Georgia Election: અમેરિકાના જ્યોર્જિયા રાજ્યના ફોર્સિથ કાઉન્ટીમાં ભારતીય મૂળનાં શુચિતા પટેલ (Suchita Patel) ડેમોક્રેટિક પાર્ટી તરફથી કાઉન્ટી કમિશનરની ચૂંટણી લડી રહ્યાં (Indian American Candidate) છે. વંશીય ભેદભાવ અને હિંસાના ઇતિહાસ સાથે જોડાયેલા આ વિસ્તારમાં તેમની ઉમેદવારી ચર્ચાનો વિષય બની છે. શુચિતાનું કહેવું છે કે તેઓ સ્થાનિક લોકો માટે વધુ સુરક્ષિત અને સૌને સમાન તક મળે તેવા સમાજના નિર્માણ માટે કામ કરવા માગે છે.
Suchita Patel: કોણ છે શુચિતા પટેલ?
શુચિતા પટેલનો જન્મ અમેરિકાના ડેટ્રોઇટ શહેરમાં થયો હતો. વર્ષ 1993માં તેઓ નોર્થ જ્યોર્જિયા આવ્યા હતા અને ત્યારથી ત્યાં જ સ્થાયી થયા છે. તેમણે ત્યાં જ અભ્યાસ કર્યો, પોતાની કારકિર્દી બનાવી અને પરિવાર સાથે જીવન વિતાવ્યું છે. તેમના માતા-પિતા ભારતીય મૂળનાં છે અને શુચિતાને ત્રણ બાળકો છે.
પોતાના વિસ્તાર સાથેના સંબંધ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે આ વિસ્તાર તેમના માટે માત્ર ચૂંટણી પ્રચારનું સ્થળ નથી, પરંતુ તેમનું ઘર છે.
ફાઇનાન્સ ક્ષેત્રમાં 15 વર્ષનો અનુભવ
શુચિતા પટેલને ફાઇનાન્સ ક્ષેત્રમાં આશરે 15 વર્ષનો અનુભવ છે. તેમણે ફાઇનાન્શિયલ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ (FP&A), કંટ્રોલરશિપ અને કમ્પ્લાયન્સ જેવા ક્ષેત્રોમાં કામ કર્યું છે. આંતરરાષ્ટ્રીય કન્સલ્ટિંગ કંપનીઓથી લઈને સ્થાનિક વ્યવસાયો સુધીની સંસ્થાઓ સાથે કામ કરવાનો તેમને અનુભવ છે.
તેમના મતે, નાણાકીય વ્યવસ્થાપનનું જ્ઞાન જાહેર નાણાંના યોગ્ય ઉપયોગ અને જવાબદારી નક્કી કરવામાં મદદરૂપ બની શકે છે. તેઓ જાહેર રોકાણમાં પારદર્શિતા અને જવાબદારીને મહત્ત્વ આપે છે.
સમાજ માટે કંઈક કરવાની પ્રેરણા
શુચિતા પટેલે જણાવ્યું હતું કે તેમના માતા-પિતાએ તેમને શીખવ્યું છે કે અન્ય લોકોને સાથે લઈને આગળ વધવામાં જ સફળતાનું સાચું મહત્ત્વ છે. તેઓ માતા, પાડોશી અને હવે ચૂંટણીના ઉમેદવાર તરીકે પણ આ વિચારધારાને અનુસરવા માગે છે.
તેમની ચૂંટણીનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક સમુદાયના લોકો માટે સુરક્ષિત વાતાવરણ ઊભું કરવો, ભારતીય મૂળના લોકો સહિત વિવિધ સમુદાયોના હિતોનું રક્ષણ કરવું અને બાળકોના ભવિષ્ય માટે વધુ સારી તકો ઊભી કરવાનો છે.
ફોર્સિથ કાઉન્ટીનો વંશીય ભેદભાવનો ઇતિહાસ
જ્યોર્જિયાનું ફોર્સિથ કાઉન્ટી ભૂતકાળમાં વંશીય હિંસા અને ભેદભાવની ઘટનાઓને કારણે ચર્ચામાં રહ્યું છે. વર્ષ 1912માં અહીં અશ્વેત સમુદાયના લોકો સામે હિંસક ઘટનાઓ બની હતી અને મોટી સંખ્યામાં લોકોને વિસ્તાર છોડવાની ફરજ પડી હતી. ત્યારબાદ લાંબા સમય સુધી આ વિસ્તારની વસ્તીમાં અશ્વેત લોકોની હાજરી અત્યંત ઓછી રહી હતી.
આવા ઐતિહાસિક સંદર્ભ ધરાવતા વિસ્તારમાં શુચિતા પટેલની ઉમેદવારી સ્થાનિક રાજકારણમાં વિવિધ સમુદાયોના પ્રતિનિધિત્વ અને સમાનતાને લઈને ચર્ચા ઊભી કરે છે.
સ્થાનિક ચૂંટણીમાં પડકાર
કાઉન્ટી કમિશનરની ચૂંટણી (County Commissioner Election)માં શુચિતા પટેલનો મુકાબલો લાંબા સમયથી રાજકીય પ્રભાવ ધરાવતા રિપબ્લિકન ઉમેદવાર સામે હોવાનું અહેવાલમાં જણાવાયું છે. શુચિતાનું લક્ષ્ય સ્થાનિક લોકોમાં રહેલા ભયને દૂર કરીને સુરક્ષા, પારદર્શિતા અને સમાન તકો જેવા મુદ્દાઓને આગળ લાવવાનું છે.
તેમની ઉમેદવારી ભારતીય મૂળના અમેરિકન નાગરિકોના સ્થાનિક રાજકારણમાં પ્રતિનિધિત્વના સંદર્ભમાં પણ ધ્યાન ખેંચી રહી છે.
આ પણ વાંચો: વિધાનસભા ચૂંટણી પહેલા કમલમમાં ભાજપની બેઠક, પ્રભારી તરુણ ચુગ ફરી ગુજરાત આવશે
આ પણ વાંચો: સાબર ડેરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે 6 નવેમ્બરે યોજાશે ચૂંટણી
આ પણ વાંચો: વિધાનસભા ચૂંટણી પહેલા AAPને મોટો ઝટકો, બે ધારાસભ્યોએ આપ્યું રાજીનામું
