Ahmedabad News/ બેસણામાં જતા વેપારીને બોલાવીને ઉઠાવી ગયા, 14 લાખની માગ સાથે ઢોર માર માર્યો

Ahmedabadના દાણીલીમડાના કાપડ વેપારીને 14 લાખની વસૂલી માટે ઉઠાવી જઈ માર મરાયો, 8 સામે ફરિયાદ

Gujarat Ahmedabad Breaking News
Ahmedabad

Ahmedabad News: કાપડ પ્રિન્ટિંગનો ધંધો કરતા એક વેપારી પાસે સિલાઈના માત્ર 27 હજાર રૂપિયા લેવાના નીકળતા હતા, છતાં તેમની પાસેથી 14 લાખની રકમ કઢાવવા 8 શખસોએ તેમને કારમાં ઉઠાવી ગયા અને જીવલેણ હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. 9 ઓક્ટોબરની રાત્રે બનેલી આ ઘટનામાં વેપારીના ભાઈઓ સમયસર પહોંચી જતાં તેમનો જીવ બચ્યો હતો.

Ahmedabad: બેસણામાં જતા વેપારીને બોલાવીને ઉઠાવી ગયા

નોંધાયેલી ફરિયાદ અનુસાર, દાણીલીમડા (Danilimda)માં રહેતા વેપારી સાજિદ સોજતવાલા 9 ઓક્ટોબરની રાતે પોતાની ફેક્ટરીએ ‘સિમરન ફેશન’ થી એક્ટિવા પર બેસણામાં જવા નીકળ્યા હતા. જમાલપુર (Jamalpur) ની પથ્થરવાળી મસ્જિદ પાસે રોહાન ઉર્ફે રોમાન ઝુલફીકાર શેખ તેમની પાસે આવ્યો અને “સામે એક ભાઈ બોલાવે છે” કહીને તેમને ત્યાં લઈ ગયો. ત્યાં વાદળી રંગની કારમાંથી ઊતરેલા શખસોએ સાજિદને પકડીને ગાડીમાં બેસાડી દીધા, તેમનો મોબાઇલ આંચકી લીધો અને માર માર્યો.

ટાઇગર પોઇન્ટ પર ધમકી અને હુમલો

આરોપીઓ તેમને ગોળલીમડામાં અલ્માસ શેખની ‘ટાઇગર પોઇન્ટ’ (Tiger Point) નામની જગ્યાએ લઈ ગયા.  નોંધાયેલી ફરિયાદ મુજબ, અલ્માસે વેપારીને ધમકી આપી હતી કે, મનીષ મુંજાણીને સિલાઈના 14 લાખ ચૂકવી દેજે, નહીં તો તને જોઈ લઈશ. સાજિદે જવાબ આપ્યો કે તેમને મનીષને ફક્ત 27 હજાર જ આપવાના છે. આ સાંભળી અલ્માસ ગુસ્સે ભરાયો, ગાળો બોલી અને બેઝબોલના દંડાથી માર્યો.

“પૈસા નહીં આપે તો પગ તોડી નાખીશ”

એ દરમિયાન બીજા એક અજાણ્યા શખસે તલવારથી હુમલો કરીને ઈજા પહોંચાડી હોવાનો આક્ષેપ છે. બહાર ઊભેલો મનીષ મુંજાણી પણ અંદર આવ્યો, સાજિદને થપ્પડ મારી અને પૈસા નહીં આપે તો પગ તોડી નાખવાની ધમકી આપી. એવામાં સાજિદના નાના ભાઈઓ અસ્ફાક અને મોહશીન તેમને શોધતાં શોધતાં ત્યાં પહોંચી ગયા, અને બધા આરોપીઓ ભાગી છૂટ્યા. ઘાયલ વેપારીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા.

8 સામે ફરિયાદ, પોલીસ તપાસ

સાજિદભાઈએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન (Gaekwad Haveli Police) માં મનીષ મુંજાણી, અલ્માસ શેખ, અલ્માસની બીજી પત્ની, રોહાન અને અન્ય અજાણ્યા શખસો સામે ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો:14 વર્ષથી ગુમ કડી મળી! અમરેલીના જૂના અપહરણ કેસમાં પોલીસને મોટી સફળતા

આ પણ વાંચો:સુરતમાં 30 લાખની ખંડણી માટે વેપારીના પુત્રનું અપહરણ! 150થી વધુ CCTVથી ભેદ ઉકેલાયો

આ પણ વાંચો:સુરતમાં શેરબજારમાં 15 લાખ ડૂબતાં યુવકનું અપહરણ, 30 લાખની ખંડણી માગી