RBI Repo Rate Hike Forecast: આવનારા સમયમાં હોમ લોન, કાર લોન અને અન્ય ફ્લોટિંગ રેટની લોનના EMIમાં વધારો થઈ શકે છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એક રિસર્ચ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મોંઘવારીના વધતા દબાણને જોતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા રેપો રેટમાં વધારો કરી શકે છે. રિપોર્ટ પ્રમાણે ઓક્ટોબરની મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં 0.25 ટકા અને ત્યારબાદ ડિસેમ્બરમાં પણ 0.25 ટકાનો વધારો થઈ શકે છે. એટલે કે કુલ 0.50 ટકા સુધીનો વધારો શક્ય હોવાનું SBIનું અનુમાન છે.
હાલ 5.25 ટકા છે રેપો રેટ
ઓગસ્ટમાં મળેલી MPCની બેઠકમાં RBIએ (RBI Repo Rate) સતત ચોથી વખત રેપો રેટને 5.25 ટકાના સ્તરે યથાવત રાખ્યો હતો. હવે 5થી 7 ઓક્ટોબર દરમિયાન આગામી MPC બેઠક યોજાવાની છે. SBIના રિપોર્ટમાં મોંઘવારીના જોખમોને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં નીતિગત દરોમાં વધારો કરવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ક્રૂડ ઓઇલના ભાવ વધવાથી ચિંતા
રિપોર્ટમાં રેપો રેટ(RBI Repo Rate) વધવાની સંભાવના પાછળ મિડલ ઈસ્ટની સ્થિતિને પણ મહત્વનું કારણ ગણાવવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ 100 ડોલર પ્રતિ બેરલની સપાટી પાર કરી ગયા હોવાનું જણાવાયું છે. જો ભાવ વધુ વધીને 105થી 123 ડોલર સુધી પહોંચે તો તેની અસર પેટ્રોલ-ડીઝલથી લઈને પરિવહન ખર્ચ અને મોંઘવારી સુધી જોવા મળી શકે છે.

લોન લેનારાઓ પર શું થશે અસર?
જો RBI રેપો રેટ (RBI Repo Rate) વધારે છે તો બેંકો માટે નાણાં મેળવવાનો ખર્ચ વધી શકે છે. તેની અસર ગ્રાહકોના ફ્લોટિંગ રેટના લોન પર પડી શકે છે. નવી હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન પણ વધુ વ્યાજદર સાથે મળી શકે છે. જોકે ફિક્સ્ડ રેટની લોન પર સામાન્ય રીતે સીધી અસર થતી નથી. ધારો કે ₹50 લાખની હોમ લોન 20 વર્ષ માટે 8.25 ટકાના વ્યાજદરે ચાલી રહી છે. હાલ EMI આશરે ₹42,603 થાય છે. જો વ્યાજદર 0.50 ટકા વધીને 8.75 ટકા થાય અને બેંક તેનો સંપૂર્ણ ભાર ગ્રાહક પર નાખે, તો EMI આશરે ₹44,186 થઈ શકે છે. એટલે દર મહિને લગભગ ₹1,583નો વધારાનો બોજ પડશે.
રેપો રેટ કેમ વધારવામાં આવે છે?
RBI મોંઘવારીને (RBI Repo Rate)કાબૂમાં રાખવા માટે રેપો રેટનો ઉપયોગ કરે છે. દર વધવાથી લોન મોંઘી થાય છે અને બજારમાં નાણાંનો પ્રવાહ ઘટે છે, જેથી માંગ પર નિયંત્રણ આવે. બીજી તરફ અર્થતંત્રમાં મંદી હોય ત્યારે RBI દર ઘટાડીને લોન સસ્તી બનાવે છે અને નાણાંનો પ્રવાહ વધારવાનો પ્રયાસ કરે છે.
