RBI Data Gold Loan Growth India: ભારતમાં સોનાના દાગીના સામે લોન લેવાનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના આંકડા મુજબ, જુલાઈ દરમિયાન નોન-બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (NBFC) અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓની ગોલ્ડ લોનમાં વાર્ષિક ધોરણે 68.9 ટકાનો વધારો નોંધાયો છે. આ સાથે કન્ઝ્યુમર ડ્યુરેબલ લોનમાં પણ 51.5 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.
બેન્કોની ગોલ્ડ લોનમાં પણ મોટો વધારો
બેન્કિંગ ક્ષેત્રમાં પણ સોનાના દાગીના સામે આપવામાં આવતી લોનમાં(Gold Loan) નોંધપાત્ર વધારો થયો છે. જુલાઈમાં બેન્કોની ગોલ્ડ લોનમાં વાર્ષિક ધોરણે 88.1 ટકાનો વધારો નોંધાયો હતો. જોકે, એક વર્ષ અગાઉ આ વૃદ્ધિ 136.4 ટકા હતી. એટલે કે ગોલ્ડ લોનનો વ્યવસાય વધી રહ્યો છે, પરંતુ તેની વૃદ્ધિની ઝડપ અગાઉની સરખામણીએ ધીમી પડી છે. જુલાઈના અંત સુધીમાં NBFC ક્ષેત્રમાં સોનાના દાગીના સામેની બાકી લોનનો પોર્ટફોલિયો આશરે ₹3.54 લાખ કરોડ પર પહોંચી ગયો હતો. NBFCની રિટેલ લોનની વિવિધ કેટેગરીમાં ગોલ્ડ લોન સૌથી ઝડપથી વધતી કેટેગરીમાં સામેલ રહી છે.
રોજિંદા ખર્ચ માટે પણ સોનાના દાગીના ગીરવે?
બીજી તરફ, બેન્કો પાસે જુલાઈના અંતે સોનાના દાગીના(Gold Loan) સામેની બાકી લોન આશરે ₹5.52 લાખ કરોડ હતી. NBFC અને બેન્કો બંનેને સાથે ગણવામાં આવે તો ગોલ્ડ લોનનો કુલ બાકી આંકડો લગભગ ₹9.06 લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. આ આંકડા પરથી દેશમાં સોનાને ગીરવે મૂકીને નાણાં મેળવવાનો ઉપયોગ વધ્યો હોવાનું જોવા મળે છે. લોકો ઘરખર્ચ, જરૂરિયાતો અને અન્ય ખર્ચ માટે પણ ગોલ્ડ લોનનો સહારો લઈ રહ્યા હોવાની સ્થિતિ આ ડેટા દર્શાવે છે. જોકે, આ આંકડામાં સ્થાનિક સ્તરે વ્યક્તિગત રીતે નાણાં ધીરતા લોકો પાસેથી લેવામાં આવેલી લોનનો સમાવેશ થતો નથી.
NBFC ક્રેડિટમાં પણ વધારો
જુલાઈમાં NBFC દ્વારા આપવામાં આવેલી કુલ ક્રેડિટમાં પણ વાર્ષિક ધોરણે 14.9 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી અને તેનો કુલ આંકડો આશરે ₹59.89 લાખ કરોડ થયો હતો. ગોલ્ડ લોનમાં(Gold Loan) સતત થઈ રહેલો વધારો ભારતીય પરિવારોમાં સોનાની સામે નાણાં મેળવવાની વધતી જતી નિર્ભરતા તરફ ઈશારો કરે છે.
