Gujarat News: ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણીને હજુ સમય છે, પરંતુ રાજકીય પક્ષોએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. એક તરફ મતદાર યાદીની વિશેષ ચકાસણી બાદ અંતિમ મતદાર યાદી જાહેર થઈ છે, તો બીજી તરફ ભાજપ અને કોંગ્રેસે સંગઠનને મજબૂત કરવાની કવાયત શરૂ કરી છે. આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં પોતાનો રાજકીય પ્રભાવ વધારવા સક્રિય છે.
આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, બહુજન સમાજ પાર્ટી સહિતના રાજકીય પરિબળોની સક્રિયતાથી 2027ની ચૂંટણીમાં નવાજૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે. હવે સવાલ એ છે કે 2027માં ગુજરાતનું રાજકીય ચિત્ર કેવું રહેશે અને મતદારોનો મિજાજ કોના પક્ષમાં રહેશે?
2027 વિધાનસભા ચૂંટણીમાં રાજકીય ગણિતમાં શું બદલાવ આવશે?
ચૂંટણીની સમગ્ર પ્રક્રિયામાં મતદાર યાદી (Voter List)નું મહત્વ સૌથી વધુ હોય છે. ગુજરાતમાં વિશેષ સઘન સુધારણા એટલે કે SIRની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફેબ્રુઆરી 2026માં અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી. અંતિમ મતદાર યાદી પ્રમાણે ગુજરાતમાં કુલ 4 કરોડ 40 લાખ 30 હજાર 725 મતદારો નોંધાયા હતા. આ મતદારો જ આગામી વિધાનસભા ચૂંટણીમાં રાજકીય પક્ષોના ભાવિનો નિર્ણય કરશે.
નવી મતદાર યાદી બાદ રાજકીય પક્ષો માટે મતદારો સુધી પહોંચ વધારવી અને પોતાના સંગઠનને વધુ મજબૂત બનાવવું મહત્વપૂર્ણ બનશે. ત્યારે સવાલ એ છે કે 2027ની ચૂંટણી પહેલાં નવી મતદાર યાદી રાજકીય પક્ષોની રણનીતિ (Election Strategy)ને કેટલી અસર કરશે?
ભાજપ સામે સત્તા જાળવી રાખવાનો પડકાર
સત્તાધારી ભાજપ માટે 2027ની ચૂંટણી સતત સત્તા જાળવી રાખવાનો મોટો પડકાર રહેશે. પક્ષે સંગઠન મજબૂત કરવા અને આગામી ચૂંટણી માટેની રણનીતિ પર કામ શરૂ કરી દીધું છે. ભાજપ સામે સૌથી મોટો પડકાર વિકાસના મુદ્દાને મતમાં કેવી રીતે ફેરવવો તેનો રહેશે. બીજી તરફ યુવાનો અને ખાસ કરીને ઝેન-જી મતદારો સુધી પહોંચ વધારવા પર પણ રાજકીય પક્ષોનું ધ્યાન છે. દેશવ્યાપી રાજકીય પરિસ્થિતિની અસર ગુજરાત પર પણ પડી શકે છે. યુવાનો, રોજગાર અને વિકાસ જેવા મુદ્દાઓ આગામી ચૂંટણીમાં કેટલા અસરકારક સાબિત થશે તે જોવું મહત્વપૂર્ણ રહેશે. ખાસ કરીને યુવા મતદારોનો મિજાજ 2027ની ચૂંટણીમાં રાજકીય ગણિત બદલવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
કોંગ્રેસ, વાઘેલા અને BSPની સક્રિયતાથી સમીકરણ બદલાશે?
2027ની ચૂંટણી કોંગ્રેસ માટે ગુજરાતમાં ફરીથી મજબૂત પડકાર ઊભો કરવાની મોટી તક માનવામાં આવી રહી છે. કોંગ્રેસે (Congress) ગુજરાત માટે નવા પ્રભારી તરીકે રણદીપ સુરજેવાલાની જવાબદારી સોંપી છે. તેઓ 12 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેમની મુલાકાત ભાજપના ગુજરાત માટેના નવા પ્રભારી તરુણ ચુઘના રાજ્ય પ્રવાસ સાથે જ ચર્ચામાં રહી હતી. કોંગ્રેસ હવે બેરોજગારી, શિક્ષણ, મોંઘવારી, ખેડૂતો અને યુવાનો જેવા મુદ્દાઓને કેન્દ્રમાં રાખવાની દિશામાં આગળ વધી રહી છે. જોકે પક્ષ સામે સંગઠનને એકજૂથ રાખવાનો પણ મોટો પડકાર રહેશે.
