Varanasi News : ઉત્તર પ્રદેશના વારાણસીમાં ગંગા નદીના આકાશમાં ભારતીય વાયુસેનાની (Indian Air Force) તાકાત અને આધુનિક યુદ્ધક્ષમતાની ભવ્ય ઝલક જોવા મળી. રવિવારે નમો ઘાટ ખાતે યોજાયેલા ‘વિંગ્સ ઓવર ગંગા’ (Wings Over Ganga) એર શોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સુખોઈ, રાફેલ (Rafale Fighter Jet)અને તેજસ સહિતનાં લડાકુ વિમાનોએ આકાશમાં વિવિધ હવાઈ કરતબો અને યુદ્ધની રણનીતિ આધારિત પ્રદર્શનો રજૂ કરીને દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું.
Indian Air Forceની તાકાતનું પ્રદર્શન
ભારતીય વાયુસેના (Indian Air Force)ના 94મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા આ કાર્યક્રમમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ અને વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

આ એર શોનો મુખ્ય ઉદ્દેશ ભારતીય વાયુસેનાની લડાયક ક્ષમતા, આધુનિક ટેકનોલોજી અને બદલાતા યુદ્ધના માહોલમાં તેની તૈયારી દર્શાવવાનો હતો. કાર્યક્રમમાં ફાઇટર જેટની રચનાઓ, સિમ્યુલેટેડ હવાઈ યુદ્ધ, આધુનિક સેન્સર ટેકનોલોજી અને એરોબેટિક પ્રદર્શનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
100 જેટલાં વિમાનોની ભાગીદારી
આકાશી પ્રદર્શનમાં 12 એરબેઝ સાથે સંકળાયેલાં આશરે 100 વિમાનોએ ભાગ લીધો હતો. સુખોઈ Su-30MKI (Sukhoi Fighter Jet), રાફેલ (Rafale Fighter Jet), જગુઆર, મિરાજ 2000, તેજસ (Tejas Fighter Jet)અને મિગ-29 જેવા લડાકુ વિમાનો ઉપરાંત હેલિકોપ્ટર અને પરિવહન વિમાનો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં.
છ અલગ પ્રકારનાં ફાઇટર જેટની એરોહેડ રચનાએ વિશેષ ધ્યાન ખેંચ્યું હતું. આ રચનામાં વિમાનોની ઝડપ, પાઇલટ્સની કુશળતા અને ચોકસાઈ સાથે એકસાથે ઉડાન ભરવાની ક્ષમતાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભારતીય સેના, વાયુસેના અને નૌકાદળ વચ્ચેના સંકલનને પણ ઉજાગર કરવામાં આવ્યું હતું.
ગંગા ઉપર સિમ્યુલેટેડ હવાઈ યુદ્ધ
એર શો દરમિયાન હવાઈ યુદ્ધની પરિસ્થિતિનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. એક સુખોઈ વિમાને માલવિયા બ્રિજ નજીક હાઈ-સ્પીડ દાવપેચ કરી રહેલાં બે જગુઆર વિમાનોને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રદર્શન દ્વારા સંભવિત હવાઈ ખતરાનો સામનો કરવા માટેની રણનીતિ અને ફાઇટર જેટ વચ્ચેના સંકલનની ઝલક રજૂ કરવામાં આવી હતી.

સુખોઈ વિમાનો દ્વારા હાઈ-સ્પીડ વર્ટિકલ દાવપેચ અને ઇન્ફ્રારેડ ઇમેજિંગ પોડના ઉપયોગનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. આ ટેકનોલોજી આધુનિક હવાઈ કામગીરીમાં દેખરેખ, નિરીક્ષણ અને લક્ષ્ય સંબંધિત માહિતી મેળવવા માટે મહત્ત્વપૂર્ણ છે.
નૌકાદળના P-8I અને એરોબેટિક ટીમનું આકર્ષણ
આ કાર્યક્રમમાં ભારતીય નૌકાદળના P-8I દરિયાઈ દેખરેખ વિમાને પણ ભાગ લીધો હતો. આ વિમાનની ભાગીદારીએ ત્રણેય સશસ્ત્ર દળો વચ્ચેના સંકલન અને સંયુક્ત કામગીરીની ક્ષમતાને ઉજાગર કરી હતી.
એર શોના અંતિમ તબક્કામાં સૂર્ય કિરણ એરોબેટિક ટીમ અને સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમનાં પ્રદર્શનો પણ આકર્ષણનું કેન્દ્ર બનવાનાં હતાં. સૂર્ય કિરણ ટીમની ચોકસાઈભરી રચનાઓ અને સારંગ ટીમના હેલિકોપ્ટર કરતબો દ્વારા ભારતીય વાયુસેનાના પાઇલટ્સની કુશળતા અને તાલીમની ઝલક રજૂ કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમ દ્વારા ભારતીય વાયુસેના (Indian Air Force)ની આધુનિક હવાઈ શક્તિ, ટેકનોલોજી અને સંયુક્ત લશ્કરી કામગીરીની ક્ષમતાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
