Dharm & Bhakti: પિતૃપક્ષમાં આપણે આપણા પૂર્વજોના આત્માની શાંતિ માટે શ્રાદ્ધ-તર્પણ (Shraddh)કરીએ છીએ…જો કે, શ્રાદ્ધ કરવાનું મહત્વ ત્યારે જ છે જ્યારે એને ઉચિત તિથિએ કરવામાં આવે! આ સંજોગોમાં જાણીએ પિતૃ શ્રાદ્ધની સાચી તિથિની ઓળખ શી રીતે કરશો?
સનાતન ધર્મમાં પિતૃઓને દેવતુલ્ય માનવામાં આવેલા છે. આથી પ્રત્યેક હિન્દુ પરિવારમાં પિતૃની પૂજા કરવામાં આવે છે અને પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધ કરવામાં આવે છે. વર્ષ 2026માં 26 સપ્ટેમ્બરથી પિતૃપક્ષનો પ્રારંભ થશે અને 10 ઓક્ટોબરે સમાપ્ત થાય છે. જ્યોતિષ પંચાંગ અનુસાર પિતૃપક્ષ (Pitru Paksha) ભાદ્રપદ અર્થાત્ ભાદરવા મહિનાની પૂર્ણિમા તિથિથી શરુ થઈને અમાવસ્યા સુધી ચાલે છે. આ 16 દિવસમાં તિથિ અનુસાર પિતૃઓનું શ્રાદ્ધ (Shraddh) કરવામાં આવે છે. તો ચાલો જાણીએ કે કઇ તિથિએ કયા પિતૃનું શ્રાદ્ધ કરવું જોઇએ?
પિતૃનું શ્રાદ્ધ કરવાનું મહત્વ (Pitru Shraddh Importance)
હિન્દુ ધર્મમાં પિતૃપક્ષના 16 દિવસોનું વિશેષ મહત્વ છે. આ દિવસોમાં આપણે આપણા પૂર્વજો (Ancestors)ને યાદ કરીએ છીએ અને તેમની આત્માની શાંતિ માટે તર્પણ, શ્રાદ્ધ (Shraddh) અને દાન-પુણ્ય કરીએ છીએ. માન્યતા છે કે પિતૃપક્ષ દરમિયાન સાચા મનથી કરવામાં આવેલી પૂજા માત્ર વ્યક્તિને જ નહીં, પરંતુ તેના સમગ્ર પરિવારને લાભ આપે છે. પિતૃઓના આશીર્વાદ (Blessings)થી જ ઘરમાં સુખ-શાંતિ અને પરસ્પર પ્રેમ જળવાઈ રહે છે.
પિતૃપક્ષની (Pitru) પૂજા પરિવારના સભ્યોને એકસાથે લાવે છે. જ્યારે આખો પરિવાર મળીને પૂર્વજોનું સ્મરણ કરે છે, ત્યારે તેમની વચ્ચેની જૂની ગેરસમજણો અને મનદુઃખ દૂર થાય છે. આ પૂજા સભ્યોમાં પરસ્પર સમજણ અને પ્રેમનો વિકાસ કરે છે, જેનાથી તૂટતા સંબંધો ફરી જોડાઈ શકે છે.
પિતૃઓની પૂજા કરવાથી મનનો ભાવનાત્મક બોજ ઓછો થાય છે. તે આપણને ક્ષમા અને કરુણા શીખવે છે. ઘણીવાર પરિવારમાં થયેલા જૂના ઝઘડાઓ કે ભૂલોનો પશ્ચાતાપ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. પિતૃઓ સાથે ભાવનાત્મક રીતે જોડાવાથી મનને શાંતિ મળે છે અને સંબંધોમાં રહેલી કડવાશ ઓછી થાય છે.
જે ઘરમાં પિતૃઓનો આદર-સન્માન કરવામાં આવે છે, ત્યાં ક્યારેય નકારાત્મકતાનો વાસ થતો નથી. પિતૃપક્ષ દરમિયાન પૂર્વજોને તર્પણ આપવાથી ઘરના વાતાવરણમાં શુદ્ધિ આવે છે. પિતૃઓના આશીર્વાદ પરિવારના સભ્યો માટે સુરક્ષા કવચ સમાન હોય છે, જે તેમને આવતી મુશ્કેલીઓથી બચાવે છે.
