ્ત્રોતને પણ જાહેર કરવામાં આવ્યો નથી.

અમેરિકા અને બ્રિટન પણ નિશાન પર

CIAના મૂલ્યાંકન મુજબ બિન લાદેન અમેરિકા અને બ્રિટન સામે ભવિષ્યમાં હુમલા કરવાના વિકલ્પો શોધી રહ્યો હતો. તે સમયે તેના નેટવર્કની પહોંચ 60થી વધુ દેશોમાં હોવાનું જણાવાયું હતું. ઉત્તર અમેરિકા, યુરોપ અને પૂર્વ એશિયામાં તેના સહયોગીઓ અને સંગઠનાત્મક માળખાને કારણે અમેરિકન હિતો સામે હુમલાની શક્યતાને ગંભીરતાથી લેવામાં આવી હતી. રિપોર્ટમાં જણાવાયું હતું કે બિન લાદેન અને અન્ય આતંકી નેતાઓ અફઘાનિસ્તાનમાં અમેરિકાના મિસાઇલ હુમલામાં બચી ગયા હતા. ત્યારબાદ તેમનું સંચાર નેટવર્ક ચાલુ રહ્યું હતું અને કેટલાક આતંકી કેમ્પમાં ફરી તાલીમ શરૂ થઈ હોવાનું પણ અમેરિકન ગુપ્તચર તંત્રએ નોંધ્યું હતું. આ મૂલ્યાંકન ઓગસ્ટ 1998માં કેન્યા અને તાન્ઝાનિયામાં અમેરિકન દૂતાવાસો પર થયેલા બોમ્બ વિસ્ફોટો બાદ અફઘાનિસ્તાન અને સુદાનમાં શંકાસ્પદ અલ-કાયદા ઠેકાણાઓ પર અમેરિકાના મિસાઇલ હુમલાના સમયગાળા દરમિયાન સામે આવ્યું હતું.

ત્રણ વર્ષ બાદ થયું 9/11નું ભયાનક કાંડ

આ રિપોર્ટના આશરે ત્રણ વર્ષ બાદ 11 સપ્ટેમ્બર 2001ના રોજ અલ-કાયદાના 19 આતંકવાદીઓએ(CIA) અમેરિકામાં ચાર વિમાનોનું અપહરણ કર્યું હતું. બે વિમાનો ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વિન ટાવર્સ સાથે અથડાયા હતા. ત્રીજું વિમાન પેન્ટાગન સાથે અથડાયું હતું, જ્યારે ચોથું વિમાન પેન્સિલવેનિયામાં તૂટી પડ્યું હતું. આ આતંકી હુમલામાં આશરે 3,000 લોકોના મોત થયા હતા. ત્યારબાદ અમેરિકાએ અફઘાનિસ્તાનમાં સૈન્ય કાર્યવાહી શરૂ કરી હતી.

2011માં એબટાબાદમાં માર્યો ગયો બિન લાદેન

9/11 હુમલાના માસ્ટરમાઇન્ડ તરીકે ઓળખાતા ઓસામા બિન લાદેનની લગભગ એક દાયકાની શોધ 2 મે 2011ના રોજ પૂરી થઈ હતી. પાકિસ્તાનના એબટાબાદમાં અમેરિકન સૈન્યની કાર્યવાહી દરમિયાન બિન લાદેન માર્યો ગયો હતો. નવી જાહેર થયેલી CIA સામગ્રી 9/11 પહેલાં જ બિન લાદેનના નેટવર્કની વ્યાપક પહોંચ અંગે અમેરિકન ગુપ્તચર તંત્રને મળેલી માહિતી પર પ્રકાશ પાડે છે. ભારતનો ઉલ્લેખ મહત્વનો છે, પરંતુ દસ્તાવેજમાં ભારત વિરુદ્ધ કોઈ ચોક્કસ કાવતરું કે ટાર્ગેટનો પુરાવો નથી.


આ પણ વાંચો:9/11 હુમલાના 25 વર્ષ બાદ નવા ખુલાસા, ઓમર અલ-બાયોમીના જૂના વીડિયો ચર્ચામાં

આ પણ વાંચો: અમેરિકાની ઈરાનને ખુલ્લી ચેતવણી; સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે કહ્યું, ઓઈલ ટેન્કરો ડુબાડી દઈશું

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પની તસવીરવાળો ખાસ 1 ડૉલરનો સિક્કો લોન્ચ, વેચાણ શરૂ થતાં જ થયો સ્ટોક આઉટ