Ahmedabad Rain News: અમદાવાદમાં વહેલી સવારથી મેઘરાજાએ (Ahmedabad Heavy Rain) ધમાકેદાર બેટિંગ શરૂ કરતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સવારે 7થી 9 વાગ્યા દરમિયાન અમદાવાદમાં સરેરાશ બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હોવાનું સામે આવ્યું છે. ભારે વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો, નીચાણવાળા વિસ્તારો અને કેટલાક અંડરપાસમાં પાણી ભરાતા વાહનવ્યવહારને પણ અસર થઈ છે.
અમદાવાદમાં વરસાદની તીવ્રતા વધતા અનેક મુખ્ય માર્ગો પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. સવાર 7 થી 12 વાગ્યા સુધીમાં શહેરના વિવિધ વિસ્તારોમાં બે થી સાડા પાંચ ઇંચ સુધી વરસાદ નોંધાતા વાહનવ્યવહારને ભારે અસર થઈ છે. અનેક સ્થળોએ વાહનો પાણીમાં ફસાયા છે, જેના કારણે લાંબા ટ્રાફિક જામ સર્જાયા છે. ખાસ કરીને નોકરી-ધંધા માટે નીકળેલા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ભારે વરસાદ બાદ અમદાવાદમાં પાણીના નિકાલની વ્યવસ્થા સામે ફરી સવાલો ઊભા થયા છે. શહેરમાં સરેરાશ થોડા કલાકોમાં જ નોંધપાત્ર વરસાદ પડતાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી કેટલી અસરકારક રહી તે મુદ્દે ચર્ચા શરૂ થઈ છે. હાલ વરસાદ યથાવત રહે તો નીચાણવાળા વિસ્તારોમાં વધુ પાણી ભરાવાની શક્યતા વચ્ચે તંત્ર દ્વારા ઝડપી પાણીના નિકાલ અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવી પડકારરૂપ બની શકે છે.
અમદાવાદમાં સવારે 7થી 9 વાગ્યા દરમિયાન સરેરાશ બે ઈંચ વરસાદ નોંધાયો છે. સરખેજ અને નવરંગપુરામાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે બાકરોલ, સરખેજ-જુહાપુરા રોડ, કાલુપુર અને પ્રેમ દરવાજા વિસ્તારમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગોતા, ઓગણજ, રાણીપ, ઉસ્માનપુરા, ન્યુ રાણીપ, પાલડી, જમાલપુર, દુધેશ્વર, માધુપુરા, દિલ્હી દરવાજા, શાહીબાગ અને અસારવા સહિતના વિસ્તારોમાં અઢી ઈંચ સુધી વરસાદ પડ્યો છે. ચાંદખેડા, સાબરમતી, મોટેરા, સાયન્સ સિટી, બોપલ, ઘુમા, થલતેજ, મેમનગર, એરપોર્ટ, વટવા, ઇસનપુર, ઓઢવ, વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં પણ આશરે બે ઈંચ વરસાદ નોંધાતા શહેરમાં અનેક સ્થળોએ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.
ભારે વરસાદને પગલે અમદાવાદમાં વાહનવ્યવહારને પણ અસર થઈ છે. પાણી ભરાયેલા રસ્તાઓ પર અનેક વાહનો બંધ પડી જતાં ઠેર-ઠેર ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી રહી છે. દરમિયાન શહેરની તમામ શાળાઓને જરૂર જણાય તો સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે રજા જાહેર કરવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય તો વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવા DEO દ્વારા જણાવાયું છે. બીજી તરફ, માત્ર બે ઈંચ જેટલા વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અને પ્રિ-મોન્સૂન કામગીરી અંગે પણ સવાલો ઊભા થયા છે. દર વર્ષે ગટર અને વરસાદી પાણીની લાઈનોની સફાઈ પાછળ ખર્ચ કરવામાં આવતો હોવા છતાં વરસાદ શરૂ થતાં જ નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
Ahmedabad Heavy Rain: સરખેજ અને નવરંગપુરામાં સૌથી વધુ વરસાદ
સવારે પડેલા વરસાદમાં સરખેજ અને નવરંગપુરા વિસ્તારમાં સૌથી વધુ ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. બાકરોલ, સરખેજ-જુહાપુરા રોડ, કાલુપુર અને પ્રેમ દરવાજા વિસ્તારમાં સાડા ત્રણ ઈંચની આસપાસ વરસાદ પડ્યો છે.ગોતા, ઓગણજ, રાણીપ, ઉસ્માનપુરા, ન્યુ રાણીપ, પાલડી, જમાલપુર, દુધેશ્વર, માધુપુરા, દિલ્હી દરવાજા, શાહીબાગ અને અસારવા સહિતના વિસ્તારોમાં અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
ચાંદખેડા, સાબરમતી, મોટેરા, સાયન્સ સિટી, બોપલ, ઘુમા, થલતેજ, મેમનગર, સરદારનગર, એરપોર્ટ, લાંભા, વટવા, ઇસનપુર, જશોદાનગર, ગોમતીપુર, રખિયાલ, વિરાટનગર, ઓઢવ, મનમોહન પાર્ક, એસપી રિંગ રોડ અને વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં આશરે બે ઈંચ વરસાદ નોંધાયો છે.