પૂર્વજો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો આ એક ઉત્તમ અવસર છે. હિન્દુ માન્યતા મુજબ, પ્રસન્ન થયેલા પિતૃઓ (Pitru)કોઈને કોઈ માધ્યમથી તેમના વંશજોને સાચો રસ્તો બતાવે છે. જીવનના મુશ્કેલ નિર્ણયોમાં પૂર્વજોનું માર્ગદર્શન આશીર્વાદ સ્વરૂપે મળે છે.

કઇ તિથિએ કયા પિતૃનું કરશો શ્રાદ્ધ?
શ્રાદ્ધની તિથિ વ્યક્તિની મૃત્યુ તિથિ ઉપરથી નિર્ધારિત કરવામાં આવે છે. પૂર્વજની મૃત્યુ કોઈ પણ મહિનાની જે પણ તિથિએ થયું હોય એમનું શ્રાદ્ધ પિતૃપક્ષ દરમિયાન એ જ તિથિએ કરવાનું રહેશે. દાખલા તરીકે, કોઈ વ્યક્તિનું નિધન કોઈ પણ મહિનાના કોઈ પણ પક્ષની દ્વિતિયા તિથિએ થયું હોય તો એનું શ્રાદ્ધ કર્મ પિતૃપક્ષની દ્વિતિયા તિથિએ કરવામાં આવશે. વર્ષ 2026માં પિતૃપક્ષ દરમિયાન દ્વિતિયા તિથિ 28 સપ્ટેમ્બરે આવે છે.
આમ, તમે પોતાના પૂર્વજની પુણ્યતિથિ જાણીને એ દિવસે જે પણ તિથિ હતી એ અનુસાર એમનું શ્રાદ્ધ (Shraddh) પિતૃપક્ષ દરમિયાન કરી શકો છો. યાદ રાખો કે મૃત્યુની તારીખ પ્રમાણે નહિં એટલે કે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે નહિં પરંતુ, હિન્દુ કેલેન્ડર પ્રમાણે મૃત્યુના દિવસની તિથિ જોઈને પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધ કરવું જોઇએ.
વિશેષ સંજોગોમાં શ્રાદ્ધની તિથિ અલગ રહેશે
હિન્દુ ધાર્મિક માન્યતાઓ અનુસાર, જે માતા, બહેન, દીકરીનું મૃત્યુ પતિ જીવિત હોય ત્યારે એટલે કે સૌભાગ્યવતી હોય ત્યારે થયું હોય તો એમનું શ્રાદ્ધ પિતૃપક્ષની નવમી તિથિએ થશે. માતૃ પિતૃઓને પ્રસન્ન કરવા માટે આ અત્યંત શુભ દિવસ ગણાય છે.
આ ઉપરાંત, જેમનુ મૃત્યુ ક્યારે અને કઈ તિથિએ થયું એની ખબર ન હોય અથવા તો જેમનુ મૃત્યુ દુર્ઘટના, કુદરતી આફત વગેરે દ્વારા થયું હોય તો એમનું શ્રાદ્ધ કર્મ (Shraddh) પિતૃપક્ષની અમાવસ્યાના દિવસે કરવામાં આવે છે. આથી જ એને સર્વપિતૃ અમાવસ્યા કહે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, અમાવસ્યાનું શ્રાદ્ધ કરવાથી તમામ ભૂલાયેલા પિતૃઓ પણ પ્રસન્ન થાય છે અને જીવનમાં શુભ ફળોની પ્રાપ્તિ થાય છે.

જો તમારા પરિવારમાં કોઈએ સંન્યાસ લીધો હોય અને એમનુ હવે મૃત્યુ થઈ ચૂક્યુ હોય તો એમનુ શ્રાદ્ધ કર્મ (Shraddh) પિતૃપક્ષની એકાદશી અથવા દ્વાદશી તિથિએ કરવું યોગ્ય માનવામાં આવે છે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો:શ્રાદ્ધપક્ષમાં પિતૃદોષથી મુક્તિ મેળવવા કરો આ ઉપાયો, પૂર્વજોને તૃપ્ત કરો…
આ પણ વાંચો:શ્રાદ્ધના દિવસોમાં બનાવો આ સ્વાદિષ્ટ કેરેમલ ખીર…ફટાફટ બનશે આ રેસિપી!
આ પણ વાંચો:
