Gandhinagar News/ દહેગામના કડજોદરામાં સામાન્ય ઠપકા બાબતે બે જૂથ વચ્ચે લોહિયાળ જંગ, એકનું મોત

ગાંધીનગરના Dehgamના કડજોદરા ગામમાં બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં એડવોકેટ ચંપુસિંહ ઝાલાનું મોત નીપજ્યું છે. ૧૧ શખ્સો સામે ફરિયાદ નોંધાતા રખિયાલ પોલીસે તપાસ શરૂ કરી છે.

Top Stories Gandhinagar Gujarat
Dehgam Kadjodara Murder Case

Dehgam Kadjodara Murder Case: ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કડજોદરા ગામમાં મોડી રાત્રે જૂની અદાવત અને કૌટુંબિક ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. માત્ર સામાન્ય બોલાચાલીના મામલે થયેલા ઠપકાએ એવી લોહિયાળ હોળી ખેલી કે જેમાં એક વડીલ વકીલે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ હિંસક અથડામણમાં અન્ય બે લોકો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેને પગલે સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે.

Dehgam : ઠપકો આપવા જતા લાકડીઓ ઉછળી

ઘટનાની વિગત મુજબ, કડજોદરા ગામના ફરિયાદી જયેન્દ્રસિંહ ઝાલાના ભત્રીજીના ઘરે ગામના કેટલાક શખ્સો આવી ગયા હતા. આ બાબતે ઠપકો આપવા ગયેલા પરિવારજનો પર સામે પક્ષના 10 થી 12 જેટલા શખ્સોએ એકાએક હુમલો કરી દીધો હતો. રાત્રિના સમયે જ્યારે પરિવાર જમીને બેઠો હતો, ત્યારે આરોપીઓએ લાકડીઓ અને ગડદાપાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું.

વડીલ એડવોકેટનું કરૂણ મોત

આ હુમલામાં જયેન્દ્રસિંહ ઝાલા અને સુરપાલસિંહને માથાના ભાગે લાકડીના ફટકા વાગતા તેઓ ઇજાગ્રસ્ત  થયા હતા. આ ઝપાઝપી દરમિયાન વ્યવસાયે એડવોકેટ એવા ઘરના વડીલ ચંપુસિંહ ઝાલાને પણ ગંભીર માર મારવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક દહેગામની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે ચંપુસિંહ ઝાલાને મૃત જાહેર કર્યા હતા. ડોક્ટરોના પ્રાથમિક અનુમાન મુજબ, મારામારી દરમિયાન થયેલી ગભરામણ અથવા શારીરિક ઈજાને કારણે હાર્ટ એટેક આવવાથી તેમનું મોત થયું હોઈ શકે છે.

વકીલ મંડળમાં આક્રોશ, 11 સામે ગુનો નોંધાયો

વડીલ વકીલના મોતને પગલે દહેગામ બાર એસોસિએશનના સભ્યોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં વકીલોએ પોલીસ સ્ટેશન પહોંચીને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી હતી. રખિયાલ પોલીસે આ મામલે 11 જેટલા શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધી છે. પોલીસે હત્યા અને રાયોટિંગ જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ગામમાં પોલીસ બંદોબસ્ત તૈનાત

હત્યાની આ ઘટના બાદ કડજોદરા ગામમાં તંગદિલીભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ પોલીસ મૃતદેહના પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે અને ફરાર આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને દરોડા પાડી રહી છે


આ પણ વાંચો : દહેગામ પશુપાલકોના આંદોલનનો અંત, જીતુ વાઘાણીની મધ્યસ્થીથી સમાધાન,15,000 પશુપાલકોને રાહત

આ પણ વાંચો : દૂધ વિવાદ વકર્યો! પશુપાલકોના સમર્થનમાં દહેગામ સજ્જડ બંધ, મધુર ડેરીમાં દૂધ ભરાવવા માંગ

આ પણ વાંચો : દહેગામના પશુપાલકો દૂધના ભાવને લઈને આંદોલનના મિજાજમાં, ગાંધીનગર છાવણીમાં ફેરવાયુ