Gujarat News : ગીર અને ગિરનારનાં જંગલોમાં અપૂરતા વરસાદને કારણે વન્યજીવો માટે પાણીની અછત (Gir Forest Water Crisis)ઊભી થઈ છે. સ્થિતિ એટલી ગંભીર બની છે કે સામાન્ય રીતે ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં શરૂ થતી પાણીની વ્યવસ્થા આ વખતે ઓક્ટોબરના અંતથી જ શરૂ કરવાની ફરજ પડી છે. સિંહ, દીપડા સહિતનાં વન્યજીવોને પીવાનું પાણી મળી રહે તે માટે વન વિભાગે 650થી વધુ કૃત્રિમ જળસ્રોતોને (Artificial Water Points)કાર્યરત કરવાની કામગીરી હાથ ધરી છે.
અપૂરતા વરસાદથી ગીરના જંગલમાં જળસંકટ
આ વર્ષે વરસાદની અછતની અસર ગીર અને ગિરનારનાં જંગલોમાં પણ જોવા મળી રહી છે. જંગલનાં કુદરતી જળસ્રોતો, નદીઓ, નાળા અને ચેકડેમ સમય કરતાં વહેલા સુકાઈ જતાં વન્યજીવો માટે પાણીની મુશ્કેલી (Girnar Water Crisis)ઊભી થઈ છે. સામાન્ય રીતે શિયાળા બાદ ઉનાળાની શરૂઆતમાં પાણીના કૃત્રિમ પોઈન્ટ્સ ભરવાની કામગીરી કરવામાં આવે છે, પરંતુ આ વખતે વહેલી શરૂઆત કરવી પડી છે.
વન્યજીવો પાણીની શોધમાં જંગલની બહાર માનવ વસાહતો તરફ ન આવે અને તેમને કુદરતી રહેઠાણમાં જ પૂરતું પાણી મળી રહે તે માટે વન વિભાગે ખાસ આયોજન કર્યું છે. ગીર અને ગિરનારમાં આવેલા 650થી વધુ કૃત્રિમ પાણીના પોઈન્ટ્સમાંથી મોટાભાગના પોઈન્ટ્સમાં પાણી ભરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.
સોલાર પંપથી લઈને ટ્રેક્ટર સુધીની વ્યવસ્થા
જંગલના દુર્ગમ વિસ્તારોમાં આવેલા પાણીના પોઈન્ટ્સ સુધી પાણી પહોંચાડવું વન વિભાગ માટે મોટો પડકાર છે. આ માટે સોલાર આધારિત ઓટોમેટિક પંપ, પવનચક્કી અને ટ્રેક્ટરની મદદ લેવામાં આવી રહી છે.

સોલાર પંપ સૂર્યપ્રકાશની મદદથી પાણીનો પુરવઠો કરે છે, જ્યારે પવનચક્કી પવનની ઊર્જાનો ઉપયોગ કરીને પાણી ખેંચે છે. જ્યાં આ બંને વ્યવસ્થાઓથી પાણી પહોંચાડવું શક્ય નથી ત્યાં ટ્રેક્ટર અને શ્રમિકોની મદદથી પાણી ભરવામાં આવી રહ્યું છે. આ રીતે જંગલના અંદરના વિસ્તારોમાં પણ વન્યજીવો માટે પાણીની ઉપલબ્ધતા જાળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
150થી વધુ જૂના પોઈન્ટ્સ ફરી શરૂ કરવાની તૈયારી
જળસંકટને ધ્યાનમાં રાખીને વન વિભાગે જૂના પાણીના પોઈન્ટ્સને ફરી કાર્યરત કરવા માટે સર્વે હાથ ધર્યો છે. ગીરના જંગલમાં અગાઉ બનાવવામાં આવેલા 150થી વધુ જૂના પોઈન્ટ્સને પુનઃજીવિત કરવાની તૈયારી ચાલી રહી છે.
વન્યજીવોની અવરજવર, પાણીની જરૂરિયાત અને આસપાસની ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને નવા પોઈન્ટ્સ બનાવવાનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ, ગિરનારના પહાડી અને દુર્ગમ વિસ્તારોમાં પાણીની અછતને પહોંચી વળવા આશરે 20 નવા કૃત્રિમ પાણીના પોઈન્ટ્સ (Artificial Water Points)તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
સિંહ સહિતનાં વન્યજીવો માટે પાણીની ખાસ વ્યવસ્થા
ગીરના જંગલમાં એશિયાટિક સિંહ, (Asiatic Lions)દીપડા, ચિત્તલ, સાબર, ચોસિંગા સહિત અનેક પ્રકારનાં વન્યજીવો વસવાટ કરે છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં પક્ષીઓ પણ જંગલના જળસ્રોતો પર નિર્ભર છે. આગામી શિયાળા અને ઉનાળાની ઋતુમાં તેમને પીવાનું પાણી મળી રહે તે માટે વન વિભાગે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી છે.
સામાન્ય રીતે ગીરમાં આશરે 600 અને ગિરનારમાં 50થી 60 કૃત્રિમ પાણીના પોઈન્ટ્સ કાર્યરત રાખવામાં આવતા હતા. જોકે, આ વર્ષે વરસાદની અછતને કારણે પાણીની વ્યવસ્થામાં ફેરફાર કરીને વધુ પોઈન્ટ્સ કાર્યરત કરવાની દિશામાં કામગીરી ચાલી રહી છે. જંગલના કુદરતી જળસ્રોતો સુકાઈ જતાં વન્યજીવોની સુરક્ષા અને પાણીની ઉપલબ્ધતા જાળવવી વન વિભાગ (Forest Department)માટે મહત્વપૂર્ણ પડકાર બન્યો છે.
