Amreli News/ લાઠીમાં યુરિયા ખાતર માટે ખેડૂતોની રઝળપાટ, વહેલી સવારથી લાગી લાંબી લાઈનો

Amreli જિલ્લાના લાઠીમાં યુરિયા ખાતર મેળવવા ખેડૂતોની વહેલી સવારથી લાઈનો લાગી. કલાકોની પ્રતીક્ષા બાદ માત્ર 2 થેલી ખાતર મળતા ખેડૂતોમાં રોષ. ખેતીની સીઝનમાં ખાતરની અછતથી હાલાકી.

Top Stories Gujarat Others
Amreli Lathi Urea Fertilizer Shortage

Amreli Lathi Urea Fertilizer Shortage: રાજ્યમાં એકતરફ ખેતીની સીઝન જામી છે, ત્યારે અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં ખેડૂતોને યુરિયા ખાતર મેળવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લાઠીમાં વહેલી સવારથી જ ખાતરની ખરીદી કરવા માટે ખેડૂત સંઘની બહાર ખેડૂતોની લાંબી કતારો જોવા મળી હતી. જોકે, કલાકોની પ્રતીક્ષા બાદ માત્ર બે જ થેલી ખાતર મળતા ખેડૂતોમાં ભારે રોષ અને નારાજગી વ્યાપી છે.

Amreli : સવારે 5 વાગ્યાથી ખેડૂતોના ધામા

સીઝન ટાણે જ ખાતરની અછત સર્જાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. લાઠી અને આસપાસના ગામડાઓમાંથી ખેડૂતો વહેલી સવારે 5 વાગ્યાથી જ ખેડૂત સંઘની ઓફિસ બહાર લાઈનો લગાવીને ઉભા રહી ગયા હતા. ખેડૂતોનું કહેવું છે કે હાલમાં વાવેતર અને પાક માટે ખાતરની અત્યંત જરૂરિયાત છે, પરંતુ પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ ન હોવાથી અમારે કામધંધા છોડીને લાઈનોમાં ઉભા રહેવું પડે છે.

આગઝરતી ગરમી અને અપૂરતું ખાતર

એકતરફ આકાશમાંથી આગ ઝરતી ગરમી પડી રહી છે, ત્યારે બીજી તરફ કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ ખેડૂતોને જોઈએ એટલું ખાતર મળી રહ્યું નથી. દૂર-દૂરના ગામડાઓથી ભાડું ખર્ચીને આવેલા ખેડૂતોને જ્યારે ખબર પડી કે માત્ર બે જ થેલી ખાતર મળશે, ત્યારે તેમનો પારો સાતમા આસમાને પહોંચ્યો હતો. ગરમીમાં પરેશાન થયેલા ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે માત્ર બે થેલીથી ખેતીનું કામ કેવી રીતે પૂરું થાય?

પૂરતું વિતરણ કરવાની માંગ

ખેડૂત સંઘ અને તંત્ર દ્વારા ખાતરનું યોગ્ય અને પૂરતું વિતરણ કરવામાં આવે તેવી પ્રબળ માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. જો આગામી દિવસોમાં ખાતરનો જથ્થો વધારવામાં નહીં આવે, તો ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ પણ ખેડૂતો સેવી રહ્યા છે. હાલ તો લાઠીમાં ખાતરની લાઈનો ચર્ચાનો વિષય બની છે.


આ પણ વાંચો: યુરિયા સાથે અન્ય ખાતર આપવાના મામલામાં ખરીદ વેચાણ સંઘનું લાઇસન્સ રદ્દ કરાયું

આ પણ વાંચો: અમરેલીના કોલેજના નિયામકે વિદ્યાર્થીનીઓની છેડતી કરતાં જેનીબેન ઠુમ્મર લાલઘૂમ

આ પણ વાંચો: અમરેલી-ધારી બ્રોડગેજ રેલવે લાઇન માટે ₹178 કરોડની મંજૂરી!