Business News: અમેરિકા-ચીન વચ્ચે ચાલી રહેલા વેપાર અને ટેરિફ વિવાદની વચ્ચે ભારતના ઔદ્યોગિક કેન્દ્રોનો ઉલ્લેખ અમેરિકાના એક અહેવાલમાં થતાં ચર્ચા તેજ બની છે. વ્હાઇટ હાઉસના ‘The Great Transshipment Scam: Rise, Scope, and Costs’ નામના અહેવાલમાં પુણે, ગુજરાત અને ચેન્નઈ જેવા ભારતીય ઔદ્યોગિક હબનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહેવાલમાં ચીનમાંથી ત્રીજા દેશ મારફતે અમેરિકામાં માલ પહોંચાડીને ઊંચા ટેરિફથી બચવાના સંભવિત પ્રયાસોને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
‘Ugly Sister Cities’ શબ્દપ્રયોગથી ચર્ચા
અહેવાલમાં પુણે, ગુજરાત (gujarat)અને ચેન્નઈ (chennai)ની તુલના અમેરિકાના સિનસિનાટી, ડેટન અને કોલંબસ જેવા ઔદ્યોગિક શહેરો સાથે કરવામાં આવી છે. અહીં ‘Ugly Sister Cities’ શબ્દપ્રયોગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેનો સંદર્ભ સમાન પ્રકારના ઉત્પાદનો બનાવતા ઔદ્યોગિક કેન્દ્રો વચ્ચેની અસમાન વેપાર સ્પર્ધા તરફ છે. અહેવાલ મુજબ, પંપ, કોમ્પ્રેસર અને અન્ય ઔદ્યોગિક ઉત્પાદનોના ક્ષેત્રમાં જો ચીનમાં બનેલો માલ ત્રીજા દેશમાં મોકલીને ત્યાંથી અમેરિકામાં નિકાસ કરવામાં આવે અને તેના મૂળ દેશને છુપાવીને ઓછો ટેરિફ ચૂકવવામાં આવે, તો અમેરિકાના સ્થાનિક ઉત્પાદકોને ભાવની દૃષ્ટિએ નુકસાન થઈ શકે છે.
શું છે ‘ટેરિફ આર્બિટ્રેજ’?
અમેરિકા (America)દ્વારા ચીનમાંથી આયાત થતા અનેક ઉત્પાદનો પર ઊંચા ટેરિફ લાદવામાં આવ્યા છે. આ સ્થિતિમાં ચીનમાં બનેલો માલ સીધો અમેરિકામાં મોકલવાને બદલે ત્રીજા દેશમાં મોકલવામાં આવે છે. ત્યારબાદ ત્યાં રિપેકેજિંગ, રિલેબલિંગ અથવા અન્ય પ્રક્રિયા કરીને તેને અમેરિકામાં નિકાસ કરવામાં આવે છે.
અમેરિકાની ચિંતા ખાસ કરીને એવા કિસ્સાઓને લઈને છે જેમાં માત્ર કાગળ પર માલનું મૂળ બદલવામાં આવે અથવા ન્યૂનતમ પ્રક્રિયા કરીને તેને ત્રીજા દેશનું ઉત્પાદન દર્શાવવામાં આવે. આવી પ્રવૃત્તિને ટેરિફ આર્બિટ્રેજ અથવા ટ્રાન્સશિપમેન્ટ તરીકે જોવામાં આવે છે.
ભારતને સીધો આરોપી ગણાવવામાં આવ્યો નથી
મહત્વની વાત એ છે કે અહેવાલમાં ભારતને ચીનના માલની ગેરકાયદેસર ટ્રાન્સશિપમેન્ટ (Illegal transshipment)માટે સીધો દોષિત ઠેરવવામાં આવ્યું નથી. ભારત ઉપરાંત કેનેડા, જાપાન, મેક્સિકો, દક્ષિણ કોરિયા અને યુરોપિયન યુનિયન જેવા મોટા વેપારી ભાગીદારોનો પણ સંભવિત જોખમ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમેરિકાના દૃષ્ટિકોણથી આ દેશો પાસે મોટો ઉત્પાદન આધાર છે અને ચીન સાથે તેમનો વેપાર પણ નોંધપાત્ર છે. આ ઉપરાંત તેઓ અમેરિકામાં મોટા પ્રમાણમાં નિકાસ કરે છે, જેના કારણે સપ્લાય ચેઈન મારફતે ચીનના માલના પ્રવાહ પર નજર રાખવાની જરૂરિયાત અમેરિકાએ દર્શાવી છે.
2025માં અબજો ડોલરના માલ અંગે આશંકા
અહેવાલમાં આપવામાં આવેલા અંદાજ મુજબ, 2025 દરમિયાન ચીન (China)માંથી મેક્સિકો, ભારત અને વિયેતનામ મારફતે આશરે 67 અબજ ડોલરનો માલ અમેરિકામાં પહોંચ્યો હોવાની શક્યતા દર્શાવવામાં આવી છે. વ્હાઇટ હાઉસના વિશ્લેષણ પ્રમાણે સંભવિત ટ્રાન્સશિપમેન્ટનું વાર્ષિક મૂલ્ય આશરે 40 અબજથી 303 અબજ ડોલર વચ્ચે હોઈ શકે છે, જ્યારે તેનો કેન્દ્રીય અંદાજ લગભગ 75 અબજ ડોલર દર્શાવવામાં આવ્યો છે. અમેરિકાના મતે આવી પ્રવૃત્તિથી ટેરિફ આવકમાં નુકસાન થઈ શકે છે અને આશરે 4.5 લાખ અમેરિકન નોકરીઓ જોખમમાં મુકાઈ શકે છે.
