BIS Hallmarking Update September: તહેવારોની સીઝન શરૂ થવા પહેલાં જ સોનાં-ચાંદીના દાગીનાના હોલમાર્કિંગને લઈને મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ એટલે કે BIS દ્વારા હોલમાર્કિંગ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ પ્રતિ આર્ટિકલ હોલમાર્કિંગ માટે લેવામાં આવતો ચાર્જ ₹45 હતો, જે વધારીને હવે ₹75 કરવામાં આવ્યો છે. એટલે પ્રતિ આર્ટિકલ ₹30નો વધારો થયો છે.
ગ્રાહકોને સીધો ચાર્જ ચૂકવવો નહીં પડે
સરકારી નોટિફિકેશન પ્રમાણે હોલમાર્કિંગની આ ફી સીધી ગ્રાહકો પાસેથી વસૂલવાની નથી. આ ચાર્જ જ્વેલર્સ દ્વારા હોલમાર્કિંગ સેન્ટરને ચૂકવવાનો રહેશે. એટલે હોલમાર્કિંગ ફીમાં થયેલા વધારાની સીધી જવાબદારી ગ્રાહકો પર મૂકવામાં આવી નથી. હવે સવાલ એ છે કે વધેલા ચાર્જનો બોજ આખરે કોના પર પડશે? જ્વેલર્સ આ વધારાનો ખર્ચ પોતાની તરફથી ભોગવી શકે છે અથવા તેને દાગીનાના મેકિંગ ચાર્જ તથા અન્ય કિંમતમાં સામેલ કરી શકે છે. આવી સ્થિતિમાં દાગીના ખરીદતા સમયે ગ્રાહકોને વધારાનો ખર્ચ ચૂકવવો પડી શકે છે.
BISને પણ મળશે હોલમાર્કિંગમાંથી હિસ્સો
નવા નિયમ મુજબ હોલમાર્કિંગ સેન્ટર્સે સોનાના દરેક આર્ટિકલ પર ₹7.50 BISને(BIS Hallmarking) ચૂકવવાના રહેશે. જોકે, એક કન્સાઇનમેન્ટ માટે ઓછામાં ઓછા ₹20 ચૂકવવાના રહેશે. બીજી તરફ ચાંદીના દરેક આર્ટિકલ માટે ₹3.50 BISને ચૂકવવાના રહેશે અને કન્સાઇનમેન્ટ દીઠ ઓછામાં ઓછા ₹15ની રકમ નક્કી કરવામાં આવી છે. આ રકમ પર લાગુ પડતા ટેક્સ અલગથી ચૂકવવાના રહેશે. તહેવારો દરમિયાન સોનાં-ચાંદીની ખરીદીમાં વધારો થતો હોય છે. એવા સમયે હોલમાર્કિંગ ચાર્જમાં થયેલો આ ફેરફાર જ્વેલર્સ માટે મહત્વપૂર્ણ છે. ગ્રાહકો માટે સૌથી મહત્વની બાબત એ છે કે ₹75ની હોલમાર્કિંગ ફી સીધી તેમની પાસેથી વસૂલવાની જોગવાઈ નથી, પરંતુ જ્વેલર્સ(BIS Hallmarking) પોતાની કિંમત નક્કી કરતી વખતે વધેલા ખર્ચને અન્ય ચાર્જમાં સામેલ કરી શકે છે.
