Ahmedabad News : ગુજરાતમાં ફરી વરસાદી માહોલ (Gujarat Rain)જામ્યો છે. બે અલગ-અલગ હવામાન સિસ્ટમની અસર વચ્ચે આજે સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓ માટે યલો એલર્ટ (Yellow Alert) જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આ વિસ્તારોમાં ભારે વરસાદ (Heavy Rain)ની શક્યતા વ્યક્ત કરી છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકામાં સવારથી વરસાદનું જોર (Dwarka Rain)જોવા મળ્યું હતું.
દ્વારકામાં સવારથી ધોધમાર વરસાદ
રાજ્યમાં અત્યાર સુધી સૌથી ઓછો વરસાદ નોંધાયેલા વિસ્તારોમાં સામેલ દ્વારકામાં આજે સવારથી જ વરસાદ વરસ્યો હતો. દ્વારકા (Dwarka Rain)ના રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું. કાળિયા ઠાકોરના દર્શન માટે આવેલા ભક્તો પણ વરસાદમાં ભીંજાયા હતા. મંદિરની 56 સીડી પરથી વરસાદી પાણી ખડખડ વહેતું જોવા મળ્યું હતું.
આજે બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 49 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. દેવભૂમિ દ્વારકાના ઓખા મંડળ તાલુકામાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ નોંધાયો હતો.
Gujarat Rain : 5 જિલ્લામાં યલો એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આજે સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે.
ગુજરાતના દરિયાકાંઠે પવનની ઝડપ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની શક્યતા છે. જેના કારણે દરિયાઈ વિસ્તારોમાં પણ સાવચેતી જરૂરી બની છે.
બે સિસ્ટમની અસરથી વરસાદ
હાલ સૌરાષ્ટ્ર અને તેને અડીને આવેલા ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં લો પ્રેશર એરિયા સક્રિય છે. બીજી તરફ મોનસૂન ટ્રફ લો પ્રેશર થઈને બીકાનેર તરફથી પસાર થઈ રહ્યો છે. પવનની દિશા દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ તરફ રહેવાની શક્યતા છે. આ બંને સિસ્ટમની અસરથી સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે.
ગુજરાતમાં વરસાદની 9% ઘટ
1 જૂનથી 17 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં કુલ 612 મિલીમીટર વરસાદ નોંધાયો છે. સામાન્ય રીતે આ સમયગાળામાં 670 મિલીમીટર વરસાદ થવો જોઈએ. એટલે રાજ્યમાં સામાન્ય કરતાં 9 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.
ગુજરાત રીજનમાં અત્યાર સુધી 898.7 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 3 ટકા વધુ છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં 385.9 મિલીમીટર વરસાદ થયો છે, જે સામાન્ય 505.5 મિલીમીટરની સરખામણીએ 24 ટકા ઓછો છે.
ડેમોમાં પાણીનો સંગ્રહ
સરદાર સરોવર ડેમમાં હાલમાં 3,20,544 MCFT પાણીનો સંગ્રહ છે, જે તેની કુલ ક્ષમતાના 95.95 ટકા જેટલો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં કુલ ક્ષમતાના 69.37 ટકા પાણી ઉપલબ્ધ છે.
આ પૈકી 26 ડેમ સંપૂર્ણ ભરાયેલા છે. 37 ડેમ 70થી 100 ટકા, 28 ડેમ 50થી 70 ટકા, 41 ડેમ 25થી 50 ટકા અને 74 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે. રાજ્યના 40 ડેમને હાઈ એલર્ટ, 13ને એલર્ટ અને 10ને વોર્નિંગ હેઠળ રાખવામાં આવ્યા છે.
ચોમાસાની વિદાયના સંકેત
હવામાન વિભાગના અનુમાન મુજબ 19 સપ્ટેમ્બરની આસપાસ પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસા (Monsoon)ની વિદાય માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. જોકે હાલ સૌરાષ્ટ્ર નજીકનું લો પ્રેશર સક્રિય હોવાથી ગુજરાતમાં વરસાદની શક્યતા યથાવત છે.
આ ઉપરાંત ઉત્તર થાઈલેન્ડ પરનું અપર-એર સાયક્લોનિક સર્ક્યુલેશન 18 સપ્ટેમ્બરે ઉત્તર અંદમાન સમુદ્ર તરફ આગળ વધવાની શક્યતા છે. તેના પ્રભાવથી 19 સપ્ટેમ્બરની સાંજે ત્યાં નવું લો પ્રેશર સર્જાઈ શકે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં મેઘમહેર યથાવત, 110 તાલુકામાં વરસાદ; માંડવીમાં 7 ઇંચ ખાબક્યો
આ પણ વાંચો:દ્વારકામાં સામાન્ય વરસાદે ખોલી તંત્રની પોલ, ઇસ્કોન ગેટ સહિત મુખ્ય માર્ગો પર ખાડાઓનું સામ્રાજ્ય
આ પણ વાંચો: ગુજરાતમાં મેઘતાંડવઃ 193 તાલુકામાં વરસાદ, દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ
