Food Recipe: શું તમે કદીયે જામફળની ચાટ (Guava Chaat) ખાધી છે ખરી? એનો સ્વાદ લાજવાબ હોય છે અને એ સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક પણ હોય છે.
જામફળ સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. એ વિટામિન સી (Vitamin C)નો ઉત્તમ સ્ત્રોત છે. આ ઉપરાંત, જામફળ (Guava)માં ફાઈબર અને એન્ટી ઑક્સિડન્ટ્સ ભરપૂર માત્રામાં મળી આવે છે. જામફળને મોટાભાગના લોકો એમ જ ખાવાનું પસંદ કરતા હોય છે. શિયાળાની ઋતુ (Winter Season) શરુ થવાની સાથે જ આવતા જામફળ કેવળ સ્વાદિષ્ટ જ નહિં પરંતુ સ્વાસ્થ્યવર્ધક પણ છે. પરંતુ શું તમે કદીયે જામફળની ચાટ ખાધી છે ખરી? આ Fruit Chaatનો સ્વાદ લાજવાબ હોય છે અને એ સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક પણ હોય છે. અહિં તમને જામફળ ચાટની રેસિપી દર્શાવવા જઇ રહ્યાં છીએ…
શી રીતે બનાવશો જામફળની ચાટ? (Guava Chaat Recipe)
જામફળની ચાટ બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
1 જામફળ
અડધી નાની ચમચી સંચળ
અડધી નાની ચમચી શેકેલો જીરા પાવડર
1 નાની ચમચી ચાટ મસાલો
સ્વાદાનુસાર લાલ મરચું પાવડર
1 મોટી ચમચી લીંબુનો રસ
1 ઝીણું સમારેલું લીલું મરચું
ઝીણી સમારેલી કોથમીર
2 મોટી ચમચી દાડમના દાણા (વૈકલ્પિક)

જામફળની ચાટ બનાવવાની વિધિ
1. સૌપ્રથમ જામફળને સારી રીતે ધોઈ લેવા. ત્યાર બાદ એને નાના-નાના ચોરસ ટુકડામાં સમારવા. અહિં ધ્યાન રાખવું કે ફળ બહુ ગળેલા પાકા ન હોવા જોઈએ નહિં તો ચાટની મજા બગડી જશે.
2. તમે ઈચ્છો તો એના કડક બીજ કાઢી શકો છો પરંતુ બીજ સાથે ખાવાની મજા જ કંઇક ઓર છે!
3. સમારેલા જામફળના ટુકડાને એક સ્વચ્છ બાઉલમાં ટ્રાન્સફર કરો. એમાં સંચળ, શેકેલો જીરા પાવડર, ચાટ મસાલો અને લાલ મરચું ઉમેરો.
4. ત્યાર બાદ એમાં લીંબુનો રસ નીચોવી લો. લીંબુની ખટાશ અને જામફળનો હળવો મીઠો સ્વાદ બંને સાથે મળીને ચાટના સ્વાદને અનેકગણો વધારી દેશે.
5. હવે તમામ સામગ્રીને હળવા હાથે ટૉસ કરતા હલાવી લેવી જેથી મસાલા જામફળના દરેક ટુકડા પર બરાબર લાગી જાય.
6. અંતે ઉપર ગાર્નિશિંગ માટે ઝીણા સમારેલા લીલા મરચાં, કોથમીર અને દાડમના દાણા ઉમેરીને ફરીથી એક વાર ટૉસ કરી લેવું.
તો તૈયાર છે તમારી ચટપટી, ખાટી-મીઠી જામફળની ચાટ . (Healthy Chaat)…એનો ભરપૂર આનંદ લો.
આ પણ વાંચો: સવારે નાસ્તામાં બનાવો પ્રોટીનથી ભરપૂર મગફળી ચાટ…ચટપટી અને વળી હૅલ્ધી પણ..!
આ પણ વાંચો: દિલ્હી સ્પેશ્યલ ચટપટી વ્રત આલુ ચાટ બનાવો…ઉપવાસ ન કરેલો હોય એ પણ ડિમાન્ડ કરશે!
આ પણ વાંચો: પ્રોટીનથી ભરપૂર ચાટ…એ પણ તેલ વિના! બ્રેકફાસ્ટ માટેની ઝટપટ રેસિપી…
