Ahmedabad News: અમદાવાદના નરોડામાં રહેતા અને ભદ્રેશ્વર મેલડી માતાના મંદિરના ભુવા તરીકે સેવા આપતા દિપક પરમારનું સારવાર દરમિયાન મોત (Bhuwa Death Case) થયું છે. મૃતકની પત્નીએ આક્ષેપ કર્યો છે કે પુત્રવધૂ સાથે પ્રેમસંબંધ હોવાના આરોપ અને સમાધાન માટે ₹20 લાખની માગણીને કારણે દિપકને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ મામલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં 6 લોકો સામે આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે.
Bhuwa Death Case: પ્રેમસંબંધના આક્ષેપ બાદ વિવાદ
મળતી માહિતી મુજબ, દિપક પરમાર (Dipak Parmar) રિક્ષા ચલાવવાની સાથે ભદ્રેશ્વર ખાતે મેલડી માતાના મંદિરમાં ભુવા તરીકે સેવા આપતા હતા. 3 ઓક્ટોબરે કુબેરનગરમાં રહેતાં વસંતીબહેને પોતાના ઘરે માતાજીની વિધિ કરાવવા માટે દિપકનો સંપર્ક કર્યો હતો. 4 ઓક્ટોબરે દિપક તેમના ઘરે ગયા હતા.
ત્યારબાદ વસંતીબહેને દિપક પર તેમના પુત્ર રોમેશની પત્ની કાજલ સાથે પ્રેમસંબંધ હોવાનો આક્ષેપ મૂક્યો હતો. ફરિયાદ મુજબ, આ પછી કુણાલ માછલેકર અને હાર્દિક માછલેકરે પણ દિપકનો સંપર્ક કરીને તેમને માનસિક ત્રાસ આપ્યો હોવાનો આક્ષેપ છે.
₹20 લાખ માગ્યાનો ફરિયાદમાં આક્ષેપ
ફરિયાદ અનુસાર, 4 ઓક્ટોબરની રાત્રે રોમેશ, કાજલ, કુણાલ અને હાર્દિકે દિપક તથા તેમના કાકાના ઘરમાં તોડફોડ કરી હતી. આ ઘટનાથી ડરીને દિપક ઘરે જતા ન હોવાનું અને તેમની પત્ની દક્ષાબહેન પિયર જતાં રહ્યાં હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરાયો છે કે ચંદન વતન બજરંગે નામના વ્યક્તિની ચડામણીથી સમાધાનના નામે દિપક પાસે ₹20 લાખની માગણી કરવામાં આવી હતી અને તેમને ધમકીઓ આપવામાં આવતી હતી. (Ahmedabad Crime News)
સારવાર દરમિયાન દિપકનું મોત
ફરિયાદ અનુસાર, 12 ઓક્ટોબરની રાત્રે દિપક ભદ્રેશ્વર ખાતે આવેલા મેલડી માતાના મંદિરે ગયા હોવાનું જણાવાયું છે. ત્યાંથી તેમણે પત્નીને વીડિયો કોલ કર્યો હતો અને ત્યારબાદ ગંભીર રીતે દાઝી જતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 16 ઓક્ટોબરના રોજ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી તે દરમિયાન દિપક પરમારે અંતિમ શ્વાસ લીધા હતા.
આ ઘટનાને પગલે પત્ની દક્ષાબહેને એરપોર્ટ પોલીસ સ્ટેશન (Airport Police Station)માં વસંતીબહેન સહિત કુલ 6 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અગાઉ પણ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી
આ કેસમાં એક અન્ય મહત્ત્વની બાબત એ છે કે અગાઉ સરદારનગર પોલીસ સ્ટેશનમાં દિપક ભુવા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેમાં વિધિના બહાને 27 વર્ષીય પુત્રવધૂ પર દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. બંને મામલાની કાનૂની કાર્યવાહી અને તપાસના આધારે આગળની હકીકતો સ્પષ્ટ થશે.
આ પણ વાંચો: વૃંદાવનમાં પ્રેમાનંદજીના શિષ્યનો આપઘાત, ગુપ્તાંગ કાપી 4થા માળેથી પડતુ મુક્યુ
આ પણ વાંચો: પાડોશી સાથેના ઝઘડા બાદ યુવકનો આપઘાત, બાપુનગર પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો
આ પણ વાંચો: ડો. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક ડોક્ટરની ધરપકડ: ડો. અનુજ મહેશ્વરી પોલીસના સકંજામાં, ડો. નિરાલી હજુ ફરાર
