Ahmedabad News: અમદાવાદના થલતેજ (Thaltej) વિસ્તારમાં આવેલા મેગ્નેટ કોર્પોરેટ હાઉસ (મેગ્નેટ ફ્લોરા)ના બીજા માળે અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં અફરાતફરી સર્જાઈ હતી. ધુમાડાથી ગભરાયેલા 2 કર્મચારીઓ જીવ બચાવવા નીચે કૂદી પડ્યા હતા, જ્યારે અંદર ફસાયેલા 3 લોકોને ફાયર વિભાગે સીડીની મદદથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
અમદાવાદના થલતેજ (Thaltej) આગ
કોર્પોરેટ હાઉસ (Magnet Corporate House)માં કર્મચારીઓ સામાન્ય દિવસની જેમ કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક બીજા માળે આગ લાગી હતી. જોતજોતામાં ધુમાડો સમગ્ર ફ્લોર પર ફેલાઈ જતાં કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. કેટલાક લોકો બહાર નીકળવામાં સફળ રહ્યા હતા, જ્યારે અન્ય કર્મચારીઓ અંદર ફસાઈ ગયા હતા.
ધુમાડાથી ગભરાયેલા 2 કર્મચારીઓએ લગાવી છલાંગ
બીજા માળેથી કાળા ધુમાડા નીકળતાં અંદર કામ કરતા કર્મચારીઓનો શ્વાસ રુંધાવા લાગ્યો હતો. બહાર નીકળવાનો રસ્તો ધુમાડાથી ઘેરાઈ જતાં 2 કર્મચારીઓએ જીવ બચાવવા બારીમાંથી નીચે કૂદકો માર્યો હતો. નીચે હાજર લોકોએ તેમને ઝીલવાનો પ્રયાસ કર્યો હતો અને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે ખસેડ્યા હતા.
ફાયર વિભાગે 3 લોકોનું સીડીની મદદથી રેસ્ક્યૂ કર્યું
સ્થાનિકો અને સુરક્ષાકર્મીઓએ તુરંત ફાયર કંટ્રોલરૂમને જાણ કરતાં નજીકના ફાયર સ્ટેશનથી ફાયર ફાઈટરો અને રેસ્ક્યૂ વાન ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર જવાનોએ એક તરફ આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી, તો બીજી તરફ સીડી લગાવી બિલ્ડિંગમાં ફસાયેલા 3 લોકોને સુરક્ષિત બહાર(Fire Brigade Rescue) કાઢ્યા હતા. ફાયર ટીમની સમયસૂચકતાથી મોટી જાનહાનિ ટળી હતી.
આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન
પ્રાથમિક તપાસમાં આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ પણ વાંચો:સુરતના ખજોદ ડમ્પિંગ સાઇટ પર ફરી ભીષણ આગ, હોટફિક્સના જથ્થામાં ભભૂકી આગ
આ પણ વાંચો:સુરતના મોટા વરાછામાં આખી રાત આગનો તાંડવ! 5 ફાયર જવાનો ઈજાગ્રસ્ત, 3 લાખ લિટર પાણીનો ઉપયોગ
આ પણ વાંચો:વડોદરામાં ત્રણ માળના મકાનમાં આગ, બાથરૂમમાં ફસાયેલી યુવતીનું રેસ્ક્યૂ
