Food Recipe: સાંજે કશુંક હળવું ખાવાનું મન હોય અને ડિનર ન કરવું હોય કે ડિનર પહેલા કંઇક ગરમાગરમ ખાવાની ક્રેવિંગ થતી હોય તો તમે આ મગની દાળનો સૂપ (Moong Dal Soup) બનાવીને પી શકો છો. મગની દાળનો સૂપ અત્યંત હળવો હોય છે. મોટાભાગે બીમાર થઈએ ત્યારે ડૉક્ટર પાતળી મગની દાળનો સૂપ પીવાની સલાહ આપે છે. મગની દાળનો સૂપ પીને વજન ઘટાડવા (Weight Loss)માં પણ મદદ મળે છે. કેટલાક લોકો મગની દાળનું નામ સાંભળતાવેંત મોં બગાડે છે. પરંતુ આ રીતે એકવાર મગની દાળનો સૂપ બનાવીને પીશો તો સ્વાદ સાથે ભરપૂર ફાયદો પણ મળશે! તો ચાલો જાણીએ તદ્દન હૅલ્ધી એવા મગની દાળનો સૂપ (Healthy Soup) બનાવવાની વિધિ…
મગ ખાવાના સ્વાસ્થ્ય લાભ (Health Benefits of Moong Dal)
પ્રોટીનથી સભર એવી મગની ફોતરાવાળી દાળ મસલ્સ (Muscles)ને મજબૂત બનાવવા ઉપરાંત, પેટને પણ લાંબો સમય ભરેલું રાખવામાં મદદરુપ થાય છે. આ સૂપ હાઈ માત્રામાં ફાઇબર તથા લૉ ફેટ (High Fiber & Law Fat) ધરાવે છે, જેથી આને ડિનરમાં ખાવાથી વારંવાર ભૂખ લાગતી નથી અને ઓવર ઇટિંગથી બચી શકાય છે. આથી વજન વધવાની સંભાવના ઓછી થઇ જાય છે.
આ ઉપરાંત, મગ દાળ પાચનમાં તદ્દન હળવી હોવાથી એનું સેવન કરનારને ગૅસ તથા એસિડિટી (Gas or Acidity)ની સમસ્યા થતી નથી. સત્વરે ઊર્જા પ્રદાન કરતા આ નાસ્તાને સાંજે અથવા ડિનરમાં ખાવાથી દિવસભર શરીરમાં ઊર્જાનું સ્તર (Energy) જળવાઇ રહે છે. વળી, જે લોકો વજન ઝડપથી ઓછું કરવા માગે છે એમણે તો આ રેસિપીને પોતાના રેગ્યુલર ડાયેટમાં અવશ્ય સામેલ કરવી જોઇએ. તો હવે જાણીશું, એને બનાવવા માટેની સામગ્રી અને એની વિધિ અંગે…
શી રીતે બનાવશો મગની દાળનો સૂપ? (Moong Dal Soup Recipe)
મગની દાળનો સૂપ બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
1 કપ આખા મગ અથવા મગની દાળ
4 કપ પાણી
1 ઈંચ આદુનો ટુકડો
આવશ્યકતા અનુસાર પાણી
અડધી ચમચી હળદર
અડધી ચમચી જીરાનો પાવડર
અડધી ચમચી ધાણા પાવડર
1 ચમચી કાળા મરીનો પાવડર
સ્વાદાનુસાર મીઠું
1 ટુકડો ગોળ (વૈકલ્પિક)
અડધા લીંબુનો રસ
વઘાર માટે
1 ચમચી ઘી
1 ચમચી જીરું
મીઠા લીમડાના પાન
ચપટી હીંગ
ગાર્નિશ કરવા માટે
તાજી સમારેલી કોથમીર

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ 1 કપ આખા મગને રાતભર પાણીમાં પલાળી રાખવા. જો ઈન્સ્ટન્ટ બનાવવો હોય તો 1 કપ મગની દાળને અડધો કલાક પહેલા પાણીથી ધોઈને પલાળી લેવી.
2. જો મગની ફોતરાવાળી દાળ લેતા હો તો એને નૉર્મલ દાળની જેમ પલાળીને સૂપ બનાવી શકો છો.
3. હવે આખા મગ અથવા તે મગની દાળમાં 4 કપ પાણી ઉમેરી દો અને કૂકરમાં 5-6 સીટી વગાડી લો. ઠંડુ થાય પછી કૂકર ખોલવું.
4. બાફેલા મગ કે મગની દાળમાં આદુ છીણીને ઉમેરવું અને દાળ ઠંડી થાય પછી મિક્સરમાં બારીક ક્રશ કરી લેવી. જેટલો પાતળો સૂપ તમારે જોઈએ એ પ્રમાણે 2-3 કપ પાણી ઉમેરી દો પછી દાળને ફાસ્ટ તાપે ઉકળવા મૂકો.
5. ઉકાળતી વખતે એમાં હળદર, ધાણાજીરું, કાળા મરીનો પાવડર અને સ્વાદાનુસાર મીઠું ઉમેરી દો. આ તમામ વસ્તુઓને સારી રીતે મિક્સ કરીને ઉકાળી લો.
6. સૂપમાં એક ઉભરો આવે ત્યાં સુધી ગૅસની ફ્લેમ હાઈ રાખવી અને પછી ધીમી કરી દેવી. જો તમને સૂપમાં હળવું ગળપણ પસંદ હોય તો એમાં 1 ટુકડો ગોળ ઉમેરી લો. ગોળ ગરમ હોય છે અને એનાથી સૂપની તાસીર પણ હળવી ગરમ થઈ જાય છે. તમારે ગોળ ન નાખવો હોય તો સ્કિપ કરી શકો છો.
7. હવે આ સૂપમાં વઘાર કરી લો. એ માટે એક પૅનમાં 1 ચમચી ઘી ઉમેરો અને પછી એમાં 1 ચમચી જીરું ઉમેરો. જીરું તતડે પછી એમાં મીઠા લીમડાના પાન, હીંગ નાખી દો.
તો તૈયાર છે તમારો મગની દાળનો સૂપ…જેને તમે તાજી કોથમીર તથા લીંબુનો રસ મિક્સ કરીને ગરમાગરમ સર્વ કરો. આ સૂપને આખો શિયાળો પી શકો છો. એનાથી પેટ પણ ભરેલું લાગશે અને સ્વાદ પણ ભરપૂર મળશે. આ સૂપને કેટલાક દિવસો સુધી ડિનરમાં પીશો તો વજન ઘટાડવાનું પણ સરળ બની જશે. આ એક ડાયેટ રેસિપી (Diet Recipe) છે જેનાથી તમારા શરીરને પોષણ પણ મળશે અને પેટ પણ ભરાઈ જશે. ડાયેટિંગ કરતા લોકો માટે આ એક ઉત્તમ વિકલ્પ છે.
આ પણ વાંચો: માર્કેટ જેવો દાણેદાર મગ દાળનો હલવો ઘરે બનાવવાની સૌથી સરળ રીત….મહેમાનો આંગળા ચાટતા રહી જશે!
આ પણ વાંચો: આ દિવાળીના દિવસે બજારની મીઠાઈને કહો અલવિદા…બનાવો હલવાઈ જેવી મગ દાળની બરફી..!
