Surat News: સુરત શહેરના કાપોદ્રા અને અમરોલી વિસ્તારમાં મારામારીના (Surat Fighting Incidents) બે અલગ-અલગ બનાવો સામે આવ્યા છે. કાપોદ્રામાં કોલેજમાં વર્ચસ્વના મુદ્દે થયેલી બોલાચાલી બાદ થાર, વર્ના કાર અને બુલેટ પર આવેલા 8થી 9 શખ્સોએ યુવક અને તેના મિત્રો પર લાકડીઓથી હુમલો કર્યો હતો. બીજી તરફ, અમરોલીમાં એપાર્ટમેન્ટના ટેરેસ પર ગરબા રમવા બાબતે થયેલા વિવાદમાં સમજાવવા ગયેલા સુરત મહાનગરપાલિકાના આરોગ્ય નિરીક્ષક પર પ્લાસ્ટિકના પાઈપથી હુમલો કરાયો હોવાની ફરિયાદ નોંધાઈ છે. બંને બનાવોમાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Surat Fighting Incidents: કાપોદ્રામાં કોલેજના વર્ચસ્વ મામલે તકરાર
કાપોદ્રા મુરઘા કેન્દ્ર પાસે આવેલી વડવાળા સોસાયટીમાં રહેતા 19 વર્ષીય હિતરાજ માલદેવ આહીરે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તે રાત્રે પોતાના મિત્રો સાથે મોટા વરાછા વિસ્તારમાં VIP સર્કલ પાસે મિત્ર પાર્થ રાણોલીયાને મળવા ગયો હતો. ત્યાં ધારૂકાવાલા કોલેજમાં વર્ચસ્વના મુદ્દે વાતચીત દરમિયાન બોલાચાલી થઈ હતી. ફરિયાદ મુજબ, પાર્થે કોલેજમાં ભરવાડ સમાજનું જ ચાલે તેવી વાત કરતાં વિવાદ (Kapodra Fighting Case) થયો હતો. ત્યારબાદ હિતરાજ પોતાના મિત્રો સાથે સોસાયટીના ગેટ પાસે પરત ફર્યો હતો.
થાર, વર્ના અને બુલેટ પર આવેલા ટોળાનો હુમલો
ફરિયાદમાં જણાવ્યા મુજબ, રાત્રે આશરે 11 વાગ્યે પાર્થે હિતરાજને ફોન કરીને અપશબ્દો બોલ્યા હતા અને તેનું સરનામું પૂછ્યું હતું. ત્યારબાદ રાત્રે સવા અગિયાર વાગ્યાની આસપાસ મહિન્દ્રા થાર, હ્યુન્ડાઈ વર્ના અને કાળા રંગની બુલેટ પર 8થી 9 શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા.
આ ટોળામાં વિજય મેર, મોહિત ઉર્ફે મોહિત મેલડી હિંગુ, કાનો, સુરેશ બોળીયા, મયુર બોળીયા અને હાર્દિક પરમાર સહિતના શખ્સો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. આરોપીઓએ લાકડીઓ વડે હિતરાજ પર હુમલો કર્યો હતો. તેના બંને પગ, હાથ અને કાનની પાછળના ભાગે ઈજાઓ પહોંચી હતી.
બચાવવા આવેલા મિત્રોને પણ માર માર્યાનો આક્ષેપ
હિતરાજને બચાવવા વચ્ચે પડેલા તેના મિત્રો અનિરુદ્ધ અને ક્રિશને પણ માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ છે. બૂમાબૂમ થતાં હુમલાખોરો ત્યાંથી ભાગી ગયા હતા. ઈજાગ્રસ્ત હિતરાજને 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવમાં કાપોદ્રા પોલીસે રાયોટિંગ અને મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી પાંચ આરોપીઓની અટકાયત કરી હોવાનું જણાવાયું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અમરોલીમાં ટેરેસ પર ગરબા રમવા બાબતે વિવાદ
બીજી ઘટના અમરોલીના છાપરાભાઠા રોડ પર આવેલી અરિહંતપાર્ક સોસાયટીના ચિરાગ એપાર્ટમેન્ટમાં બની હતી. અહીં રહેતા અને સુરત મહાનગરપાલિકામાં આરોગ્ય નિરીક્ષક તરીકે ફરજ (Health Inspector Attacked) બજાવતા 53 વર્ષીય હિતેશ રમણ મહેતાએ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, 20 ઓક્ટોબરની રાત્રે આશરે 10 વાગ્યે બિલ્ડિંગના ટેરેસ પર ઝઘડો થતો હોવાનો ફોન આવતાં હિતેશ ત્યાં પહોંચ્યા હતા. તે સમયે સોસાયટીના રજની રાવજી પટેલ અને રાકેશ પંચાલના પરિવાર વચ્ચે ટેરેસ પર ગરબા રમવા બાબતે બોલાચાલી (Amroli Assault Case) ચાલી રહી હતી.
સમજાવવા જતાં આરોગ્ય નિરીક્ષક પર પાઈપથી હુમલો
હિતેશે વચ્ચે પડી મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. ફરિયાદ મુજબ, આ દરમિયાન રાકેશ પંચાલ, તેમના ભાઈ અલ્પેશ, પુત્ર વ્રજ, ભત્રીજો યુગ તથા ભાણેજ વિશાલ અને અદિત ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે હિતેશને અપશબ્દો કહી ઢીકાપાટુનો માર માર્યો હતો.
આરોપ છે કે વિશાલે પ્લાસ્ટિકના પાઈપથી હિતેશના મોઢા પર ફટકો માર્યો હતો, જેના કારણે તેમના જડબાના ભાગે ગંભીર આંતરિક ઈજા થઈ હતી. જ્યારે રજની પટેલને માથાના ભાગે મુંઢ માર વાગ્યો હતો.
મહિલા સાથે ઝપાઝપી અને જાનથી મારી નાખવાની ધમકીનો આક્ષેપ
બિલ્ડિંગના અન્ય રહીશો દોડી આવ્યા ત્યારે દિવ્યાબેન નામની મહિલા વચ્ચે પડ્યાં હતાં. ફરિયાદ મુજબ, વ્રજ અને યુગે તેમની સાથે ઝપાઝપી કરી હતી, જેમાં તેમની હાથની આંગળી પર ઈજા પહોંચી હતી. ત્યારબાદ રહીશો એકઠા થતાં આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી નાસી છૂટ્યા હોવાનો આક્ષેપ છે.
ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. અમરોલી પોલીસે ફરિયાદના આધારે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બંને બનાવોમાં પોલીસ તપાસ આગળ વધતાં વધુ વિગતો સામે આવી શકે છે.
આ પણ વાંચો: દિલ્હી મેટ્રોમાં મારામારી બાદ પવન શર્માનું મોત, નિવૃત્ત IAS અધિકારી અને પુત્રની ધરપકડ
આ પણ વાંચો: અમરાઈવાડીમાં મારામારી બાદ 24 વર્ષીય યુવકનું મોત, બે સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો
આ પણ વાંચો: સુરતમાં ટેમ્પો સાઈડમાં લેવા મુદ્દે મારામારી: બે યુવકોને પાઈપ-દંડાથી ઢોર માર, 5ની અટકાયત
