Gir Soemnath News:ગીર જંગલ બોર્ડર નજીક આવેલા સણોસરી (Sanosari)ગામમાંથી એક અત્યંત કરુણ અને હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. રહેણાંક વિસ્તાર નજીક ત્રાટકેલા એક ખૂંખાર દીપડા (Leopard )એ માત્ર ત્રણ વર્ષના માસૂમ બાળક પર જીવલેણ હુમલો કરી તેને ફાડી ખાધો છે. આ કમકમાટીભરી ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને ગામલોકોમાં ડરનો માહોલ વ્યાપી ગયો છે.
રમતા બાળકને અચાનક ઉઠાવી ગયો દીપડો
પ્રાપ્ત વિગતો મુજબ, સણોસરી ગામમાં રહેતો ત્રણ વર્ષીય ચેતન બામણીયા (Chetan Bamaniya)અચાનક લાપતા બન્યો હતો. પરિવારે આસપાસ શોધખોળ શરૂ કરતા ખબર પડી કે સીમ વિસ્તારમાંથી ઘૂસી આવેલા દીપડાએ માસૂમ બાળકને નિશાન બનાવીને તેને જંગલ તરફ ખેંચી ગયો હતો. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વન વિભાગની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને સ્થાનિક ગ્રામજનોની મદદથી સઘન શોધખોળ હાથ ધરી હતી.
ક્ષત-વિક્ષત હાલતમાં મળ્યો માસૂમનો મૃતદેહ
કલાકોની ભારે જહેમત અને સર્ચ ઓપરેશન બાદ, માસૂમ ચેતનનો મૃતદેહ એક અવાવરૂ જગ્યાએથી દીપડા દ્વારા ફાડી ખાધેલી અત્યંત ક્ષત-વિક્ષત હાલતમાં મળી આવ્યો હતો. આ દ્રશ્ય જોઈને પરિવારજનોના હૈયાફાટ રૂદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. પંચનામાની પ્રાથમિક કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
વન વિભાગની કાર્યવાહી: માનવભક્ષી દીપડો પાંજરે પુરાયો
ઘટન બાદ અન્ય કોઈ ગ્રામજન પર જોખમ ન તોળાય તે માટે વન વિભાગે તાબડતોબ વિસ્તારમાં વોચ ગોઠવી દીધી હતી અને જુદા-જુદા સ્થળોએ મારણ સાથે પાંજરા મૂક્યા હતા. વનકર્મીઓની સતત મહેનતને અંતે આ માનવભક્ષી દીપડો આખરે પાંજરામાં ફસાઈ ગયો હતો. દીપડો પકડાઈ જતાં વન વિભાગ અને ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે, પરંતુ ફૂલ જેવા માસૂમ બાળકના અકાળે મોતે સમગ્ર સણોસરી ગામમાં શોકની કાળી ડિબાંગ ફેલાવી દીધી છે.
આ પણ વાંચો:અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને UIDAIનો વિશેષ એવોર્ડ, ‘પથિક-પ્રતિરક્ષા’ પોર્ટલની રાષ્ટ્રીય સ્તરે નોંધ
આ પણ વાંચો:સુરત સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓનો મોરચો, ‘લેખિત ખાતરી નહીં મળે ત્યાં સુધી ધરણા’
આ પણ વાંચો:કચ્છના સરહદી વિસ્તારમાં ખેતીના નામે ગૌચર જમીન પર દબાણ, કોઠારા-ભેદીમાં તંત્રએ હટાવ્યા 15 કબજા
