Mehsana News/ દુબઈથી ગુજરાત સુધી સાયબર ઠગાઈનું નેટવર્ક! કડી-કલોલમાંથી 6.15 કરોડના શંકાસ્પદ વ્યવહારો સામે આવ્યા

Dubai Cyber Fraud Network: બાવલુ પોલીસની તપાસમાં કડી અને કલોલમાંથી 45 ATM કાર્ડ સહિત બેંકિંગ દસ્તાવેજો મળ્યા. ₹6.15 કરોડના શંકાસ્પદ વ્યવહારો અને 34 સાયબર ફરિયાદોની તપાસમાં દુબઈ કનેક્શન સામે આવ્યું.

Top Stories Gujarat Breaking News
Dubai Cyber Fraud Network: 45 ATM કાર્ડ મળ્યાં, ₹6.15 કરોડના વ્યવહારો

Mehsana News: ગુજરાત સહિત દેશનાં અલગ-અલગ રાજ્યોમાં સાયબર ઠગાઈના નાણાંની હેરાફેરી કરતા શંકાસ્પદ નેટવર્કનો બાવલુ પોલીસે પર્દાફાશ (Dubai Cyber Fraud Network) કર્યો છે. કડીના મેડા આદરજ ગામ પાસેથી એક યુવકને ઝડપી તેની પાસેથી વિવિધ બેંકોનાં 45 ATM કાર્ડ મળી આવ્યાં હતાં. તેની પૂછપરછના આધારે કલોલમાં રહેતા દંપતીના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી મોટી સંખ્યામાં બેંક પાસબુક, ચેકબુક, ATM કાર્ડ, મોબાઇલ ફોન અને સિમકાર્ડ જપ્ત કરાયાં હતાં. પોલીસ તપાસમાં આ નેટવર્ક સાથે સંકળાયેલા બેંક ખાતાઓમાં રૂ. 6.15 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો અને દેશનાં અલગ-અલગ રાજ્યોમાં સાયબર ઠગાઈની (Kadi Cyber Crime) 34 ફરિયાદો સામે આવી છે.

Dubai Cyber Fraud Network: શંકાસ્પદ રીતે સ્કૂટર ચલાવતા યુવકને ઝડપી પાડ્યો

બાવલુ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ 9 જુલાઈ, 2026ના રોજ ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન મેડા આદરજ ગામથી કલોલ તરફ જતા માર્ગ પર એક યુવક એક્સેસ સ્કૂટર પૂરઝડપે ચલાવતો જોવા મળ્યો હતો. પોલીસને જોઈને તે શંકાસ્પદ રીતે ભાગવા લાગતાં પોલીસે તેને કોર્ડન કરીને ઝડપી લીધો હતો.

પૂછપરછમાં યુવકની ઓળખ ઠાકોર વિપુલજી ઉર્ફે ભોણો શંભુજી ગાંડાજી (ઉંમર 22 વર્ષ, મૂળ ઉવારસદ, ગાંધીનગર; હાલ રહે. મેડા આદરજ, કડી) તરીકે થઈ હતી. સ્કૂટરની ડેકીમાંથી વિવિધ બેંકોનાં 45 ATM Cards Seized, એક મોબાઇલ ફોન અને એક સિમકાર્ડ મળી આવ્યાં હતાં. પોલીસે આશરે રૂ. 20 હજારનું સ્કૂટર અને રૂ. 5 હજારનો મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

દુબઈથી મળતી સૂચનાઓ મુજબ થતી હતી નાણાંની હેરાફેરી

પોલીસની પ્રાથમિક તપાસમાં વિપુલજીએ જણાવ્યું હતું કે તેના ગામનો ચંદ્રકાન્ત વિનુભાઈ મકવાણા હાલ દુબઈમાં રહે છે. ચંદ્રકાન્ત તેને ફોન કરીને બેંકિંગ કીટ કલોલમાં રહેતા પાર્થકુમાર દરજી અને તેમની પત્ની ફાલ્ગુનીબેન સુધી પહોંચાડવાનું કહેતો હતો. ત્યારબાદ તેમની પાસેથી ATM કાર્ડ મેળવી ખાતામાંથી નાણાં ઉપાડવા અને અન્ય ખાતાઓમાં જમા કરાવવાની કામગીરી સોંપવામાં આવતી હતી.