ચીનના પાર્ટ્સનો ઉપયોગ એટલે ઉત્પાદન ચીનનું નહીં
ભારતીય ઉદ્યોગો માટે અહીં એક મહત્વપૂર્ણ તફાવત છે. કોઈ ભારતીય કંપની ચીનમાંથી સ્ટીલ, મોટર, ઇલેક્ટ્રોનિક્સ અથવા અન્ય કાચો માલ અને પાર્ટ્સ આયાત કરીને ભારતમાં નોંધપાત્ર ઉત્પાદન, પ્રોસેસિંગ અને એસેમ્બલિંગ કરે છે, તો માત્ર ચીની પાર્ટ્સનો ઉપયોગ થવાથી સમગ્ર ઉત્પાદન ચીનનું બની જતું નથી. અમેરિકાની મુખ્ય ચિંતા એવા કિસ્સાઓ સામે છે જ્યાં ચીનમાં તૈયાર થયેલા માલને માત્ર વેરહાઉસિંગ, રિપેકેજિંગ અથવા રિલેબલિંગ કરીને તેને અન્ય દેશનું ઉત્પાદન દર્શાવીને અમેરિકામાં મોકલવામાં આવે.
‘Made in India’ સાથે સપ્લાય ચેઈનનો પુરાવો પણ જરૂરી
આ અહેવાલ બાદ ભારતીય નિકાસકારો માટે સપ્લાય ચેઈનના દસ્તાવેજો વધુ મહત્વના બની શકે છે. માત્ર ‘Made in India’નું લેબલ પૂરતું ન રહે અને અમેરિકન કસ્ટમ્સ દ્વારા માલના મૂળ, ઉત્પાદન પ્રક્રિયા, ઉપયોગમાં લેવાયેલા પાર્ટ્સ તથા ભારતમાં થયેલી વેલ્યુ એડિશન અંગે વધુ તપાસ થઈ શકે છે. કંપનીઓએ કાચા માલ અને પાર્ટ્સ ક્યાંથી આવ્યા, ભારતમાં ઉત્પાદનની પ્રક્રિયા શું હતી અને ઉત્પાદનમાં કેટલું વેલ્યુ એડિશન થયું તેના યોગ્ય દસ્તાવેજો જાળવવા પડશે.
AI આધારિત તપાસથી નિકાસકારો પર નજર વધશે
અમેરિકા ચીન સાથે જોડાયેલી સંભવિત ટ્રાન્સશિપમેન્ટ પ્રવૃત્તિઓ શોધવા માટે ટેક્નોલોજી અને ડેટા આધારિત તપાસનો ઉપયોગ વધારી રહ્યું છે. શિપિંગ રૂટ, ફેક્ટરીની ઉત્પાદન ક્ષમતા, કંપનીઓ વચ્ચેના સંબંધો અને વેપારના દસ્તાવેજો જેવા પરિબળોની તપાસ કરીને શંકાસ્પદ વેપાર પ્રવાહ ઓળખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ભારત માટે પડકાર પણ અને તક પણ
ભારત વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ (Global Manufacturing)માં ચીનનો વિકલ્પ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આવી સ્થિતિમાં અમેરિકાના અહેવાલમાં ભારતીય ઔદ્યોગિક કેન્દ્રોનો ઉલ્લેખ એક તરફ ભારતીય નિકાસકારો માટે ચેતવણી સમાન છે, તો બીજી તરફ ભારતની વધતી વૈશ્વિક ઉત્પાદન ભૂમિકાનું પ્રતિબિંબ પણ છે. ભારતીય ઉદ્યોગોએ અમેરિકન બજારમાં નિકાસ વધારવી હોય તો ઉત્પાદન પ્રક્રિયા, કાચા માલના સ્ત્રોત અને સપ્લાય ચેઈન અંગે પારદર્શિતા જાળવવી પડશે. ભારત ખરેખર વૈકલ્પિક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉભરી શકે અને માત્ર ચીનના માલ માટે ત્રીજા દેશ તરીકે ઉપયોગ ન થાય, તે અમેરિકાની ચિંતાનો મુખ્ય મુદ્દો હોવાનું અહેવાલ પરથી જણાય છે.
આ પણ વાંચો: ખારાઘોડામાં 21 ઇંચ વરસાદે ધોઈ નાખ્યું 20% મીઠું, વેપારીઓને મોટું નુકસાન
આ પણ વાંચો: એનાલોગ પનીર પર સરકારનો સખત પ્રહાર, વડોદરામાં સઘન ચેકિંગ તો રાજકોટમાં વેપારીનો ખુલાસો
આ પણ વાંચો: ખેડાના વસોમાં 17 ઇંચ વરસાદથી જળબંબાકાર, દુકાનોમાં પાણી ઘૂસતા વેપારીઓને લાખોનું નુકસાન
