Gandhinagar News: ગાંધીનગરમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાતા સર્જાતા અટકી ગઈ હતી. કાનપુરથી છાલા તરફ જઈ રહેલી સ્કૂલ બસ (Gandhinagar School Bus Accident)ના ચાલકની ચાલુ બસે અચાનક તબિયત લથડતાં વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો. બેકાબૂ બનેલી બસે રસ્તાની બાજુમાં આવેલી દુકાન અને પાનના ગલ્લાને ટક્કર મારી હતી અને ત્યારબાદ સીધી તળાવ તરફ ધસી ગઈ હતી. જોકે તળાવના કિનારે આવેલા અવરોધને કારણે બસ પાણીમાં ખાબકતા પહેલાં જ અટકી ગઈ હતી. જેના કારણે બસમાં સવાર બાળકોનો સદનસીબે આબાદ બચાવ થયો હતો અને મોટી જાનહાનિ ટળી હતી.
બાળકોને લઈને છાલા તરફ જઈ રહી હતી બસ
મળતી માહિતી પ્રમાણે ગાંધીનગરના શિહોલી વિસ્તારમાં આવેલી ‘સ્કૂલ ઓફ એચીવર્સ’ની બસ સવારના સમયે કાનપુર ગામમાંથી પસાર થઈ રહી હતી. બસમાં શરૂઆતમાં અંદાજે 3થી 4 બાળકો સવાર હતા અને છાલા તરફ જઈ અન્ય વિદ્યાર્થીઓને લેવા માટે બસ આગળ વધી રહી હતી. આ દરમિયાન રસ્તામાં બસના ડ્રાઇવરની અચાનક તબિયત બગડી હતી. તેને ચક્કર આવતાં અસ્વસ્થતા અનુભવાઈ અને સ્ટિયરિંગ પરનું નિયંત્રણ છૂટી ગયું હતું.
દુકાન અને પાનના ગલ્લાને મારી ટક્કર
ડ્રાઇવરનો કાબૂ છૂટતાં બસ રસ્તાની સાઇડ તરફ ધસી ગઈ હતી. આ દરમિયાન બસે એક દુકાન અને પાનના ગલ્લાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કરના કારણે પાનનો ગલ્લો ફંગોળાઈને નજીકમાં આવેલા પાણી ભરેલા તળાવમાં જઈ પડ્યો હતો. બસની અચાનક ગતિ અને ટક્કરના કારણે બસમાં બેઠેલા બાળકો ગભરાઈ ગયા હતા અને બૂમાબૂમ કરવા લાગ્યા હતા. આ ઘટનામાં બસની નીચે એક કૂતરું પણ આવી જતાં તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.
તળાવમાં પડતા પહેલાં બસ અટકી ગઈ
દુકાન અને ગલ્લાને ટક્કર માર્યા બાદ બસ અટકવાને બદલે આગળ તળાવ તરફ ધસી રહી હતી. સ્કૂલ બસ (Gandhinagar School Bus Accident) તળાવના કિનારે પહોંચતાં સ્થિતિ અત્યંત ગંભીર બની હતી. જોકે કિનારે આવેલા અવરોધોના કારણે બસ પાણીમાં ખાબકતા પહેલાં જ અટકી ગઈ હતી. જો બસ થોડું વધુ અંતર કાપીને આગળ ગઈ હોત તો તે તળાવના પાણીમાં પડી શકતી હતી અને મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી.
Gandhinagar School Bus Accident: ગ્રામજનો અને રાહદારીઓ મદદે દોડી આવ્યા
અકસ્મતનો જોરદાર અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો અને રાહદારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બસમાં ફસાયેલા બાળકોને બહાર કાઢવા માટે લોકોએ ભારે જહેમત કરી હતી. સ્થાનિકોની મદદથી બાળકોને સહીસલામત બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં બાળકોના વાલીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બાળકોને કોઈ ગંભીર ઈજા ન થતાં વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
Gandhinagar School Bus Accident: ડ્રાઇવરને સારવાર માટે ખસેડાયો
પ્રાથમિક માહિતી પ્રમાણે અકસ્માત પાછળ બસના ડ્રાઇવરની અચાનક લથડેલી તબિયત અને ચક્કર આવવાનું કારણ હોવાનું સામે આવ્યું છે. ડ્રાઇવરને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ, બાળકોને તેમના વાલીઓ પોતાના ખાનગી વાહનોમાં સ્કૂલે લઈ ગયા હતા.
Gandhinagar School Bus Accident: સ્કૂલ વાહનોની સલામતી સામે સવાલ
આ ઘટનાના પગલે કાનપુર અને આસપાસના વિસ્તારમાં વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે. ખાસ કરીને સ્કૂલ બસ (Gandhinagar School Bus Accident) ચલાવતા ડ્રાઇવરોની તબીયત, નિયમિત મેડિકલ ચેકઅપ અને વાહનોની સલામતી તથા સ્પીડ કંટ્રોલ અંગે સવાલો ઊભા થયા છે. સદનસીબે બસ તળાવમાં પડતાં પહેલાં જ અટકી જતા બાળકોનો જીવ બચી ગયો અને મોટી દુર્ઘટના ટળી હતી. સમગ્ર મામલે અકસ્માતના ચોક્કસ કારણો અંગે વધુ તપાસ બાદ સ્થિતિ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો:મોરબીમાં સ્કૂલ બસ અકસ્માત બાદ મોટો ખુલાસો! તપાસમાં બસના તમામ દસ્તાવેજો એક્સપાયર હોવાનો ખુલાસો
આ પણ વાંચો:સુરતમાં સિટી બસ અને સ્કૂલ બસ વચ્ચે અકસ્માત, 2 વિદ્યાર્થી ઘાયલ
આ પણ વાંચો:દાહોદના અંતેલા ગામે દુ:ખદ અકસ્માત, સ્કૂલ બસના ટાયર નીચે કચડાતાં 4 વર્ષીય બાળકીનું મોત
