Health Tips: ઊંઘમાં બોલવું અથવા તો બબડવું (Sleep Talking) એ એક સામાન્ય સમસ્યા છે જેને મેડિકલ ભાષામાં સોમનિલોકી (Somniloquy) કહેવાય છે. આમાં વ્યક્તિ ઊંઘતી વખતે કેટલાક શબ્દો બોલે છે, અધૂરા વાક્યો બોલી શકે છે અથવા ક્યારેક-ક્યારેક બૂમો પાડી શકે છે. જો કે, મોટા ભાગે વ્યક્તિને એ યાદ નથી રહેતું કે એણે રાત્રે શું કહ્યું હતુ? સામાન્ય રીતે આ સમસ્યા ગંભીર નથી હોતી પરંતુ એ વારંવાર થાય અથવા એની સાથે કોઈ અન્ય લક્ષણો પણ જણાય તો એના પર ધ્યાન આપવું જરુરી છે. તો મનોચિકિત્સકના મતે જોઈએ કે એ નોર્મલ છે અથવા કોઈ બીમારીનો સંકેત?
ઊંઘમાં બોલવાની આદતને સોમનીલોકી (Somniloquy) કહે છે. ઊંઘની સમસ્યાનો આ એક પ્રકાર છે અર્થાત્ આ એક સામાન્ય પ્રકારનો સ્લીપ ડિસઓર્ડર છે. આને તબીબી ભાષામાં ‘પેરાસોમનિયા’ (Parasomnia) કહેવાય છે.
ઊંઘમાં બબડવાનું શું કારણ હોઈ શકે છે? (Sleep Talking Reason)
સાઈકિ્યાટ્રિસ્ટના મતે ઊંઘમાં બબડવાની પાછળ અનેક કારણો હોઈ શકે છે. માનસિક તણાવ, ચિંતા, ઊંઘની ઉણપ અને અનિયમિત ડેઈલી રુટિન એના મુખ્ય કારણોમાં સામેલ છે. જ્યારે વ્યક્તિ વધુપડતી તણાવગ્રસ્ત હોય અથવા કોઈ બાબત અંગે મન સતત વિચાર કરે છે ત્યારે એની ઊંઘ પ્રભાવિત થઈ શકે છે. એની અસરથી ક્યારેક-ક્યારેક ઊંઘ દરમિયાન બોલે પણ છે. આ ઉપરાંત, તાવ, કેટલીક દવાઓની અસર, દારુનું સેવન અને ઊંઘ સંબંધી અન્ય સમસ્યાઓ પણ એનું કારણ બની શકે છે. બાળકોનું ઊંઘમાં બબડવું સામાન્ય છે અને ઉંમર વધતા એ ઓછું થઈ શકે છે.

શું આ કોઈ માનસિક બીમારીના સંકેત છે? (Is It Mental Disorder)
ઊંઘમાં બબડવું (Sleep Talking) એનો અર્થ એ નથી કે વ્યક્તિ કોઈ માનસિક બીમારીથી પીડિત છે. જો કે, જો આની સાથે સતત ચિંતા, ઉદાસી, ચિડિયાપણું, ડર અથવા વ્યવહારમાં પરિવર્તન જેવા લક્ષણો જણાય તો માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતની સલાહ લેવી ઉચિત છે. કેટલાક કિસ્સાઓમાં ઊંઘમાં બોલવાની સાથે અન્ય ઊંઘ સંબંધી વિકારોની સાથે પણ હોઈ શકે છે. દાખલા તરીકે, કોઈ વ્યક્તિ ઊંઘતી વખતે બૂમો પાડે છે, હાથ-પગ ઉછાળે છે, ડરીને ઉઠી જાય છે અથવા પોતાના સપનાને અનુરુપ શારીરિક હલચલ કરે છે તો એની તપાસ કરવી જરુરી છે. આ ઉપરાંત, જો નસકોરા સાથે શ્વાસ રુંધાવા જેવી સમસ્યા હોય તો સ્લીપ એપનિયાની સંભાવના પર પણ ધ્યાન આપવું જોઈએ!
ઊંઘમાં બબડવાથી બચવા માટે શું કરવું જોઇએ? (Remedies to Prevent Sleep talking)
ઊંઘમાં જો બડબડાટ કરવાની ટેવ પડી હોય તો આ સમસ્યાને ઓછી કરવા માટે દરરોજ પૂરતી ઊંઘ લેવી અને સૂવા તેમજ જાગવાનો સમય નિયમિત કરવો જરુરી છે. પુખ્ત વયના લોકોએ સામાન્યત: દરરોજ સાત કલાકની ઊંઘ તો લેવી જ જોઈએ. સૂતા પહેલા મોબાઈલનો વપરાશ કરવાનું ઓછું કરવું જોઇએ. કેફીનનું સેવન પણ સીમિત માત્રામાં કરવું જોઇએ. આ ઉપરાંત, તમારા તણાવને ઓછો કરવા માટે ધ્યાન અથવા તો ઊંડા શ્વાસ લેવાનો અભ્યાસ પણ મદદરુપ થઈ શકે છે.

ડૉક્ટરનો સંપર્ક ક્યારે કરવો જોઇએ?
કોઈ વ્યક્તિ ઊંઘતી વખતે બૂમો પાડે છે, હાથ-પગ ઉછાળે છે, ડરીને ઉઠી જાય છે અથવા પોતાના સપનાને અનુરુપ શારીરિક હલચલ કરે છે તો એની તપાસ કરવી જરુરી છે. જો ઊંઘ દરમિયાન બબડવાની સમસ્યા અચાનક જ શરુ થાય, વારંવાર થવા લાગે, ઊંઘની ગુણવત્તા (Sleep Quality) પ્રભાવિત થાય અને એ ઉપરાંત બૂમો પાડવી, હિંસક પ્રવૃત્તિઓ, વાગવું કે દિવસ દરમિયાન અતિશય ઊંઘવું જેવા લક્ષણો જણાય ત્યારે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઇએ.
જરુર પડ્યે સાઇકિયાટ્રિસ્ટ અથવા તો ઊંઘ સંબંધી વિકારોના વિશેષજ્ઞોની સલાહ લઈને વધુ તપાસ કરાવવી જરુરી છે. જો કે, ઊંઘમાં બબડવું એ હંમેશાં કોઈ બીમારીનો સંકેત નથી હોતો. યોગ્ય દિનચર્યા, પૂરતી ઊંઘ અને તણાવ પર નિયંત્રણથી એમાં સુધારો થઈ શકે છે. જો કે, ઊંઘમાં બોલતા રહેવાનું સતત ચાલુ રહે અથવા અન્ય લક્ષણો જણાય તો એને નજરઅંદાજ ન કરવા જોઇએ.
આ પણ વાંચો : પેટમાં ગૅસના ગોળા બને તો કરો આ સરળ ઘરગથ્થુ ઉપાયોથી મળી શકે છે છૂટકારો…તરત થશે અસર!
આ પણ વાંચો : હૃદયને સ્વસ્થ રાખવા માટે દરરોજ કેટલી એક્સર્સાઈઝ કરવી જોઇએ? જાણો હાર્ટ નિષ્ણાત પાસેથી…
આ પણ વાંચો : લગ્ન-પાર્ટીમાં ‘ફ્રી વાલા બૂફે’ જોતાવેંત જ મોટાભાગના લોકો તૂટી પડે છે!..પણ જરા ધ્યાનથી…પેટ પારકું નથી..!