તપાસ મુજબ, એક ખાતામાંથી નાણાં ઉપાડીને બીજા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવતાં હતાં. મોટી રકમ એકત્ર થયા બાદ તેને આંગડિયા મારફતે મોકલવામાં આવતી હોવાની વિગતો પણ સામે આવી છે. આ કામગીરી બદલ વિપુલજીને કમિશન મળતું હતું અને તેણે અત્યાર સુધીમાં આશરે રૂ. 15થી 20 લાખની હેરાફેરી કરી હોવાની માહિતી પોલીસ તપાસમાં મળી છે.

કલોલમાં દંપતીના ઘરેથી બેંકિંગ દસ્તાવેજોનો જથ્થો મળ્યો

વિપુલજી પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે કલોલમાં રહેતા પાર્થકુમાર રમેશભાઈ દરજી અને તેમની પત્ની ફાલ્ગુનીબેનના ઘરે દરોડો પાડ્યો હતો. અહીંથી વિવિધ બેંકોની પાસબુકો, ચેકબુકો, ATM કાર્ડ, સિમકાર્ડ અને મોબાઇલ ફોન સહિતનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, દંપતી દુબઈમાં રહેતા ચંદ્રકાન્ત અને તેના ભાઈ જીતુભાઈની સૂચના મુજબ આ કામગીરી કરતું હોવાની શંકા છે. ફાલ્ગુનીબેન મોબાઇલમાં બેંકિંગ એપ્લિકેશન ખોલીને પાસવર્ડના આધારે ઓનલાઈન નાણાકીય વ્યવહારો કરવામાં મદદ કરતાં હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ કામ બદલ તેમને દર મહિને રૂ. 20 હજાર કમિશન મળતું હોવાની વિગતો પણ સામે આવી છે. આ ઉપરાંત થોળના રોબિન નામના શખ્સને પણ કેટલાક મોબાઇલ ફોન સોંપવામાં આવ્યા હોવાની માહિતી મળી છે.

34 સાયબર ઠગાઈની ફરિયાદો સાથે જોડાણ

પોલીસે કબજે કરેલી બેંક પાસબુકો અને અન્ય દસ્તાવેજોના આધારે સંબંધિત ખાતાઓનાં સ્ટેટમેન્ટ મેળવ્યાં હતાં. તેમાં કુલ રૂ. 6,15,61,208ના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો થયાનું સામે (Crore Suspicious Transactions) આવ્યું છે. સરકારી સમન્વય પોર્ટલ પર તપાસ કરતાં આ પૈકીનાં કેટલાંક ખાતાંમાં સાયબર ઠગાઈનાં નાણાં જમા થયાં હોવાની વિગતો મળી હતી.

આ બેંક ખાતાઓ સાથે દેશનાં વિવિધ રાજ્યોમાં નોંધાયેલી સાયબર ઠગાઈની કુલ 34 ઓનલાઈન ફરિયાદો જોડાયેલી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. કેટલાક લોકોનાં બેંક ખાતાં અન્ય શખ્સો દ્વારા ભાડેથી વાપરવા માટે ખોલાવવામાં આવ્યાં હોવાની શંકા છે. જ્યારે કેટલાક ખાતાધારકોએ પોતાના નામે આવા ખાતાં ખોલાવ્યાં જ ન હોવાનું જણાવ્યું હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.

અનેક શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ

આ પ્રકરણમાં વિપુલજી, પાર્થકુમાર દરજી, ફાલ્ગુનીબેન દરજી, દુબઈમાં રહેતા ચંદ્રકાન્ત વિનુભાઈ મકવાણા અને જીતુ મકવાણા ઉપરાંત થોળના રોબિન, રાજકોટના હેમાંગ ગંગદેવ તથા શુભમ નામના શખ્સોની સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.

પોલીસે (Bavlu Police) આ તમામ સામે ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 318(4), 336(2), 336(3), 338, 340(2), 65(2) અને 54 તેમજ માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમની કલમ 66(C) અને 66(D) હેઠળ ગુનો નોંધ્યો છે. દુબઈથી સંચાલિત હોવાની શંકા ધરાવતા આ નેટવર્કનાં અન્ય સભ્યો, બેંક ખાતાઓ અને નાણાંના વ્યવહારો અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો: અમદાવાદમાં ₹1.96 લાખની સાયબર ઠગાઈ,3 આરોપી ઝડપાયા

આ પણ વાંચો: અમદાવાદથી અમેરિકામાં સાયબર ઠગાઈનો ખેલ! 7 સભ્યોની ગેંગ ઝડપાઈ

આ પણ વાંચો: અમદાવાદમાં ક્રેડિટ કાર્ડ રિવોર્ડ પોઇન્ટના નામે ₹1.85 લાખની સાયબર ઠગાઈ, વેપારી બન્યા શિકાર