Gujarat News/ ગુજરાતના હવે નાના ઉદ્યોગકારોને પણ મળશે વિદેશમાં વેપારની તક: GEPC કરશે માર્ગદર્શન

ગુજરાત સરકારે નિકાસ વધારવા GEPCની સ્થાપનાને મંજૂરી (Gujarat Export Promotion Council) આપી. દરેક જિલ્લા માટે એક્સપોર્ટ પ્લાન, MSME અને સ્ટાર્ટઅપ્સને તાલીમ, ફાઇનાન્સ અને વૈશ્વિક માર્કેટિંગમાં સહયોગ મળશે.

Top Stories Gujarat Breaking News
Gujarat Export Promotion Council: ગુજરાતના ઉત્પાદનો હવે વિદેશમાં વેચાશે!

Gujarat News: ગુજરાતમાં ઉત્પાદિત થતી ચીજવસ્તુઓને આંતરરાષ્ટ્રીય બજારમાં નવી ઓળખ (Gujarat Export Promotion Council) અપાવવા અને નિકાસ વધારવા રાજ્ય સરકારે મહત્વનું પગલું ભર્યું છે. નાના ઉદ્યોગો (MSME) અને સ્ટાર્ટઅપ્સને વિદેશી બજાર સુધી પહોંચવામાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે ‘ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ’ (GEPC Gujarat)ની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી છે. આ સંસ્થા નિકાસકારોને માર્ગદર્શન, માર્કેટિંગ, નાણાકીય સહયોગ, ટેક્નિકલ મદદ અને લોજિસ્ટિક્સ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ થશે.

ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળ વિશેષ હેતુવાળી સંસ્થા (SPV) તરીકે GEPCની રચના કરવામાં આવશે. અત્યાર સુધી અલગ-અલગ વિભાગો અને સંસ્થાઓ દ્વારા થતી નિકાસલક્ષી કામગીરીને એક જ પ્લેટફોર્મ પર લાવવાનો આ યોજનાનો હેતુ છે.

Gujarat Export Promotion Council: દરેક જિલ્લા માટે અલગ એક્સપોર્ટ પ્લાન તૈયાર થશે

રાજ્યના દરેક જિલ્લામાં કઈ વસ્તુનું ઉત્પાદન વધુ થાય છે, તેની વિદેશમાં કેટલી માંગ છે અને કયા દેશોમાં તેના માટે બજાર ઉપલબ્ધ છે તેનું વિશ્લેષણ કરવામાં આવશે. આ માટે જિલ્લાવાર એક્સપોર્ટ પ્રમોશન પ્લાન તૈયાર કરાશે. સ્થાનિક ઉત્પાદકોને આંતરરાષ્ટ્રીય ખરીદદારો સાથે જોડવા માટે પણ પ્રયાસ કરવામાં આવશે.

આ કામગીરીના સંકલન અને દેખરેખ માટે જિલ્લા એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (DEPC)ની મદદ લેવામાં આવશે. આ વ્યવસ્થાથી નિકાસની તકો માત્ર મોટા ઔદ્યોગિક શહેરો પૂરતી મર્યાદિત ન રહે અને નાના શહેરો તથા જિલ્લાઓના ઉત્પાદકોને પણ વિદેશી બજાર સુધી પહોંચવાની તક મળે તેવો પ્રયાસ છે.

MSME અને સ્ટાર્ટઅપ્સને નિકાસ માટે તાલીમ અને માર્ગદર્શન

નાના ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ્સને વિદેશમાં વેપાર શરૂ કરવા માટે કયા દસ્તાવેજો, પ્રમાણપત્રો અને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનાં ધોરણો જરૂરી છે તેની માહિતી GEPC દ્વારા આપવામાં આવશે. આ ઉપરાંત તાલીમ કાર્યક્રમો, વર્કશોપ, સેમિનાર અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમો યોજાશે.

ઉદ્યોગકારોને દેશ-વિદેશના વેપાર મેળા અને માર્કેટિંગ કાર્યક્રમોમાં ભાગ લેવાની તક મળે તે માટે પણ સહયોગ અપાશે. બિઝનેસ કન્સલ્ટન્સી, મેન્ટરિંગ અને હેન્ડહોલ્ડિંગ દ્વારા નાના ઉદ્યોગોને નિકાસ માટે તૈયાર કરવામાં આવશે.

ગુણવત્તા ચકાસણીથી લઈને પેમેન્ટ સુધી સહયોગ

વિદેશમાં માલ મોકલવા માટે જરૂરી ટેસ્ટિંગ, આંતરરાષ્ટ્રીય સર્ટિફિકેશન, ટ્રેડ ફાઇનાન્સ, વીમો અને સપ્લાય ચેઇન સંબંધિત સુવિધાઓ મેળવવામાં નિકાસકારોને માર્ગદર્શન (Gujarat export promotion) આપવામાં આવશે. માલની નિકાસ પહેલાં અને નિકાસ બાદ જરૂરી નાણાકીય સહાય મેળવવા માટે પણ મદદ કરવામાં આવશે.

આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારની માંગનું વિશ્લેષણ, ટ્રેડ એનાલિટિક્સ, પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને બ્રાન્ડિંગ પર ધ્યાન કેન્દ્રિત કરાશે. તેનો હેતુ ગુજરાતના ઉત્પાદનોને વૈશ્વિક બજારની જરૂરિયાત પ્રમાણે તૈયાર કરવાનો છે.

‘મેડ ઇન ગુજરાત’ બ્રાન્ડને વૈશ્વિક ઓળખ અપાશે

ગુજરાતનાં સ્થાનિક ઉત્પાદનોને વિદેશી ગ્રાહકોમાં ઓળખ અપાવવા માટે ખાસ બ્રાન્ડિંગ અને માર્કેટિંગ અભિયાન હાથ ધરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય વેપાર ભાગીદારી વિકસાવવા અને વિદેશી ખરીદદારો સુધી ગુજરાતનાં ઉત્પાદનો પહોંચાડવા પ્રયાસ કરાશે.

બીજી તરફ, ગુજરાત જે ઉત્પાદનો માટે અન્ય દેશો પર નિર્ભર છે તેવાં ક્ષેત્રો પણ ઓળખવામાં આવશે. આ ક્ષેત્રોમાં સ્થાનિક ઉત્પાદન વધારીને આયાતના વિકલ્પો ઊભા કરવા ઉત્પાદકોને ટેક્નિકલ, નાણાકીય અને સલાહકારી સહયોગ આપવાની યોજના છે.

AI અને બ્લોકચેઇન જેવી ટેક્નોલોજીનો ઉપયોગ વધશે

નિકાસની પ્રક્રિયાને આધુનિક બનાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), બ્લોકચેઇન, ડિજિટાઇઝેશન અને ઇન્ડસ્ટ્રી 4.0 જેવી ટેક્નોલોજીનો ઉપયોગ વધારવા પર ભાર મૂકવામાં આવશે. સાથે જ પર્યાવરણને અનુકૂળ ઉત્પાદન અને ગ્રીન ટેક્નોલોજીને પ્રોત્સાહન અપાશે.

વિદેશમાં પેટન્ટ, ટ્રેડમાર્ક અને કૉપિરાઇટ મેળવવા ઉપરાંત આંતરરાષ્ટ્રીય વેપાર વિવાદો, કાનૂની પ્રશ્નો અને નોન-ટેરિફ બેરિયર્સનો સામનો કરવામાં પણ નિકાસકારોને મદદ કરવામાં આવશે.

મુખ્ય સચિવ બોર્ડના અધ્યક્ષ રહેશે

GEPCના સંચાલન માટે બોર્ડની રચના કરવામાં આવશે. મુખ્ય સચિવ બોર્ડના અધ્યક્ષ રહેશે, જ્યારે ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ, અગ્ર સચિવ અથવા સચિવ ઉપાધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળશે. ઉદ્યોગ કમિશનર મેનેજિંગ ડિરેક્ટર (MD) રહેશે.

બોર્ડમાં બંદરો અને વાહનવ્યવહાર, કુટિર અને ગ્રામોદ્યોગ, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના પ્રતિનિધિઓનો સમાવેશ થશે. આ ઉપરાંત MSME કમિશનર, GIDC, iNDEXTb, ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ અને નાણાં વિભાગના પ્રતિનિધિઓ પણ તેમાં સામેલ રહેશે.

આમ, GEPCની રચના દ્વારા ગુજરાતના નાના ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ (Gujarat startups export) અને જિલ્લા સ્તરના ઉત્પાદકોને આંતરરાષ્ટ્રીય બજાર સુધી પહોંચવા માટે એક સંકલિત વ્યવસ્થા ઊભી કરવાનો સરકારનો પ્રયાસ છે. હવે આ યોજનાનો વાસ્તવિક લાભ કેટલા ઉદ્યોગકારો સુધી પહોંચે છે અને રાજ્યની નિકાસમાં કેટલો વધારો થાય છે તે તેના અમલીકરણ પર નિર્ભર રહેશે.


આ પણ વાંચો: ટ્રમ્પના ‘ટેરિફ ટેરર’ અને આંતરરાષ્ટ્રીય તણાવથી શેરબજાર ધડાકાભેર તૂટ્યું: સેન્સેક્સ 715 પોઈન્ટ ગબડ્યો

આ પણ વાંચો: ટ્રમ્પની હાર અને ક્રૂડ ઓઈલમાં કડાકો, શેરબજારમાં તેજી; સેન્સેક્સ 1650 પોઈન્ટ ઉછળ્યો

આ પણ વાંચો: ગુજરાતનાં શહેરોમાં પાણી-ગટરની સુવિધા માટે કરોડોનો ખર્ચ, 23.87 લાખ લોકોને પાણી યોજનાનો લાભ