Anand News:આણંદમાં ગણેશ વિસર્જનના બંદોબસ્ત દરમિયાન મળેલી બાતમીના આધારે LCBએ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પરથી કન્ટેનર
ટ્રકમાંથી 8,592 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે.
Anandમાં LCBની કાર્યવાહી
આણંદમાં ગણેશ વિસર્જન (Ganesh Visarjan)ના બંદોબસ્ત દરમિયાન LCBના ASI મહિપાલસિંહ જગદીશસિંહને બાતમી મળી હતી કે નડિયાદ (Nadiad) તરફથી આણંદ તરફ આવી રહેલા સફેદ રંગના ટાટા કન્ટેનર ટ્રકમાં હોમ એપ્લાયન્સના સામાનની આડમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે.
બાતમીના આધારે LCBના PSI આર.એમ. ચૌહાણ અને સ્ટાફે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે (Ahmedabad-Mumbai National Highway)પર રાવળાપુરા બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ કન્ટેનર ટ્રકને અટકાવી તપાસ કરવામાં આવી હતી.
હોમ એપ્લાયન્સના સામાનની આડમાં દારૂ
ટ્રકના ચાલકે પોલીસ સમક્ષ હોમ એપ્લાયન્સના સામાનની બિલ્ટી રજૂ કરી હતી. જોકે, પોલીસે કન્ટેનરનો દરવાજો ખોલીને તપાસ કરતાં વન્ડરશેફ કંપનીના સ્ટેનલેસ સ્ટીલ વાસણોના બોક્સની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડેલો મળી આવ્યો હતો. પોલીસે કન્ટેનરમાંથી કુલ 290 પેટીમાંથી 8,592 બોટલ વિદેશી દારૂ કબજે કરી હતી. દારૂના જથ્થાની કિંમત 44,58,150 હોવાનું સામે આવ્યું છે.
84.32 લાખનો મુદ્દામાલ જપ્ત
દારૂ ઉપરાંત પોલીસે 15 લાખની કન્ટેનર ટ્રક, બે મોબાઇલ ફોન અને બિલ્ટી મુજબના 24,43,350ના અન્ય સામાન સહિત કુલ 84,32,510નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીથી દારૂની હેરાફેરી માટે હોમ એપ્લાયન્સના સામાનની આડનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે સમગ્ર જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે તપાસ શરૂ કરી છે.
હરિયાણાના બે આરોપી ઝડપાયા, બે વોન્ટેડ
આ કેસમાં પોલીસે હરિયાણા (Haryana)ના નુહૂ જિલ્લાના ફિરોઝપુર ઝિરકા તાલુકાના 34 વર્ષીય મુખત્યાર હાકમ દરાબ મેઉ અને 29 વર્ષીય રૂકમુદ્દીન સદ્દીક કમલા મેઉની ધરપકડ કરી છે.
જ્યારે ઈરફાનખાન જામીલ, રહે. બાવલા, તા. તૌરૂ, જિ. નુહૂ અને સદ્દામને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. સમગ્ર મામલે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે દારૂની હેરાફેરી સાથે સંકળાયેલા અન્ય લોકો અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: દારૂની દરેક બોટલ પર ₹10 વધારાના, ખાલી બોટલ પર મળશે રિફંડ
આ પણ વાંચો: વલસાડના કપરાડામાં શિક્ષક પર પત્નીની હત્યાનો આરોપ, દારૂની લતના મુદ્દે ઝઘડા બાદ લાકડીથી હુમલો
આ પણ વાંચો: મુંદરા મરીન વિસ્તારમાં LCBનો દરોડો, 178 દારૂની બોટલ-24 બિયર ટીન સાથે શખ્સ ઝડપાયો
