World News/ ટ્રમ્પનો નવો બોલરૂમમાં અભેદ્ય સુરક્ષા: ડ્રોન, મિસાઇલ અને ગોળીઓની પણ નહીં થાય અસર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં એક ભવ્ય અને અત્યાધુનિક બોલરૂમ (White House Ballroom)તૈયાર કરાવી રહ્યા છે

World
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં એક ભવ્ય અને અત્યાધુનિક બોલરૂમ (White House Ballroom)તૈયાર કરાવી રહ્યા છે

World News : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં એક ભવ્ય અને અત્યાધુનિક બોલરૂમ (White House Ballroom)તૈયાર કરાવી રહ્યા છે. આ બોલરૂમ માત્ર ભવ્ય સમારંભો અને ડિનર પાર્ટીઓ માટે જ નહીં, પરંતુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના મહાનુભાવોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પણ બનાવવામાં આવી રહ્યો છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે આ નવું બાંધકામ ડ્રોન, મિસાઇલ અને ગોળીઓના હુમલાનો સામનો કરી શકે તેવી સુરક્ષા વ્યવસ્થા (Missile Proof Security)થી સજ્જ હશે. એટલું જ નહીં, તેની છત પર 100થી વધુ ડ્રોન રાખી શકાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.

ટ્રમ્પે ગયા બુધવારે બાંધકામ સ્થળની મુલાકાત દરમિયાન આ પ્રોજેક્ટની વિશેષતાઓ અંગે માહિતી આપી હતી. આ પ્રસંગે ઇમારતના સ્ટીલ માળખામાં અંતિમ બીમ સ્થાપિત કરવામાં આવી હતી. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, બોલરૂમનું બાંધકામ નિર્ધારિત સમય કરતાં ઝડપથી આગળ વધી રહ્યું છે અને બજેટ કરતાં ઓછા ખર્ચે પૂર્ણ થવાની શક્યતા છે.

ડ્રોન અને મિસાઇલ હુમલાથી સુરક્ષિત હશે નવો બોલરૂમ

ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump)નવા બોલરૂમની સુરક્ષા અંગે વાત કરતાં તેને ડ્રોન-પ્રૂફ (Drone Proof Ballroom), મિસાઇલ-પ્રૂફ (Missile Proof Security) અને બુલેટપ્રૂફ ગણાવ્યો હતો. તેમના જણાવ્યા અનુસાર, ઇમારતની છત, દિવાલો અને બારીઓને સંભવિત હુમલાઓનો સામનો કરી શકે તે રીતે તૈયાર કરવામાં આવી રહી છે.

ટ્રમ્પે દાવો કર્યો હતો કે આ બોલરૂમમાં એકસાથે 2,000થી 2,500 મહેમાનો માટે ડિનર પાર્ટીનું આયોજન કરી શકાશે. અહીં વિવિધ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો, વડાપ્રધાનો અને અન્ય મહત્ત્વના આંતરરાષ્ટ્રીય મહેમાનોની યજમાની પણ કરી શકાશે.

White House Ballroom : છત પર બનશે 100થી વધુ ડ્રોન રાખવાની વ્યવસ્થા

આ નવા પ્રોજેક્ટની સૌથી ચર્ચાસ્પદ વિશેષતા તેની વિશાળ અને મજબૂત છત છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, છત પર ડ્રોન પોર્ટ બનાવવામાં આવશે, જ્યાં 100થી વધુ ડ્રોન રાખી શકાશે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે છત એટલી મજબૂત બનાવવામાં આવી રહી છે કે તેના પર હેલિકોપ્ટર પણ ઉતારી શકાય છે.

ટ્રમ્પે બાંધકામના ભૂગર્ભ ભાગનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ જમીનથી પાંચ સ્તર નીચે સુધી વિસ્તરેલો છે. આ દરમિયાન અમેરિકન સૈન્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પણ કેટલીક વિશેષ સુરક્ષા સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટ્રમ્પના શબ્દોમાં, સૈન્ય લાંબા સમયથી જે સુવિધાઓ ઇચ્છતું હતું તે તમામ બાબતોને આ પ્રોજેક્ટમાં સામેલ કરવામાં આવી છે.

માર્બલ ફ્લોરિંગ અને કોરીન્થિયન પિલરથી સજશે ઇમારત

સુરક્ષા ઉપરાંત નવા બોલરૂમને ભવ્ય સ્થાપત્ય શૈલીમાં તૈયાર કરવામાં આવી રહ્યો છે. ઇમારતના બાહ્ય ભાગમાં કોરીન્થિયન શૈલીના ચૂનાના પથ્થરના ઊંચા સ્તંભો લગાવવામાં આવી રહ્યા છે. જ્યારે અંદરના ભાગમાં માર્બલ ફ્લોરિંગ અને વિશાળ અરીસાઓ હશે.

ટ્રમ્પના જણાવ્યા અનુસાર, બોલરૂમને વ્હાઇટ હાઉસના હાલના ભાગો સાથે જોડવા માટે કાચનો વિશાળ કોરિડોર બનાવવામાં આવશે. રસોડું મુખ્ય ફ્લોરની નીચે રાખવામાં આવશે, જેથી મહેમાનો માટે વધુ જગ્યા મળી રહે અને ઇમારતની સુંદરતા તથા બહારનાં દૃશ્યો પર અસર ન થાય.

આખરે વ્હાઇટ હાઉસમાં નવા બોલરૂમની જરૂર કેમ પડી?

ટ્રમ્પે નવા બોલરૂમના નિર્માણ પાછળનું કારણ સમજાવતાં કહ્યું હતું કે વ્હાઇટ હાઉસમાં હાલ ઉપલબ્ધ રિસેપ્શન અને કાર્યક્રમોની જગ્યાઓ મોટા રાજકીય તથા રાજકીય મહેમાનોના કાર્યક્રમો માટે પૂરતી નથી. તેમણે બ્રિટનના રાજા ચાર્લ્સની મુલાકાતનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે તે સમયે મોટી સંખ્યામાં મહેમાનોની યજમાની કરવામાં મુશ્કેલી પડી હતી.

આ જ કારણસર વધુ ક્ષમતા ધરાવતો અને આધુનિક સુવિધાઓથી સજ્જ બોલરૂમ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, આ પ્રોજેક્ટની સુરક્ષા અને બાંધકામ અંગે ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) કરેલા દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ થવી હજુ બાકી છે.


આ પણ વાંચો: ભારે વિરોધ વચ્ચે પણ ટ્રમ્પે જેમને આપ્યું હતું મોટું પદ, તે ભારતીય ટેક એક્સપર્ટે વ્હાઇટ હાઉસ છોડ્યું

આ પણ વાંચો: વ્હાઇટ હાઉસના અહેવાલમાં ગુજરાત સહિત ભારતીય ઔદ્યોગિક હબનો ઉલ્લેખ, ચીનના માલની ટ્રાન્સશિપમેન્ટને લઈને અમેરિકાની ચિંતા

આ પણ વાંચો: અમેરિકામાં વ્હાઇટ હાઉસ નજીક ગોળીબાર, શંકાસ્પદે પોલીસ અધિકારીઓ પર ગોળીબાર કર્યો