Ahmedabad News: અમદાવાદના બોપલ અને ઘુમા વિસ્તારમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટું આયોજન (Bopal Ghuma Drainage Project) કરવામાં આવ્યું છે. આશરે ₹58.05 કરોડના ખર્ચે વિસ્તારમાં 43.5 કિલોમીટર લાંબી વરસાદી પાણીના નિકાલની લાઇન નાખવાની દરખાસ્ત વોટર સપ્લાય કમિટીમાં મંજૂર કરવામાં આવી છે. આગામી બે વર્ષમાં આ કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે. પ્રોજેક્ટ પૂરો થયા બાદ બોપલ અને ઘુમાના એક લાખથી વધુ નાગરિકોને પાણી ભરાવાની સમસ્યામાંથી રાહત મળવાની અપેક્ષા છે.
Bopal Ghuma Drainage Project: અમિત શાહની સૂચના બાદ તંત્રએ કાર્યવાહી હાથ ધરી
ગત ચોમાસામાં બોપલ-ઘુમા વિસ્તારમાં ભારે વરસાદને (Bopal Ghuma Waterlogging) કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયાં હતાં. કેટલીક જગ્યાએ બે દિવસ સુધી વરસાદી પાણીનો નિકાલ (Rainwater Drainage) ન થતાં સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ સમસ્યાના ઉકેલ માટે ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી અમિત શાહે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને સૂચના આપી હતી.
ત્યારબાદ વરસાદી પાણીના નિકાલ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. હવે આ પ્રોજેક્ટમાં બે કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્તને વોટર સપ્લાય કમિટીમાં મંજૂરી આપવામાં આવી છે. પ્રોજેક્ટ હેઠળ 300 મિમીથી લઈને 2400 મિમી વ્યાસ સુધીની કુલ 43.5 કિમી પાઇપલાઇન નાખવામાં આવશે.
તળાવોનું ઇન્ટરલિંકિંગ અને પમ્પિંગ સ્ટેશન બનશે
વોટર સપ્લાય કમિટીના ચેરમેન ધરમશી દેસાઈના જણાવ્યા મુજબ, બોપલ અને ઘુમા તળાવ સહિત આસપાસની સોસાયટીઓમાં ભરાતાં વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. આ માટે રાજયાશ, આંબલી અને સૂર્યશ્રીજી સહિતનાં તળાવોનું ઇન્ટરલિંકિંગ કરવામાં આવશે. સાથે જ વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થઈ શકે તે માટે પમ્પિંગ સ્ટેશન (AMC Drainage Project) પણ કાર્યરત કરાશે.
આ વ્યવસ્થા મારફતે વરસાદી પાણીનો નિકાલ ગોતા-ગોધાવી કેનાલમાં કરવામાં આવશે.
દક્ષિણ-પશ્ચિમ ઝોનનું ડ્રેનેજ નેટવર્ક મજબૂત કરાશે
દક્ષિણ-પશ્ચિમ ઝોનના પ્રોજેક્ટ હેઠળ ઘુમા, ઘુમા-1 અને રસ્તા તળાવને એકબીજા સાથે જોડવામાં આવશે. બોપલ અને ઘુમાની સોસાયટીઓમાં ભરાતું પાણી ઝડપથી બહાર કાઢી શકાય તે માટે નવું નેટવર્ક ઊભું કરાશે. ઘુમા અને રત્ના તળાવ ઓવરફ્લો ન થાય તે માટે પણ પમ્પિંગ સ્ટેશનની વ્યવસ્થા કરવામાં આવશે.
તંત્રના આયોજન મુજબ, આગામી ચોમાસામાં નાગરિકોને આ કામગીરીથી આંશિક રાહત મળી શકે છે. જોકે, સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ એટલે કે આગામી બે વર્ષમાં વિસ્તારના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા હળવી થવાની અપેક્ષા છે.
આ પણ વાંચો: અમદાવાદના બોપલ-આંબલી-ઘૂમા-શેલામાં પાણી ભરાવાની સમસ્યા, અમિત શાહે કાયમી ઉકેલ માટે લખ્યો પત્ર
આ પણ વાંચો: બોપલમાં મેયરની મુલાકાત દરમિયાન હોબાળો: ત્રણ દિવસથી પાણીમાં ફસાયેલા લોકોએ ઠાલવ્યો રોષ
