Ahmedabad News : ગુજરાતમાં ચોમાસા પૂર્વેની ગતિવિધિઓ તેજ બનતાં હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓ માટે ભારે પવન, ગાજવીજ અને વરસાદ (Rain)ની આગાહી કરી છે. રાત્રે 10 વાગ્યા સુધી સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં 62થી 87 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મધ્યમ વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ આ ત્રણ જિલ્લાઓમાં વીજળી પડવાની શક્યતા પણ નોંધપાત્ર છે. વાદળોથી જમીન પર વીજળી ત્રાટકવાની સંભાવના 30થી 60 ટકા સુધી વ્યક્ત કરવામાં આવી છે. લોકોને અનાવશ્યક બહાર ન નીકળવા અને સલામત સ્થળે રહેવાની સલાહ આપવામાં આવી છે.
6 જિલ્લાઓ માટે વોચ જાહેર
બનાસકાંઠા, દાહોદ, મહેસાણા, ગાંધીનગર, ખેડા અને પંચમહાલ જિલ્લામાં પણ હવામાન વિભાગે વોચ જાહેર કરી છે. અહીં 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને ગાજવીજ સાથે વરસાદી (Rain)ઝાપટાં પડવાની શક્યતા છે.
અમદાવાદ સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ(Rain)
પાટણ, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને તાપી જિલ્લામાં વાતાવરણ પ્રમાણમાં શાંત રહેવાની સંભાવના છે. જોકે ક્યાંક-ક્યાંક હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. આ વિસ્તારોમાં પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી રહેવાની ધારણા છે.
ગરમીમાં મળશે રાહત
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાઈ શકે છે. જેના કારણે છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી ગરમીમાં નોંધપાત્ર રાહત મળશે.
ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી તેજ
બે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં પ્રી-મોન્સૂન ગતિવિધિઓ વધુ સક્રિય બની રહી છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના વિસ્તારોમાં આગળ વધી રહ્યું છે અને આગામી દિવસોમાં કેરળ તથા તમિલનાડુમાં પ્રવેશ માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ રહી છે.
અમદાવાદમાં કેવું રહેશે વાતાવરણ?
અમદાવાદ શહેરમાં આગામી કલાકોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. મોડી રાત્રિ અથવા વહેલી સવારે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. શહેરનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની સંભાવના છે.
રાજ્યના મોટા શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન
છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ અને ભાવનગર સહિત અનેક શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું. જોકે આગામી દિવસોમાં વરસાદી (Rain)માહોલને કારણે તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે.
