Gujarat News/ ગુજરાતમાં તમાકુનું વધતું વ્યસન ચિંતાજનક, 19.2 ટકા લોકો તમાકુનું વપરાશ કરે છે

કેન્દ્ર સરકારના રિપોર્ટ મુજબ ગુજરાતમાં 19.2 ટકા લોકો Tobaccoના બંધાણી છે અને ઓરલ કેન્સરનું જોખમ ચિંતાજનક રીતે વધી ગયું છે. વિગતવાર સમાચાર જાણો.

Top Stories Gandhinagar Gujarat Others
Tobacco

Tobacco Use Alarms Gujarat Oral Cancer: આર્થિક વિકાસમાં આગળ રહેલા ગુજરાતમાં સ્વાસ્થ્યને લઈને ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. ભારત સરકારના તાજેતરના અહેવાલમાં રાજ્યમાં તમાકુના વપરાશને લઈને મહત્વના આંકડા રજૂ કરવામાં આવ્યા છે. અહેવાલ મુજબ ગુજરાતમાં 15 વર્ષથી વધુ ઉંમરના 19.2 ટકા લોકો તમાકુનો(Tobacco) ઉપયોગ કરે છે. આ આંકડો કેટલાક અન્ય રાજ્યોની સરખામણીએ વધુ હોવાનું સામે આવ્યું છે. તમાકુના વધતા વપરાશને કારણે મોઢાના કેન્સર સહિતની ગંભીર બીમારીઓનું જોખમ પણ વધી રહ્યું છે.

45થી 65 વર્ષની વયજૂથમાં વધુ વપરાશ

અહેવાલના આંકડા પ્રમાણે ગુજરાતમાં તમાકુના(Tobacco) ઉપયોગની અસર અલગ-અલગ વયજૂથમાં જોવા મળી રહી છે. ખાસ કરીને 45થી 65 વર્ષની વયના લોકોમાં તમાકુનું સેવન વધુ જોવા મળે છે. આ વયજૂથમાં વ્યસનના કારણે ગંભીર બીમારીઓનું જોખમ ઊભું થાય તો તેની અસર વ્યક્તિની સાથે સમગ્ર પરિવાર પર પણ પડી શકે છે.

Tobacco

બીડી-સિગારેટનો વપરાશ પણ ચિંતાજનક

ગુજરાતમાં માત્ર તમાકુના(Tobacco) અન્ય સ્વરૂપો જ નહીં, પરંતુ બીડી અને સિગારેટના વપરાશને લઈને પણ ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. અહેવાલ મુજબ રાજ્યમાં બીડી-સિગારેટનો ઉપયોગ કરનારા લોકોનું પ્રમાણ 25.1 ટકા હોવાનું જણાવાયું છે. બીજી તરફ ગુટખા અને મિશ્રિત તમાકુનું સેવન પણ ગુજરાતમાં મોટા પ્રમાણમાં થતું હોવાનું સામે આવ્યું છે. તેની સરખામણીએ સિગાર અને છીંકણીનો ઉપયોગ ઓછો જોવા મળે છે. ચાવવાના તમાકુના ઉત્પાદનો સીધા મોંના સંપર્કમાં આવતા હોવાથી તેના લાંબા સમયના ઉપયોગથી મોઢા અને મોઢાના અંદરના ભાગમાં ગંભીર બીમારીઓનું જોખમ વધી શકે છે. ખાસ કરીને ગુટખા જેવા ઉત્પાદનોનો સતત ઉપયોગ મોઢાના કેન્સર માટે જાણીતા જોખમકારક પરિબળોમાં સામેલ છે.

મોઢાના કેન્સરને લઈને ચિંતા

ગુજરાતમાં તમાકુ (Tobacco) અને ગુટખાના વધતા ઉપયોગ વચ્ચે ઓરલ કેન્સર એટલે કે મોઢાના કેન્સરને લઈને પણ ચિંતા વધી રહી છે. તમાકુનું સેવન આ પ્રકારના કેન્સર માટે મહત્વનું જોખમકારક પરિબળ છે. મોઢામાં લાંબા સમય સુધી રહેતા ચાંદા, સફેદ કે લાલ ચકામા, ગાંઠ, સતત દુખાવો અથવા ગળવામાં મુશ્કેલી જેવા લક્ષણોને અવગણવા ન જોઈએ. તમાકુનું વ્યસન ઘટાડવા માટે સતત જાગૃતિ, સમયસર તપાસ અને વ્યસન છોડવા માટેની સારવાર જરૂરી છે. ખાસ કરીને યુવાનોમાં તમાકુના વપરાશને રોકવા માટે પરિવાર, શાળા-કોલેજ અને સમાજ સ્તરે જાગૃતિ વધારવી મહત્વપૂર્ણ બની શકે છે.


આ પણ વાંચો: શું તમે પણ સિગરેટ પીવો છો? નવી સ્ટડીનો દાવો- તમાકુ મગજને સમય પહેલા વૃદ્ધ બનાવી દે છે

આ પણ વાંચો: 1 ઓગસ્ટ વિશ્વ લંગ કેન્સર દિવસ: તમાકુ છોડો, ફેફસાં બચાવો

આ પણ વાંચો: ભારતમાં તમાકુ કેવી રીતે આવ્યું? કોલંબસથી મુઘલ દરબાર સુધીની રસપ્રદ કહાની