Bhavnagar News: ભાવનગરવાસીઓ માટે ગૌરવ અને રોમાંચની ક્ષણ (Bhavnagar Air Show) આવી રહી છે. ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા આગામી 1 નવેમ્બરના રોજ સવારે 9 વાગ્યે ભાવનગરના બોરતળાવ ખાતે ભવ્ય એર શો (Surya Kiran Air Show) યોજાશે. ભાવનગરમાં પ્રથમવાર યોજાનારા આ કાર્યક્રમમાં 9 હોક એમકે-132 જેટ ટ્રેનર વિમાનો 30થી 40 મિનિટ સુધી આકાશમાં અદભુત હવાઈ કરતબો રજૂ કરશે. કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને આ આયોજનની વિગતો આપી હતી અને નાગરિકોને પરિવાર સાથે ઉપસ્થિત રહેવા અપીલ કરી હતી.
Bhavnagar Air Show: 9 વિમાનો આકાશમાં રચશે ત્રિરંગાની આકર્ષક આકૃતિઓ
ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ (Surya Kiran Aerobatic Team) પોતાના શિસ્તબદ્ધ ઉડાન પ્રદર્શન અને રોમાંચક હવાઈ કરતબો માટે જાણીતી છે. ભાવનગરના બોરતળાવ (Bhavnagar Bortalav) ખાતે યોજાનારા એર શોમાં ટીમનાં 9 હોક એમકે-132 વિમાનો ભાગ લેશે. આશરે 30થી 40 મિનિટના આ પ્રદર્શનમાં વિમાનો આકાશમાં વિવિધ રચનાઓ રજૂ કરશે. ત્રિરંગાના રંગોની આકર્ષક રચનાઓ પણ આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહેશે.
કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની સશસ્ત્ર સેના આધુનિકતા અને આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધી રહી છે. સૂર્યકિરણ એર શો દ્વારા નાગરિકોને ભારતીય વાયુસેનાનું શૌર્ય, શિસ્ત, સાહસ અને ટેકનોલોજીકલ ક્ષમતા નજીકથી નિહાળવાની તક મળશે.
યુવાનોમાં દેશસેવાની ભાવના પ્રબળ બનશે
નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, આ પ્રકારના કાર્યક્રમો યુવાનોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના મજબૂત બનાવવાની સાથે તેમને સશસ્ત્ર દળોમાં જોડાઈને દેશસેવા કરવા માટે પ્રેરિત કરશે. ભાવનગરમાં આ ભવ્ય આયોજન શક્ય બનાવવા બદલ તેમણે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
તેમણે ભાવનગરના નાગરિકોને પરિવાર સાથે બોરતળાવ ખાતે ઉપસ્થિત રહી આ ઐતિહાસિક અને રોમાંચક પ્રદર્શનના સાક્ષી બનવા આહવાન કર્યું હતું. સાથે જ બાળકો અને વડીલોની સુરક્ષાનું ધ્યાન રાખવા, ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, જાહેર સ્થળે શિસ્ત જાળવવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી.
જિલ્લા તંત્ર અને પોલીસ દ્વારા વ્યવસ્થાનું આયોજન
સૂર્યકિરણ એર શોનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર અને ભાવનગર મહાનગરપાલિકાના સહયોગથી કરવામાં આવશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે વિવિધ વ્યવસ્થાઓ અંગે પણ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપવામાં આવી હતી.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કમિશનર ડૉ. એન. કે. મીનાએ એર શોને લઈને કરવામાં આવેલી વ્યવસ્થાઓની વિગતો આપી હતી. જ્યારે પોલીસ અધિક્ષક નિતેષ પાંડેયે કાયદો અને વ્યવસ્થાની જાળવણી અંગે માહિતી આપી હતી. આ પ્રસંગે ભાવનગરનાં મેયર ઉષાબેન તલરેજા, ડેપ્યુટી મેયર અશોક બારૈયા અને અગ્રણી કુમાર શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ભાવનગરમાં પ્રથમવાર યોજાનારો આ સૂર્યકિરણ એર શો શહેરના નાગરિકો માટે એક યાદગાર અનુભવ બની રહેવાની અપેક્ષા છે. ભારતીય વાયુસેનાનાં 9 વિમાનોના રોમાંચક હવાઈ કરતબો અને ત્રિરંગાની આકર્ષક રચનાઓ આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહેશે.
આ પણ વાંચો: વારાણસીમાં IAFનો ભવ્ય એર શો: મોદી સામે સુખોઈ, રાફેલ અને તેજસનું શક્તિપ્રદર્શન
આ પણ વાંચો: સોમનાથ અમૃતપર્વમાં રચાશે નવો ઈતિહાસ, ભારતીય વાયુસેનાના જવાનો કરશે ભવ્ય એર શો
આ પણ વાંચો: રાજકોટમાં 7 ડિસેમ્બરે યોજાશે એર શો, સૂર્યકિરણની ટીમ ફ્લાય પાસ્ટ કરશે
