Gujarat News/ પોરબંદરમાં સગીરા પર પિતાના અત્યાચારનો મામલો, માતા ફરિયાદમાંથી ફરી તો હાઈકોર્ટે લગાવી ફટકાર

Gujarat High Court: પોરબંદરમાં 17 વર્ષીય સગીરા સાથેના અત્યાચારના કેસમાં માતાએ ફરિયાદ રદ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, DNA રિપોર્ટમાં ગર્ભના DNA આરોપી પિતા સાથે મેચ થતાં ગુજરાત હાઈકોર્ટે માતા અને વકીલોની ઝાટકણી કાઢી હતી.

Top Stories Gujarat Others
Gujarat High Court: પોરબંદર કેસમાં હાઈકોર્ટની ફટકાર, DNA રિપોર્ટથી 1 પિતાના કૃત્યનો ખુલાસો

Gujarat News: ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court)માં પોરબંદરના એક ગંભીર કેસની સુનાવણી દરમિયાન પીડિતાની માતા અને વકીલોને કોર્ટની આકરી ટીકાનો સામનો કરવો પડ્યો હતો. 17 વર્ષીય સગીરા સાથે તેના પિતાએ દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જોકે, બાદમાં આરોપી પિતાએ પોતાની પત્નીની સહમતીથી ફરિયાદ રદ કરવાની અરજી કરી હતી. સુનાવણી દરમિયાન માતાએ ઘટના બની જ ન હોવાનો દાવો કર્યો હતો. પરંતુ DNA રિપોર્ટમાં ગર્ભના DNA આરોપી પિતા સાથે મેચ થતાં હાઈકોર્ટે માતાની ભૂમિકા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.

Gujarat High Court: 17 વર્ષીય દીકરી પર પિતાના અત્યાચારની ફરિયાદ

આ વર્ષે પોરબંદરના મરીન પોલીસ (Marine Police Porbandar) સ્ટેશનમાં એક મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, મહિલાની 17 વર્ષીય દીકરી સાથે તેના જ પિતાએ દુષ્કર્મ આચર્યું (Minor Abuse Case) હતું અને તેને ગર્ભવતી બનાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી પિતાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પત્નીની સહમતીથી ફરિયાદ રદ કરાવવા હાઈકોર્ટમાં અરજી

ત્યારબાદ આરોપીએ પોતાની પત્નીની સહમતીથી ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરવાની અરજી દાખલ કરી હતી. આ મામલે મહિલાએ એફિડેવિટ રજૂ કરીને જણાવ્યું હતું કે આવી કોઈ ઘટના બની જ નથી.

જોકે, સુનાવણી દરમિયાન પોલીસે કોર્ટ સમક્ષ સગીરાના ગર્ભનો DNA રિપોર્ટ રજૂ કર્યો હતો. રિપોર્ટમાં ગર્ભના DNA આરોપી પિતા સાથે મેચ થયા હોવાનું સામે આવ્યું હતું. આ વૈજ્ઞાનિક પુરાવા સામે આવતાં ફરિયાદ રદ કરવાની અરજી પર સવાલો ઊભા થયા હતા.

માતા અને વકીલોને હાઈકોર્ટની આકરી ફટકાર

DNA રિપોર્ટ સામે આવ્યા બાદ હાઈકોર્ટે પીડિતાની માતાની ભૂમિકા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે આકરી ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, ‘તમારા જેવી મા હોય એના કરતાં ન હોય એ સારું.’

આ ઉપરાંત કોર્ટે ફરિયાદી અને અરજદાર તરફથી હાજર રહેલા વકીલોને પણ તેમની વ્યાવસાયિક જવાબદારીઓ યાદ અપાવી હતી. કોર્ટે કહ્યું હતું કે માત્ર પૈસા મેળવવા માટે કોઈપણ કામ કરવું જોઈએ નહીં. વકીલ તરીકે કેટલીક નૈતિક અને કાયદાકીય જવાબદારીઓ પણ હોય છે.

અરજદાર અને ફરિયાદી પક્ષના વકીલોએ અરજી પરત ખેંચવા માટે રજૂઆતો કરી હતી. જોકે, હાઈકોર્ટે સખત વલણ અપનાવી ફરિયાદ રદ કરવાની અરજી ફગાવી દીધી હતી.

આરોપી સામે 16 ગુના નોંધાયા હોવાની રજૂઆત

સુનાવણી દરમિયાન સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે આરોપી સામે અગાઉથી કુલ 16 ગુનાઓ નોંધાયેલા છે. તે ગુજસીટોક હેઠળના કેસમાં પણ આરોપી છે. હાઈકોર્ટના આકરા વલણ બાદ ફરિયાદી માતા કોર્ટરૂમમાંથી બહાર નીકળી ગઈ હતી.

અન્ય એક કેસમાં માતા-દીકરી ફરી ગયાં છતાં પુરાવાના આધારે સજા

આવા જ એક અન્ય કેસમાં અમદાવાદની પોક્સો કોર્ટે વૈજ્ઞાનિક અને અન્ય પુરાવાઓના આધારે આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારી હતી. અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં 43 વર્ષીય આરોપી સામે BNS અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો.

કેસની સુનાવણી અમદાવાદ સિટી સેશન્સ કોર્ટની વિશેષ પોક્સો (POCSO Act) અદાલતમાં ચાલી હતી. જજ એ.બી. ભટ્ટે સરકારી વકીલ કે.જી. જૈનની દલીલો, 7 સાહેદોની જુબાની અને 27 પુરાવાઓને ધ્યાનમાં રાખીને આરોપીને સજા સંભળાવી હતી.

ટ્રાયલ દરમિયાન પીડિતા અને તેની માતા બંને પોતાનાં અગાઉનાં નિવેદનોથી ફરી ગયાં હતાં. માતાએ ઘરેલુ ઝઘડા અને મારપીટને કારણે હેલ્પલાઈન બોલાવાઈ હોવાનું જણાવ્યું હતું. પીડિતાએ પણ માતા-પિતા વચ્ચેના ઝઘડાની વાત કરી હતી. જોકે, કોર્ટે વૈજ્ઞાનિક પુરાવાઓને મહત્ત્વ આપીને આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારી હતી.


આ પણ વાંચો: દસ વર્ષની પુત્રી પર પિતાનો રેપઃ અમદાવાદમાં સંબંધોને શર્મસાર કરતી વધુ એક ઘટના

આ પણ વાંચો: સુરતમાં 13 વર્ષીય સગીરાના મોતના કેસમાં 2 વર્ષ બાદ ચોંકાવનારો ખુલાસો, DNA મેચ થતા સાવકા પિતાની ધરપકડ

આ પણ વાંચો: પોરબંદરમાં 12 વર્ષના કિશોરનું ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