વેજલપુરમાં ઘૂંટણસમા પાણી, વાહનો બંધ
વરસાદની સીધી અસર શહેરના વેજલપુર વિસ્તારમાં જોવા મળી છે. રસ્તાઓ પર પાણી ભરાતા અનેક વાહનો પાણીમાં ફસાયા હતા અને કેટલાક વાહનો બંધ પડી ગયા હતા. સામાન્ય ગણાતા વરસાદમાં પણ રસ્તા પર પાણી ભરાઈ જતાં સ્થાનિકોની મુશ્કેલી વધી છે.પેલેડિયમ મોલથી થલતેજ મેટ્રો સ્ટેશન તરફ જતા માર્ગ પર પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. અહીં અનેક બાઈક અને રિક્ષા પાણીમાં ફસાઈ હોવાના દૃશ્યો સામે આવ્યા છે.
નરોડામાં પણ પાણી ભરાયા, બ્રિજના કામ વચ્ચે મુશ્કેલી
નરોડાના ગેલેક્સી ચાર રસ્તા પાસે વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ બ્રિજનું કામ ચાલી રહ્યું છે અને બીજી તરફ રસ્તા પર પાણી તથા ખાડાઓ હોવાથી વાહનચાલકો માટે રસ્તો પાર કરવો મુશ્કેલ બન્યો છે.
ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ
સવારના સમયે વરસાદ પડતાં નોકરી-ધંધા માટે નીકળેલા નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. અનેક માર્ગો પર પાણી ભરાતા વાહનોની ગતિ ધીમી પડી છે અને કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે.પાણીમાં વાહનો બંધ પડી જવાના કારણે રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. વરસાદના કારણે સામાન્ય જનજીવન ખોરવાયું છે.
AMTS સેવા પર પણ અસર
ભારે વરસાદ અને પાણી ભરાવાની અસર અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે AMTS પર પણ પડી છે. પાણી ભરાયેલા માર્ગો પરથી પસાર થવામાં મુશ્કેલીને કારણે કેટલીક બસો બંધ પડી છે, જ્યારે કેટલાક રૂટ પર બસોને વૈકલ્પિક માર્ગે દોડાવવામાં આવી રહી છે.બસ ડાયવર્ઝન કરવામાં આવેલા વિસ્તારોમાં અખબારનગર, માદલપુર ગરનાળું, શાહીબાગ, ચંદ્રનગર-વાસણા, ગુરુકુળ, ગોતા, આનંદનગર, વિશાલા સર્કલ અને વેજલપુરનો સમાવેશ થાય છે.
BRTSના પાંચ રૂટ બંધ
પાણી ભરાવાની સ્થિતિને કારણે BRTS સેવાને પણ અસર થઈ છે. પાંચ રૂટ પર બસ સેવા બંધ કરવામાં આવી છે, જ્યારે છ જેટલા રૂટ ટૂંકાવવામાં આવ્યા છે. હાલ મર્યાદિત રૂટ પર જ BRTS સેવા ચાલુ હોવાનું જણાવાયું છે.
બંધ કરવામાં આવેલા રૂટમાં:
RTOથી મણિનગર
એસપી રિંગ રોડથી એલડી એન્જિનિયરિંગ કોલેજ
રબારી કોલોનીથી RTO
સાણંદ સર્કલથી સારંગપુર
RTO સર્ક્યુલર રૂટ નો સમાવેશ થાય છે.
સ્કૂલો માટે DEOની સૂચના
ભારે વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરની તમામ શાળાઓને પણ સૂચના આપવામાં આવી છે. જરૂર જણાય તો શાળા સંચાલકો પોતાની વિવેકબુદ્ધિથી રજા જાહેર કરી શકે છે.ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય અથવા વિદ્યાર્થીઓની અવરજવર જોખમી બને તેવી સ્થિતિ હોય તો વિદ્યાર્થીઓની સલામતીને પ્રથમ પ્રાધાન્ય આપવા સૂચના આપવામાં આવી છે. અર્થાત્ શહેરમાં તમામ શાળાઓ માટે એકસાથે રજા જાહેર કરવામાં આવી નથી, પરંતુ સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવા શાળા સંચાલકોને જણાવાયું છે.
