Surat News: ઉદયપુરથી સુરત આવતી વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express) ટ્રેન પર પથ્થરમારો કરવાના કેસમાં રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)એ ત્રણ યુવકોને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ પૂછપરછ દરમિયાન માત્ર મસ્તી માટે ટ્રેન પર પથ્થર ફેંક્યા હોવાની કેફિયત આપી હોવાનું સામે આવ્યું છે. પથ્થરમારાને કારણે ટ્રેનના ત્રણ કાચ તૂટી ગયા હતા. જોકે, સદનસીબે કોઈ મુસાફર કે રેલવે કર્મચારીને ઈજા થઈ નહોતી.
Vande Bharat Express: ઉતરાણ અને સુરત સ્ટેશન વચ્ચે ટ્રેન પર પથ્થરમારો
મળતી માહિતી મુજબ, ટ્રેન નંબર 26904 વંદે ભારત એક્સપ્રેસ ઉદયપુરથી સુરત આવી રહી હતી. આ દરમિયાન ટ્રેન જ્યારે ઉતરાણ અને સુરત સ્ટેશન વચ્ચેના રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહી હતી, ત્યારે પૂર્વ દિશા તરફથી ટ્રેન પર પથ્થરમારો કરવામાં (Vande Bharat Stone Pelting) આવ્યો હતો.
આ ઘટનામાં ટ્રેનના કોચ નંબર C-6માં સીટ નંબર 40, 41, 42 અને 60, 61, 62 પાસે આવેલી બારીઓના બે કાચ તૂટી ગયા હતા. આ ઉપરાંત પેન્ટ્રી કાર તરફનો એક કાચ પણ તૂટી (Train Window Damage) ગયો હતો. આમ, પથ્થરમારામાં કુલ ત્રણ કાચને નુકસાન થયું હતું.
રાત્રે 11:29 વાગ્યે RPFને મળ્યો મેસેજ
ઘટના અંગે મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના કંટ્રોલ રૂમમાંથી રાત્રે 11:29 વાગ્યે સુરત RPF (Surat RPF) પોસ્ટને મેસેજ મળ્યો હતો. ત્યારબાદ સુરત RPF પોસ્ટના ઇન્સ્પેક્ટર દિનેશ યાદવ, સબ-ઇન્સ્પેક્ટર અમિત કુમાર અને ASI પ્રેમસિંહ હાડા સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
ટ્રેન એસ્કોર્ટ પાર્ટીના ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ શિવનારાયણ સિંહની મદદથી સુરત યાર્ડ અને તાપી નદીના પટ વિસ્તારમાં રાત્રે જ શોધખોળ હાથ ધરવામાં આવી હતી. રેલવે ટ્રેકની આસપાસની ઝાડીઓમાં પણ તપાસ કરવામાં આવી હતી, પરંતુ પ્રથમ પ્રયાસમાં આરોપીઓનો પત્તો લાગ્યો નહોતો.
CCTV અને હ્યુમન ઇન્ટેલિજન્સથી આરોપીઓ સુધી પહોંચી RPF
કેસને ગંભીરતાથી લઈને ઇન્સ્પેક્ટર દિનેશ યાદવે અલગ-અલગ ટીમો બનાવી હતી. ટીમોએ રેલવે ટ્રેકની આસપાસના CCTV કેમેરા અને ટ્રેનના ફૂટેજની તપાસ શરૂ કરી હતી.
ટેક્નોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી શંકાસ્પદ હિલચાલ અંગે માહિતી મળતાં ત્રણ યુવકોની ઓળખ કરવામાં આવી હતી. ત્યારબાદ RPFએ ત્રણેયને ઝડપી પાડ્યા હતા.
ત્રણેય આરોપીઓ બિહારના વતની
પકડાયેલા યુવકોની ઓળખ ગોલુ કુમાર ચૌધરી (22), સંદેશ કુમાર (18) અને મંતોષ મુખિયા (18) તરીકે થઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, ત્રણેય મૂળ બિહારના વતની છે અને છેલ્લા બે વર્ષથી રેલવે લાઇન નજીક આવેલી એક ફેક્ટરીમાં રહીને મજૂરી કામ કરતા હતા.
પૂછપરછ દરમિયાન ત્રણેયે માત્ર મસ્તી માટે ટ્રેન પર પથ્થર ફેંક્યા હોવાની કેફિયત આપી હોવાનું જણાવાયું છે. RPF દ્વારા આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મુસાફરોને ઈજા ન થતાં રાહત
વંદે ભારત જેવી હાઇ-સ્પીડ ટ્રેન પર પથ્થરમારાની ઘટના રેલવે સુરક્ષા માટે ગંભીર બાબત છે. આ ઘટનામાં ત્રણ કાચ તૂટી ગયા હોવા છતાં કોઈ મુસાફર કે રેલવે કર્મચારીને ઈજા થઈ નહોતી. CCTV ફૂટેજ અને અન્ય માહિતીના આધારે RPFએ ત્રણેય યુવકોને ઝડપી પાડ્યા છે અને હવે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: વૈષ્ણોદેવી કટરા જતી વંદે ભારત સહિત અનેક ટ્રેનોના સમયમાં ફેરફાર, જુઓ નવું ટાઈમટેબલ
આ પણ વાંચો: 160 કિમી/કલાકની સુપરફાસ્ટ ઝડપે પણ વંદે ભારત રહેશે સંપૂર્ણ સુરક્ષિત! ‘કવચ 4.0’ નું સફળ પરીક્ષણ