બીજી તરફ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ 2027ની ચૂંટણીને લઈને સક્રિય થયા છે. વાઘેલાએ 2027ની ચૂંટણીને તેમની રાજકીય કારકિર્દીની છેલ્લી મોટી તક ગણાવી છે. તેમણે ‘પ્રજા શક્તિ પાર્ટી’ને ફરી સક્રિય કરવા માટે 2 ઓક્ટોબરથી આક્રમક અભિયાન શરૂ કરવાની વાત કરી છે.
વાઘેલાએ અગાઉ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને ગુજરાતના ભૂતપૂર્વ પ્રભારી મુકુલ વાસનિકનો સંપર્ક કર્યો હોવાનું જણાવ્યું હતું. જોકે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે કોંગ્રેસમાં જોડાવાનો તેમનો ઈરાદો નથી, પરંતુ ભાજપ સામે લડવા માટે ગઠબંધન કરવાની શક્યતા અંગે તેઓ ચર્ચા કરી રહ્યા છે.
આ ઉપરાંત BSPએ પણ ગુજરાતમાં બેઠકોનો દોર શરૂ કર્યો છે. BSPના પૂર્વ રાજ્યસભા સાંસદ રાજારામ સહિતના નેતાઓ અને પદાધિકારીઓ 18 સપ્ટેમ્બરે ગુજરાતમાં આવી પાર્ટીની સમીક્ષા અને આગામી રણનીતિ અંગે ચર્ચા કરવાના છે. આગામી ચૂંટણીમાં દલિત અત્યાચાર સહિતના મુદ્દાઓને લઈને BSP ભાજપ સામે ઉમેદવારો ઉતારે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
ખેડૂતો, રોજગાર અને મોંઘવારી બનશે ચૂંટણીના મોટા મુદ્દા?
રાજકીય પક્ષો પોતાના ચૂંટણી ગણિતને મજબૂત કરવામાં લાગી ગયા છે, પરંતુ અંતે મતદારોનો મિજાજ જ ચૂંટણીનું પરિણામ નક્કી કરશે. ગુજરાતમાં ખેડૂતો સિંચાઈના પાણી, બિયારણ, ખાતર અને વીજ પોલ સહિતના વિવિધ પ્રશ્નોને લઈને સરકાર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂતોનો મત આગામી ચૂંટણીમાં મહત્વપૂર્ણ બની શકે છે. સાથે જ બેરોજગારી, રોજગાર, મોંઘવારી, શિક્ષણ અને સ્થાનિક સ્તરની સમસ્યાઓ પણ ચૂંટણીના મહત્વના મુદ્દા બની શકે છે.
વિપક્ષ પાસે સરકારને ઘેરવા માટે અનેક મુદ્દાઓ છે, ત્યારે સત્તાપક્ષ કયા મુદ્દાઓ સાથે જનતા વચ્ચે જશે તે પણ મહત્વનું રહેશે. જોકે રાજકીય પક્ષોનું ગણિત અને મતદારોનું ગણિત એકસરખું હોય તે જરૂરી નથી. 2027ની ચૂંટણીમાં વિકાસ, રોજગાર, મોંઘવારી, શિક્ષણ અને ખેડૂતોના પ્રશ્નો ઉપરાંત સ્થાનિક સમસ્યાઓ પણ મતદારોના નિર્ણયને અસર કરી શકે છે. પરંતુ આ મુદ્દાઓ પર મતદારો રાજકીય પક્ષો પર કેટલો વિશ્વાસ કરશે અને કોને સત્તાનો તાજ પહેરાવશે તેનો અંતિમ જવાબ ચૂંટણી પરિણામો બાદ જ મળશે.
આ પણ વાંચો:BSP ધારાસભ્ય ઉમાશંકર સિંહના ઘરે IT રેડ, ફિલ્મી સ્ટાઈલમાં પાડ્યા દરોડા, 10 કરોડ કેશ જપ્ત
આ પણ વાંચો:ગુજરાતનું કોઈ એવું ગામ નહીં હોય જ્યાં કોથળીઓ નહીં મળતી હોય : શંકરસિંહ વાઘેલા
આ પણ વાંચો:2027ની ચૂંટણી પહેલા ભાજપ માટે ચિંતાના સમાચાર: સ્થાનિક વિધાયકો સામે જનતામાં ભારે રોષ!
