નવસારી (NAVSARI) જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારોના નામ જાહેર થતાં જ લાંબા સમયથી ચાલતો આંતરિક વિવાદ ખુલ્લેઆમ સામે આવ્યો હતો. જલાલપોર મંડળના ચાર નવનિયુક્ત આગેવાનો જિલ્લા ભાજપ કાર્યાલય પહોંચ્યા અને જિલ્લા પ્રમુખના ટેબલ પર રાજીનામા મૂકી દીધા હતા. જો કે તેમણે પોતાને ભાજપના સનિષ્ઠ કાર્યકર ગણાવતા પક્ષ સાથે જોડાયેલા રહેવાની ભાવના વ્યક્ત કરી હતી.
નવસારી મહામંત્રી પદને લઈને વિવાદ
નવસારી (NAVSARI) જિલ્લા ભાજપનું માળખું ફેબ્રુઆરીમાં જાહેર થવાનું હતું, પરંતુ મહામંત્રી પદને લઈને વિવાદ ઉભો થયો હતો. નવસારી, જલાલપોર, ગણદેવી અને વાંસદા વિધાનસભા ક્ષેત્રોમાંથી મહામંત્રી પદ માટે દાવેદારી હતી. જલાલપોર તાલુકા મંડળે વર્ષોથી અવગણના થતી હોવાની લાગણી વ્યક્ત કરી આ વખતે મહામંત્રી પદ મળવાની અપેક્ષા રાખી હતી. પરંતુ સંગઠનમાં જલાલપોરના કોઈ આગેવાનને મહામંત્રી પદ ન મળતાં સ્થાનિક કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે.
અસંતોષના પગલે રાજીનામા આપ્યા
આ અસંતોષના પગલે નવનિયુક્ત જિલ્લા ઉપપ્રમુખ અશોક પટેલ, જિલ્લા મંત્રી ચેતના પટેલ, બક્ષીપંચ મોરચાના મહામંત્રી વિજય પટેલ અને કિસાન મોરચાના મહામંત્રી પ્રકાશ પટેલે પોતાના પદ પરથી રાજીનામા આપ્યા છે. ચારેય આગેવાનો જિલ્લા ભાજપ કાર્યાલય પહોંચ્યા ત્યારે ત્યાં કોઈ પદાધિકારી હાજર ન હોવાથી તેમણે જિલ્લા પ્રમુખ ભુરાલાલ શાહ સાથે ફોન પર વાત કરી પોતાની વ્યથા વ્યક્ત કરી હતી.
જિલ્લા પ્રમુખે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે પોતાના રાજીનામા સ્વીકારવા માટે પ્રતિનિધિ મોકલવાની માંગ કરી હતી. કોઈ આવનાર ન હોવાથી અંતે તેમણે જિલ્લા પ્રમુખના ટેબલ પર રાજીનામા મૂકી દીધા હતા.

લાંબા સમયથી થતા અન્યાયને પક્ષ છોડ્યો
આ સમગ્ર ઘટનામાં ચારેય આગેવાનોએ ભાજપના વફાદાર કાર્યકર તરીકે જોડાયેલા રહેવાની વાત કરી છે, પરંતુ જલાલપોર તાલુકાને લાંબા સમયથી થતા અન્યાય સામે વિરોધરૂપે આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે જિલ્લા ભાજપ અને જલાલપોર મંડળ વચ્ચે લાંબા સમયથી મતભેદ ચાલી રહ્યા છે, જે સંગઠનની જાહેરાત સાથે ખુલ્લા પડ્યા છે. આવનારી મહાનગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં લેતા આ આંતરિક વિવાદ પક્ષ માટે મુશ્કેલી ઉભી કરી શકે તેવી ચર્ચા છે.
આ પણ વાંચો:તડકેશ્વરમાં રામ ધૂન ગાઈને ભાજપના ભ્રષ્ટાચારનો વિરોધ કર્યો: અમિત ચાવડા
આ પણ વાંચો:રાજકોટ ભાજપમાં કોર્પોરેટરની અશ્લીલ ચેટ વાઇરલ થતા મચ્યો ખળભળાટ
આ પણ વાંચો:વડોદરા કોંગ્રેસનો મોટો આરોપ, ભાજપે 47 હજાર મતદારોના નામ કાઢવાનું ષડયંત્ર રચ્યું
