Ajit Doval RRU Convocation: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ના દીક્ષાંત સમારોહમાં દેશની સુરક્ષા અને યુદ્ધ કૌશલ્ય પર મહત્વનું નિવેદન આપ્યું છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે અજીત ડોભાલને ‘માનદ ડોક્ટરેટ’ની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે છાત્રોને સંબોધતા સ્પષ્ટ કર્યું કે યુદ્ધમાં માત્ર ટેકનોલોજી કે હથિયારો જ નહીં, પરંતુ રાષ્ટ્રનું મનોબળ સૌથી મહત્વનું પાસું છે.
દુશ્મનનું મનોબળ તોડવું એ જ યુદ્ધનો અંતિમ ઉદ્દેશ્ય
અજીત ડોભાલે (Ajit Doval) જણાવ્યું કે દુનિયાના તમામ યુદ્ધોનો એક જ હેતુ હોય છે – વિરોધીનું મનોબળ તોડવું અને તેમને આપણી શરતો પર સંધિ સ્વીકારવા મજબૂર કરવા. તેમણે કહ્યું કે લશ્કરી તાકાતનું મૂલ્યાંકન કરતી વખતે ઘણીવાર રાષ્ટ્રના મનોબળ અને લોકોની શક્તિને માપવામાં ભૂલ થતી હોય છે. જો મનોબળ મજબૂત હોય તો ગમે તેટલી મોટી સૈન્ય તાકાતને પણ હરાવી શકાય છે.
અમેરિકા અને રશિયાના ઉદાહરણથી સમજાવ્યું ‘સિક્રેટ‘
પોતાના વક્તવ્યમાં તેમણે અમેરિકા અને રશિયાના કિસ્સા ટાંક્યા હતા. તેમણે કહ્યું કે જો રશિયાને અફઘાનિસ્તાન છોડવું પડ્યું હોય કે અમેરિકાને વિયેતનામ અને અફઘાનિસ્તાનમાં નિષ્ફળતા મળી હોય, તો તેનું કારણ ટેકનોલોજી કે સાધનોની કમી નહોતી. તેમની પાસે વિરોધી કરતા અનેકગણી સૈન્ય શક્તિ હતી, પરંતુ ત્યાંના લોકોમાં પોતાના રાષ્ટ્ર પ્રત્યેનો જે લગાવ અને મનોબળ હતું, તેના આંકલનમાં ભૂલ થઈ હતી.
રાષ્ટ્રીય સુરક્ષા એ સમગ્ર દેશની જવાબદારી
NSA ડોભાલે (Ajit Doval) ભારપૂર્વક કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા એ માત્ર સૈનિકો, પોલીસ કે ઇન્ટેલિજન્સ એજન્સીઓનું કામ નથી, પરંતુ તે દેશના દરેક નાગરિકની જવાબદારી છે. તેમણે ઉમેર્યું કે ઇતિહાસમાં લાંબા સમય પછી ભારતમાં એક નવી જાગૃતિ આવી છે. લોકોના સામૂહિક પ્રયાસો અને એકતા જ રાષ્ટ્રના મનોબળનું નિર્માણ કરે છે.
Ajit Dovalનું સન્માન
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ અજીત ડોભાલને (Ajit Doval) તેમની દૂરંદેશી વ્યૂહરચના અને ભારતની રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરવા માટેના અતુલ્ય યોગદાન બદલ ‘માનદ ડોક્ટરેટ’ (Honoris Causa) થી નવાજ્યા હતા. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદ મનપાની ચૂંટણી માટે ભાજપે રજૂ કર્યું સંકલ્પ પત્ર
આ પણ વાંચો: કોંગ્રેસ ઉમેદવાર પર ગંભીર આક્ષેપો, દાઉદ ઇબ્રાહિમ સાથે સંબંધનો દાવો
આ પણ વાંચો: અમદાવાદમાં કોંગ્રેસને ઝાટકોઃ વધુ બે ઉમેદવારોએ ફોર્મ પરત લીધા

