Gujarat News :ગુજરાત સરકારના મહત્વાકાંક્ષી વાર્ષિક રમતોત્સવ ‘ખેલ મહાકુંભ 2026’ (Khel Mahakumbh) નું ભવ્ય આયોજન રાજ્યમાં શરૂ થવા જઈ રહ્યું છે. આ સ્ટેટ લેવલની ઇવેન્ટ પાછળ કુલ રૂ. 100 કરોડથી વધુનો તોતિંગ ખર્ચ કરવામાં આવી રહ્યો છે, જેમાં માત્ર વિજેતા ખેલાડીઓને ઇનામો આપવા પાછળ જ આશરે રૂ. 45 કરોડ ફાળવવામાં આવ્યા છે. વડોદરા ખાતે આ ભવ્ય રમતોત્સવનું આયોજન તથા ઉદ્ઘાટન થનાર છે, જેમાં જુદા જુદા 7 વયજૂથ અંતર્ગત 39 જેટલી વિવિધ રમતોની રોમાંચક સ્પર્ધાઓ યોજાશે.

76 લાખથી વધુ ખેલાડીઓનું રેકોર્ડબ્રેક રજિસ્ટ્રેશન
આ વર્ષે ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે રાજ્યભરમાંથી ઉત્સાહ જોવા મળ્યો છે અને રેકોર્ડબ્રેક 76,02,178 ખેલાડીઓએ ઓનલાઈન રજિસ્ટ્રેશન (Registration) કરાવ્યું છે. ગત વર્ષે યોજાયેલા રમતોત્સવની સરખામણીએ આ વર્ષે સાડા ત્રણ લાખ જેટલા વધુ ખેલાડીઓએ નોંધણી કરાવી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2010 માં જ્યારે રાજ્યમાં પહેલીવાર આ રમતોત્સવનો પ્રારંભ થયો હતો, ત્યારે માત્ર 16.5 લાખ ખેલાડીઓએ જ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જે સમયની સાથે હવે અનેકગણું વધી ગયું છે.

આંતરરાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ કરોડોની જોગવાઈ
આગામી સમયમાં વર્ષ 2030 માં કોમનવેલ્થ ગેમ્સ અને 2036 માં ઓલિમ્પિક ગેમ્સ (Olympic Games)ના આયોજનના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત સરકાર (Government of Gujarat)દ્વારા અત્યારથી જ ઇન્ટરનેશનલ કક્ષાનું માળખાગત (Infrastructure) ઊભું કરવામાં આવી રહ્યું છે. ચાલુ વર્ષના અજકેટમાં રમતગમત ક્ષેત્ર માટે કુલ રૂ. 1331 કરોડની જંગી જોગવાઈ કરવામાં આવી છે, જેમાંથી માત્ર રૂ. 1056 કરોડ કોમનવેલ્થ અને ઓલિમ્પિક ગેમ્સની તૈયારીઓ અને અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ જ ખર્ચવામાં આવી રહ્યા છે.
નિષ્ણાતોનું માનવું છે કે સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ તોતિંગ ખર્ચ કરવાની સાથે-સાથે તળિયેથી ખેલાડીઓને તૈયાર કરવા અને તેમને પ્રોફેશનલ ટ્રેનિંગ આપવા પર પણ સમાન ભાર મૂકવો જોઈએ, કારણ કે તાજેતરની કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતના ખેલાડીઓનું પ્રદર્શન અપેક્ષિત નહતું રહ્યું અને એકપણ મેડલ જીતી શક્યા ન હતા, જ્યારે એશિયન ગેમ્સમાં માત્ર શૂટિંગ ક્ષેત્રે જ રાજ્યને બે મેડલ પ્રાપ્ત થયા હતા.
આ પણ વાંચો: નસવાડી સરકારી બી.એડ્ કૉલેજના વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધામાં ઝળક્યા
આ પણ વાંચો: ખેલ મહાકુંભ ૩.Oનો રાજકોટથી શાનદાર પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
આ પણ વાંચો: ગુજરાતમાં ખેલ મહાકુંભ 2.0 ક્યારે શરૂ થશે, 4 નવી રમતોનો થશે સમાવેશ
