Surat News/ સુરત નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો, ટ્રેનમાં મુસાફરી કરી રહેલા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ સુરક્ષિત

વંદે ભારત ટ્રેન (Vande Bharat) પર સુરત નજીક પથ્થરમારો

Gujarat Top Stories Surat Breaking News
Vande Bharat

Surat News : મુંબઈથી અમદાવાદ જઈ રહેલી વંદે ભારત ટ્રેન (Vande Bharat) પર સુરત નજીક ઉત્રાણ સ્ટેશન પાસે પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે. ટ્રેન નંબર 22961માં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ મુસાફરી કરી રહ્યાં હતાં. જોકે તેઓ એક્ઝિક્યુટિવ કોચમાં હોવાથી સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યા હતા અને કોઈ જાનહાનિ થઈ નહોતી.

Vande Bharat ટ્રેન પર પથ્થરમારો

સુરત રેલવે સ્ટેશનથી રવાના થયા બાદ ટ્રેન ઉત્રાણ સ્ટેશન નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે બહારથી અચાનક પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. ઘટનાને પગલે મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

C-6 અને C-10 કોચને નિશાન બનાવાયા

પથ્થરમારાની ઘટનામાં વંદે ભારત ટ્રેનના ચેરકાર કોચ C-6 અને C-10ના કાચને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ટ્રેનમાં વીવીઆઈપી મુસાફર સવાર હોવાની માહિતી વચ્ચે ઘટનાના સમાચાર મળતાં રેલવે તંત્ર અને સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી. જોકે પથ્થરમારામાં કોઈ મુસાફરને ઈજા થઈ હોવાની માહિતી સામે આવી નથી.

RPFએ શંકાસ્પદ યુવકને ઝડપી પાડ્યો

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને અંકલેશ્વર રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તપાસ દરમિયાન RPFએ ટ્રેક નજીકથી આશરે 30 વર્ષના એક શંકાસ્પદ યુવકને ઝડપી પાડ્યો હોવાનું જણાવાયું છે. પ્રાથમિક તપાસમાં યુવક નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે તેની ઓળખ અને સમગ્ર ઘટનામાં તેની ભૂમિકા અંગે સત્તાવાર તપાસ ચાલી રહી છે. પથ્થરમારો નશાની હાલતમાં કરવામાં આવ્યો હતો કે તેની પાછળ કોઈ અન્ય ઈરાદો હતો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

Anandiben Patel એક્ઝિક્યુટિવ કોચમાં હોવાથી સુરક્ષિત

આ ઘટનાના સમયે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ (Anandiben Patel) પણ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યાં હતાં. તેઓ એક્ઝિક્યુટિવ કોચમાં સવાર હોવાથી પથ્થરમારાની ઘટનામાં સુરક્ષિત રહ્યા હતા. વીવીઆઈપી મુસાફરની હાજરીને કારણે રેલવે સુરક્ષા તંત્રએ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો:આનંદીબેન પટેલે દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને આપ્યો સંદેશ

આ પણ વાંચો:યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલનું નિવેદન: ‘ભણતા-ભણતા ગર્ભવતી ન બનો, આત્મનિર્ભર બન્યા બાદ જ લગ્ન કરો’

આ પણ વાંચો:યુપીની તમામ કોલેજો અને યુનિવર્સિટીમાં ડ્રેસ કોડ ફરજિયાત, આનંદીબેન પટેલનો આદેશ