Vadodara News/ બરોડા મેડિકલ કોલેજનો MBBSનો વિદ્યાર્થી ગુમ, ATKT ના ડરથી ઘર છોડ્યાની આશંકા

Vadodaraની બરોડા મેડિકલ કોલેજમાં ભણતો ધાનેરાનો 21 વર્ષીય MBBSનો વિદ્યાર્થી ગુમ થયો છે. ATKT આવતા તે નિરાશ હોવાનું મનાય છે. પિતાએ તેને પાછા આવવા વિનંતી કરી છે.

Top Stories Gujarat Vadodara
Vadodara Baroda Medical College Student Missing

Vadodara Baroda Medical College Student Missing: વડોદરાની પ્રતિષ્ઠિત બરોડા મેડિકલ કોલેજમાંથી ચોથા વર્ષમાં અભ્યાસ કરતો એક 21 વર્ષીય તેજસ્વી વિદ્યાર્થી ગુમ થતા ચકચાર મચી ગઈ છે. બનાસકાંઠાના ધાનેરાનો વતની આ વિદ્યાર્થી છેલ્લા ચાર દિવસથી લાપતા છે. પુત્રની શોધમાં વડોદરા દોડી આવેલા પિતાની આક્રંદભરી અપીલે સૌ કોઈની આંખો ભીની કરી દીધી છે.

Vadodara : શું છે સમગ્ર મામલો?

બનાસકાંઠાના ધાનેરા તાલુકાનો વતની અને MBBS ના આઠમા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો આ વિદ્યાર્થી 26 એપ્રિલના રોજ ઘરેથી વડોદરા હોસ્ટેલ આવવા નીકળ્યો હતો. 27 એપ્રિલના રોજ સાંજે સાડા સાત વાગ્યે માતા સાથે અંતિમ વાર વાત થયા બાદ તેનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. પરિવારજનો વડોદરા પહોંચ્યા ત્યારે હોસ્ટેલના રૂમ પર લોક જોવા મળ્યું હતું અને મિત્રો પાસે પણ કોઈ જાણકારી નહોતી.

Vadodara Baroda Medical College Student Missing

સીસીટીવીમાં છેલ્લી ઝલક

પરિવાર અને પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે, વિદ્યાર્થી વડોદરાના એસએસજી હોસ્પિટલ સામે આવેલા SBI ના એટીએમ પર રાત્રે 9 વાગ્યાની આસપાસ પૈસા ઉપાડવા આવ્યો હતો, જ્યાં તે સીસીટીવીમાં કેદ થયો છે. ત્યારબાદ તેની કોઈ ભાળ મળી નથી.

ATKT ના ડરથી ઘર છોડ્યાની આશંકા

વિદ્યાર્થી ભણવામાં ખૂબ જ હોશિયાર હતો અને તેણે કોઈ પણ ટ્યુશન વગર પ્રથમ પ્રયાસે જ નીટ (NEET) ની પરીક્ષા પાસ કરી હતી. જોકે, આઠમા સેમેસ્ટરમાં તેને એક વિષયમાં ATKT આવી હતી. પિતાને આ વાતની જાણ વડોદરા આવ્યા બાદ થઈ હતી. એવું મનાઈ રહ્યું છે કે એટીકેટી આવતા નિરાશ થઈને અથવા ડરના માર્યા તેણે આ પગલું ભર્યું હોઈ શકે છે.

પિતાની હૃદયદ્રાવક અપીલ

દીકરાની શોધમાં ભટકતા પિતાએ રડતા રડતા મીડિયા સમક્ષ અપીલ કરી હતી કે, “બેટા, તું જ્યાં હોય ત્યાંથી પાછો આવી જા. તારી મમ્મી અને બહેન બહુ ચિંતા કરે છે. ભણવાનું તો કાલે ફરીથી થઈ જશે, એટીકેટી આવે તો કંઈ વાંધો નથી, અમે તને કંઈ જ નહીં કહીએ. બસ તું સુરક્ષિત ઘરે પાછો આવી જા.”

પોલીસ તપાસ તેજ

આ મામલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુમ થયા અંગેની અરજી આપવામાં આવી છે. મેડિકલ કોલેજના ડીન દ્વારા પણ પરિવારને સહકારની ખાતરી આપવામાં આવી છે. જો તમને આ વિદ્યાર્થી અંગે કોઈ પણ જાણકારી મળે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા વિનંતી છે.


આ પણ વાંચો : વડોદરામાં SSG હોસ્પિટલમાં મારામારીનો મામલો

આ પણ વાંચો : વડોદરા વોર્ડ-1 માં કોંગ્રેસની પેનલ તૂટી, અપક્ષ હરીશ પટેલનો ભવ્ય વિજય

આ પણ વાંચો : વડોદરામાં મતદાનની તૈયારી સંપૂર્ણ, રવિવારે મતદાન