બે ઈંચ વરસાદમાં જ પાણી ભરાતા તંત્ર સામે સવાલ
અમદાવાદમાં વરસાદી પાણીના નિકાલ માટે દર વર્ષે પ્રિ-મોન્સૂન કામગીરી, ગટર સફાઈ અને વરસાદી પાણીની લાઈનોની સફાઈ પાછળ મોટી રકમ ખર્ચવામાં આવે છે. તેમ છતાં વરસાદ પડતાં જ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સામે ફરી સવાલો ઊભા થયા છે.શહેરમાં સરેરાશ બે ઈંચ વરસાદ પડતાં જ અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જવું, વાહનો બંધ પડી જવા અને જાહેર પરિવહનને અસર થવી એ અમદાવાદની ચોમાસાની જૂની સમસ્યાને ફરી સામે લાવે છે. હવે જો વરસાદની તીવ્રતા વધે તો નીચાણવાળા વિસ્તારોમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
અડધા ગુજરાતમાં હજુ વરસાદની ઘટ
બીજી તરફ રાજ્યના સમગ્ર ચોમાસાની સ્થિતિ પર નજર કરીએ તો ગુજરાતમાં સિઝનનો આશરે 85 ટકા સરેરાશ વરસાદ થઈ ચૂક્યો છે. તેમ છતાં રાજ્યમાં હજુ પણ વરસાદની ઘટ જોવા મળી રહી છે.રાજ્યના 17 જિલ્લાઓમાં આશરે 12 ટકાથી લઈને 78 ટકા સુધી વરસાદની ઘટ નોંધાઈ હોવાનું જણાવાયું છે. ભાદરવા મહિનાની શરૂઆતમાં પડેલા વરસાદથી ખેતીને હાલ પૂરતો ફાયદો થયો છે. જોકે આગામી દિવસોમાં વરસાદનું પ્રમાણ ઓછું રહે તો ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણી અંગે ચિંતા ઊભી થઈ શકે છે.
મહેસાણામાં પણ સવારથી વરસાદ
અમદાવાદ ઉપરાંત મહેસાણા જિલ્લામાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. મહેસાણા શહેર અને ખેરાલુ વિસ્તારમાં આશરે દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો.વિજાપુર અને જોટાણામાં એક-એક ઈંચ જેટલો વરસાદ થયો હતો, જ્યારે વડનગર અને વિસનગર વિસ્તારમાં પણ સારો વરસાદ નોંધાયો હતો. જિલ્લાના તમામ 10 તાલુકાઓમાં સવારના સમયે વરસાદ પડતાં ખેડૂતોમાં રાહતની લાગણી જોવા મળી હતી.
હવે નજર આગામી વરસાદ પર
અમદાવાદમાં થોડા જ સમયમાં પડેલા ભારે વરસાદે શહેરની વરસાદી વ્યવસ્થાની ફરી એકવાર કસોટી કરી છે. પાણી ભરાયેલા રસ્તાઓ, બંધ પડેલા વાહનો, ટ્રાફિક જામ અને જાહેર પરિવહનમાં થયેલા ફેરફાર વચ્ચે હવે સૌથી મોટો સવાલ એ છે કે આગામી કલાકોમાં વરસાદનું પ્રમાણ વધે તો શહેરની સ્થિતિ કેવી રહેશે.હાલ તંત્ર માટે સૌથી મોટો પડકાર પાણીનો ઝડપથી નિકાલ કરવાનો અને વાહનવ્યવહાર તથા વિદ્યાર્થીઓ સહિત સામાન્ય નાગરિકોની સુરક્ષા જાળવવાનો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું : 5 જિલ્લામાં યલો એલર્ટ,દ્વારકામાં ધોધમાર વરસાદ
આ પણ વાંચો: ગુજરાતમાં ફરી વરસાદનો રાઉન્ડ, 17 સપ્ટેમ્બરથી 7 દિવસની આગાહી; 16% વરસાદની ઘટ યથાવત
આ પણ વાંચો: દ્વારકામાં સામાન્ય વરસાદે ખોલી તંત્રની પોલ, ઇસ્કોન ગેટ સહિત મુખ્ય માર્ગો પર ખાડાઓનું સામ્રાજ્ય
